વડોદરામાં ભાજપ નેતા જ્યોતિબેન પંડ્યાને 6 વર્ષ માટે પક્ષના તમામ પદો પરથી સસ્પેન્ડ કરાયા

jyotiben-pandya

લોકસભા ચૂંટણીની ટિકિટ ન મળતા નારાજ હતા, હવે કોંગ્રેસ અથવા અપક્ષમાંથી ચૂંટણી લડે તેવી ચર્ચા

વડોદરામાં ભાજપ નેતા ડૉ.જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી 6 વર્ષ માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, જ્યોતિબેન પંડ્યા ભાજપના વરિષ્ઠ કાર્યકર્તા હતા. જ્યોતિબેન પંડ્યા વડોદરા શહેરના મેયર રહી ચૂક્યા છે. તેઓ ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અને ભાજપના મધ્ય ઝોન પ્રવક્તા હતા. જોકે, હાલ તેમની ભાજપ પક્ષના તમામ પદો અને પ્રાથમિક સભ્યપદેથી હકાલપટ્ટી કરી દેવાઈ છે. ચૂંટણીમાં ઉમેદવારી અંગે નારાજગી વ્યક્ત કરતાં પાર્ટી તરફથી તેમને તમામ હોદા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વડોદરા લોકસભા બેઠક પર રંજનબેન ભટ્ટનું પત્તુ કપાશે તેવી ચર્ચા હતી પરંતુ ભારે વિવાદો બાદ પણ ભાજપે રંજન ભટ્ટને ટિકિટ આપીને ત્રીજીવાર રિપીટ કર્યા છે. આ મુદ્દે વડોદરામાં વિવાદ શરૂ થયો છે. વડોદરામાં ભાજપ નેતા જ્યોતિબેન પંડ્યા ટિકિટ ન મળતા નારાજ થયા હતા. ત્યારે હવે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વડોદરાના ડૉ.જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી છ વર્ષ માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. તેઓ મહારાષ્ટ્ર ભાજપના પ્રચારક પણ રહી ચૂક્યા છે.

ડૉ. જ્યોતિબેન પંડ્યાને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા બાદ હવે તેમની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે રંજનબેનનું નામ લીધા વગર ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવ્યા છે. ડૉ. જ્યોતિબેન પંડ્યાએ કહ્યું કે, ‘વડોદારનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. શહેરના વિકાસના રૂપિયા ક્યાં જાય છે? રંજનબેનને શા માટે વારંવાર ટિકિટ આપવામાં આવી રહી છે? અમદાવાદ, સુરતની જેમ વડોદરાનો વિકાસ કેમ નથી થતો? રંજનબેનના કારણે કાર્યકરો દુઃખી છે. છેલ્લા ઘણા સમયથી વડોદરાના વિકાસની મૂડી ઘસાઈ રહી છે. શહેર જેને પસંદ નથી કરતું પાર્ટીએ તેને ટિકિટ આપી છે. વારાણસીની જેમ વડોદરાનો ક્યારે વિકાસ થશે ? હું લોકસભા ઉમેદવાર માટે લાયક છું. મે સવારે પાર્ટી છોડવા મુદ્દે હાઈકમાન્ડને જાણ કરી છે. હું છેલ્લા 30 વર્ષથી સક્રિય કાર્યકર છતાં પાર્ટીએ મને ટિકિટ ન આપી. રંજનબેનને ત્રીજી વખત ટિકિટ આપવાની પક્ષની એવી કઈ મજબૂરી હશે કે ખ્યાલ નથી.’

જાણવા મળ્યુ છે કે ડૉ.જ્યોતિબેન પંડ્યા વડોદરા શહેરના ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટના સંદર્ભમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. જેને લઇને ભાજપ દ્વારા તેમની તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી તાત્કાલિક ધોરણે હકાલપટ્ટી કરવામાં આવી છે. ભાજપ દ્વારા લોકસભાની ટિકિટ ન મળવાને લઈને નારાજ ડૉ. જ્યોતિબેન પંડ્યા કોંગ્રેસ અથવા અપક્ષમાંથી ચૂંટણી લડે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો એવુ થયું તો વડોદરા બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળશે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની સૂચના પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.