નાયબ સિંહ સૈની હરિયાણાના નવા મુખ્યમંત્રી બનશે, સાંજે 5 વાગ્યે શપથ લેશે

nayab-saini

બીજેપી અને જેપીપી વચ્ચે ગઠબંધન તૂટ્યા બાદ મનોહર લાલ ખટ્ટરે રાજીનામું આપ્યુ

હરિયાણાના રાજકારણમાં આજે ભારે ઉથલ-પાથલ સર્જાઈ છે. ભાજપ અને જનનાયક જનતા પાર્ટી વચ્ચે ગઠબંધન તૂટ્યા બાદ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે રાજીનામું આપી દીધું છે. ત્યારબાદ ભાજપે અન્ય પક્ષોના ઉમેદવારોના સાથ મેળવીને નવી સરકાર બનાવવાની તૈયારી કરી લીધી છે. આ સાથે જ હરિયાણાનાં નવા મુખ્યમંત્રી તરીકે નાયબસિંહ સૈનિનાં નામ પર મહોર પણ મારી દીધી છે. નાયબ સિંહ સૈની આજે સાંજે 5 વાગ્યે હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

લોકસભા ચૂંટણી 2024માં બેઠક વહેંચણી મુદ્દે ભાજપ અને જેપીપી વચ્ચે વિવાદ થતા બંનેનું ગઠબંધન તૂટી ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ મોડી રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે એકથી બે બેઠકો માંગી હતી. તેના જવાબમાં ભાજપ હાઈકમાન્ડે તેમને કહ્યું કે તેમને ગઠબંધનના ભાવિ વિચાર વિશે જાણ કરવામાં આવશે. તેવામાં હવે આજે સવારે મનોહર લાલ ખટ્ટરે કેબિનટ મંત્રીઓ સાથે રાજીનામું આપી દીધુ હતું. તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સુપરત કર્યું હતું, જેને સ્વીકારી લેવામાં આવ્યું હતું. ભાજપે અન્ય ઉમેદવારોનાં સાથ મેળવીને હરિયાણા ભાજપના અધ્યક્ષ નાયબ સિંહ સૈનીને હરિયાણાના નવા મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી છે.

નાયબ સિંહ સૈની હાલ કુરુક્ષેત્રથી સાંસદ છે. તે ઓબીસી કેટેગરીના છે. વર્ષ 1996થી તેમણે ભાજપ સાથે રાજકીય સફરની શરૂઆત કરી હતી. 2014 સુધી તેમણે પાર્ટીમાં વિવિધ પદો પર પોતાની સેવા આપી હતી. વર્ષ 2014માં તેઓ નારાયણ ગઢથી ધારાસભ્ય બન્યા અને વર્ષ 2015માં હરિયાણા સરકારમાં રાજ્યમંત્રી રહ્યા હતા. તેમને પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના ખાસ માનવામાં આવે છે. હાલ તેઓ હરિયાણા ભાજપના અધ્યક્ષ છે અને હવે તેઓ હરિયાણાના મુખ્યમંત્રી તરીકે બનવા જઈ રહ્યા છે. નાયબ સૈનીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરે તેમને ફૂલ આપીને અભિનંદન પાઠવ્યા હતા.

હરિયાણામાં કુલ 90 વિધાનસભા સીટો છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે કુલ 46 ધારાસભ્યોની જરૂર હોય છે. આ 90 બેઠકોમાંથી 41 બેઠકો ભાજપ પાસે, કોંગ્રેસ પાસે 30 બેઠકો, ઈન્ડિયન નેશનલ લોકદળ પાસે 10, હરિયાણા લોકહિત પાર્ટી પાસે 1 બેઠક અને અપક્ષની 7 બેઠકો છે.

હરિયાણામાં આજે ભાજપની નવી સરકાર બની જશે, છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જેજેપી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી. તે વખતે ચૂંટણીમાં ભાજપને 41 જ્યારે જેજેપીને 10 બેઠકો મળી હતી. ગઠબંધન તૂટ્યા બાદ 41 બેઠકો ધરાવતા ભાજપને એલએચપીના 1 ધારાસભ્યનું અને 7 અપક્ષ ધારાસભ્યનું સમર્થન મળેલું છે. આવી સ્થિતિમાં ભાજપનું કુલ સંખ્યાબળ 48 પર પહોંચી ગયું છે. તેમ છતાં નવી સરકાર સામે ઘણાં પડકારો યથાવત્ છે. ભાજપ બહુમતીના બોર્ડર પર છે અને જો 3 અપક્ષ ધારાસભ્યો અલગ થયા તો ભાજપની સરકાર ફરી ખતરામાં પડી શકે છે.

વિધાનસભ્ય દળની બેઠક પહેલા ગૃહમંત્રી અનિલ વિજ ગુસ્સામાં ચાલ્યા ગયા હતા. તેમને નાયબ સૈનીના નામ સામે વાંધો હતો. વિજ છ વખત ધારાસભ્ય છે, પરંતુ તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા નથી. પાણીપતના બીજેપી સાંસદ સંજય ભાટિયાએ કહ્યું કે નાયબ સૈનીને નવા સીએમ બનાવવામાં આવ્યા છે. એક પ્રશ્ન પર તેમણે કહ્યું કે મનોહર લાલ લોકસભાની ચૂંટણી લડશે કે નહીં તે પાર્ટી નક્કી કરશે. નાયબ સૈની સીએમ બનશે તો મનોહર લાલ સૌથી વધુ ખુશ થશે. તેમણે કહ્યું કે તેઓ ધારાસભ્ય નથી અને તેથી મીટિંગમાં ગયા નથી.