કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યુંઃ મુસ્લિમ સમુદાય સિવાય ત્રણ મુસ્લિમ બહુમતી પાડોશી દેશોમાંથી આવતા અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે.
કેન્દ્ર સરકારે CAA સંબંધિત એક વેબ પોર્ટલ પણ તૈયાર કર્યું છે, જે નોટિફિકેશન પછી લોન્ચ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે CAA (નાગરિકતા સંશોધન કાયદો)ને લઈને નોટિફિકેશન જાહેર કરી દીધું છે. ગૃહમંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. સંસદ દ્વારા CAA પસાર થયાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે. ત્યારે હવે કેન્દ્રની મોદી સરકારે આજે દેશમાં CAA લાગુ કર્યું છે. આનાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થશે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ મહત્વનું પગલું છે.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા ગૃહમંત્રી અમિત શાહે તેમના ભાષણોમાં ઘણી વખત નાગરિકતા સંશોધન કાયદો અથવા CAA લાગુ કરવાની વાત કરી છે. તેમણે જાહેરાત કરી હતી કે લોકસભા ચૂંટણી પહેલા તેનો અમલ કરવામાં આવશે. આવી સ્થિતિમાં સૂત્રોનું કહેવું છે કે ગૃહ મંત્રાલય દ્વારા તેના અમલીકરણની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે તેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
CAA હેઠળ, મુસ્લિમ સમુદાય સિવાય ત્રણ મુસ્લિમ બહુમતી પાડોશી દેશોમાંથી આવતા અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે CAA સંબંધિત એક વેબ પોર્ટલ પણ તૈયાર કર્યું છે, જે નોટિફિકેશન પછી લોન્ચ કરવામાં આવશે. ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાંથી આવતા લઘુમતીઓએ આ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સરકારની તપાસ બાદ તેમને કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવશે. આ માટે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી વિસ્થાપિત લઘુમતીઓને કોઈ દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં.
ભારતીય નાગરિકતા અધિનિયમ 1995માં ફેરફાર કરતું સંશોધિત બિલ સૌપ્રથમવાર 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ બિલ લોકસભામાં પસાર થયું હતું, પરંતુ રાજ્યસભામાં અટકી ગયું હતું. બાદમાં તેને સંસદીય સમિતિને મોકલવામાં આવ્યો હતો. 2019ની ચૂંટણીમાં જ્યારે મોદી સરકાર ફરી સત્તામાં આવી ત્યારે ફરીથી સંસદમાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું.
ડિસેમ્બર 2019 માં, સંસદના બંને ગૃહો દ્વારા બિલ પસાર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી હતી. આ સમયગાળા દરમિયાન દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. શાહીન બાગ સહિત દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન ઘણા મહિનાઓ સુધી ચાલ્યા. જો કે, પછી કોરોના રોગચાળાને કારણે બધું ઠંડું પડી ગયું.
નાગરિકતા આપવાનો અધિકાર સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકાર પાસે છે. પડોશી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિંદુ, શીખ, જૈન, પારસી, બૌદ્ધ અને ખ્રિસ્તી સમુદાયોના વસાહતીઓને ભારતીય નાગરિકતા આપવા માટે 1955 ના નાગરિકતા કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. આવા સ્થળાંતરિત નાગરિકો, જેઓ તેમના દેશોમાં ધાર્મિક દમનથી કંટાળીને ભારત આવ્યા અને 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આશ્રય લીધો. આ કાયદા હેઠળ, તે લોકોને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ ગણવામાં આવ્યા છે, જેઓ માન્ય મુસાફરી દસ્તાવેજો (પાસપોર્ટ અને વિઝા) વિના ભારતમાં પ્રવેશ્યા છે અથવા માન્ય દસ્તાવેજો સાથે ભારત આવ્યા છે, પરંતુ નિર્ધારિત સમયગાળા કરતાં વધુ સમય માટે અહીં રોકાયા છે.