ઉજ્જવલા યોજનાનાં ગ્રાહકોને વધુ એક વર્ષ સુધી 300 રૂપિયાની સબસિડી મળશે
નવા 4 ટકાના વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓનું DA 50 ટકા થયું
કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓના DA(મોંઘવારી ભથ્થાં)માં 4 ટકાનો વધારો કર્યો છે. નવા વધારા સાથે DA 50% થયું છે.
મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને હોળીની મોટી ભેટ આપી છે. મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના DA(મોંઘવારી ભથ્થાં)માં 4 ટકાનો વધારો કરી દીધો છે. ગુરુવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ડીએ વધારાને મંજૂરી આપવામાં આવી હતી. કર્મચારીઓને 1 જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થું મળતું રહેશે જેને કારણે લાખો કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ થશે. લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ પેન્શનધારકોને તેનો લાભ મળશે. DA 46%થી વધારીને 50% થવાને કારણે ઘર ભાડા ભથ્થામાં પણ વધારો થશે. તે 27, 18 અને 9%થી વધારીને 30, 20 અને 10% કરવામાં આવશે. કેન્દ્ર સરકારે ડીએની સાથે ગ્રેજ્યુઈટીની લિમિટ પણ 20 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવી છે.
નવા 4 ટકાના વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓનું DA 50% થયું છે. આ અગાઉ, સરકારે ઓક્ટોબર 2023માં DA 4%થી વધારીને 46% કર્યું હતો. મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈમાં વધારવામાં આવે છે.
DA(મોંઘવારી ભથ્થું) કેવી રીતે ગણવામાં આવે છે?
DA(મોંઘવારી ભથ્થું) મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે એક ફોર્મ્યુલા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફોર્મ્યુલા છે [(છેલ્લા 12 મહિનાના ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ની સરેરાશ – 115.76)/115.76]×100. હવે જો આપણે PSU (પબ્લિક સેક્ટર યુનિટ)માં કામ કરતા લોકોના મોંઘવારી ભથ્થા વિશે વાત કરીએ, તો તેની ગણતરીની પદ્ધતિ છે- મોંઘવારી ભથ્થાંની ટકાવારી = (છેલ્લા 3 મહિનાના ગ્રાહક ભાવ સૂચકાંકની સરેરાશ (બેઝ વર્ષ 2001 = 100)- 126.33) )x100
ઉજ્જવલા યોજનામાં એક વર્ષ સુધી 300 રૂપિયાની સબસિડી મળશે
કેન્દ્ર સરકારે પણ પીએમ ઉજ્જવલા યોજનાને એક વર્ષ માટે લંબાવી છે. એટલે કે આ યોજનાના ગ્રાહકોને વધુ એક વર્ષ સુધી 300 રૂપિયાની સબસિડી મળતી રહેશે. આનાથી 10 કરોડ પરિવારોને ફાયદો થશે.
પહેલીવાર આજે સોનાનો ભાવ રૂ. 65,000ને પાર
પહેલીવાર આજે સોનાનો ભાવ રૂ. 65,000ને પાર કરી ગયો હતો. સાથે સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, 10 ગ્રામ સોનું રૂ. 556 વધીને રૂ. 65,049 થઈ ગયું છે. તો ચાંદીનો ભાવ પણ 411 રૂપિયા વધીને 72,121 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે.