પીએમ મોદીએ દેશની પહેલી અંડરવોટર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું, બાળકો સાથે અન્ડરવોટર મેટ્રોની કરી સફર

underwatermetroKolkata

દેશની પ્રથમ અંડરવોટર મેટ્રો કોલકાતા અને હાવડા વચ્ચે દોડશે
અંડરવોટર મેટ્રો માટે 16.6 કિમી લાંબી ટનલ કોલકાતાની હુગલી નદીની નીચે બનાવવામાં આવી છે

પીએમ મોદીએ કોલકાતામાં દેશની પ્રથમ અંડરવોટર ટનલ મેટ્રોનું આજે ઉદ્ઘાટન કર્યું હતું. આ મેટ્રો દેશની પહેલી અંડરવોટર મેટ્રો છે જે કોલકાતા અને હાવડા વચ્ચે દોડશે. પીએમ મોદીએ લીલીઝંડી આપ્યા બાદ મેટ્રોમાં બેસીને સ્કૂલના બાળકો સાથે મુસાફરી કરી હતી અને તેમની સાથે વાતચીત પણ કરી.

પીએમ મોદી હાલ બે દિવસીય પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. આજે તેઓએ કોલકાતામાં દેશને પહેલી અંડરવોટર મેટ્રો સમર્પિત કરી છે. આ સિવાય પીએમ મોદીએ બંગાળને 15400 કરોડ રૂપિયાની વિકાસ કાર્યોની ભેટ આપી હતી. જે અંતર્ગત તેમણે અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ તેમજ ઉદ્ઘાટન કર્યું હતું. અંડરવોટર મેટ્રોનું ઉદ્ઘાટન ઉપરાંત પીએમ મોદીએ કવિ સુભાષ-હેમંત મુખોપાધ્યાય મેટ્રો સેક્શન અને તરતલા-માજેરહાટ મેટ્રો સેક્શનનું પણ ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન મોદીએ 6 નવી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રાંરભ કરાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મેટ્રો કર્મચારીઓ સાથે રાજ્ય ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદાર અને રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને ભાજપના ધારાસભ્ય સુવેન્દુ અધિકારી સાથે વાતચીત કરી હતી. અંડરવોટર મેટ્રો ટનલ કોરિડોરની ઓળખ વર્ષ 1971માં થઈ હતી.

અંડરવોટર મેટ્રો ટનલ કોલકાતાની હુગલી નદી નીચે બનાવવામાં આવી છે. આ ટનલ 16.6 કિલોમીટર લાંબી છે. અંડરવોટર મેટ્રો, હુગલી નદીના તળિયેથી 32 મીટર નીચે દોડશે. તે હાવડાથી કોલકાતા શહેરને જોડશે. 45 સેકન્ડમાં હુગલી નદીની નીચે 520 મીટરનું અંતર કાપશે. મેટ્રો રેલ અનુસાર, આ કોરિડોરની ઓળખ 1971માં શહેરના માસ્ટર પ્લાનમાં કરવામાં આવી હતી.

‘મોદી-મોદી’ અને ‘જય શ્રી રામ’ના નારા લાગ્યા

વડાપ્રધાન મોદીને જોવા માટે કોલકાતાના એસ્પ્લેનેડ મેટ્રો સ્ટેશન પર લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. વડાપ્રધાન મોદીએ તેમનું અભિવાદન કરતા ‘મોદી-મોદી’ અને ‘જય શ્રી રામ’ જેવા નારા લગાવવામાં આવ્યા હતા.

અંડરવોટર મેટ્રો પ્રોજેક્ટની ખાસ વિશેષતાઓઃ

  • કોલકાતા મેટ્રોનો હાવડા મેદાન-એસ્પ્લેનેડ સેક્શન ખૂબ જ ખાસ છે, કારણ કે આ સેક્શનમાં ટ્રેન પાણીની નીચે દોડશે. હાવડા મેટ્રો સ્ટેશન ભારતનું સૌથી ઊંડું સ્ટેશન પણ છે.
  • હાવડા મેદાન-એસ્પ્લેનેડ વિભાગ હુગલી નદીની નીચે બાંધવામાં આવ્યો છે. હાવડા અને સોલ્ટ લેક શહેરો હુગલી નદીના પૂર્વ અને પશ્ચિમ કાંઠે આવેલા છે.
  • એપ્રિલ 2023 માં કોલકાતા મેટ્રોએ ટ્રાયલ તરીકે હુગલી નદીની નીચે ટનલમાં ટ્રેન દોડાવીને ઇતિહાસ રચી દીધો હતો, આવું ભારતમાં પ્રથમ વખત બન્યું હતું.
  • આ સેક્શન 4.8 કિલોમીટર લાંબો છે જે હાવડા મેદાનને એસ્પ્લેનેડથી જોડશે. તેમાં હાવડા મેદાનને પૂર્વ-પશ્ચિમ મેટ્રો કોરિડોર હેઠળ સોલ્ટ લેક સેક્ટર V સાથે જોડશે.
  • અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે કે આ મેટ્રો હુગલી નદીની નીચે 520 મીટરનું અંતર માત્ર 45 સેકન્ડમાં કાપશે.
  • એસ્પ્લેનેડ અને સિયાલદાહ વચ્ચે પૂર્વ-પશ્ચિમ એલાયમેન્ટનો ભાગ હજુ નિર્માણાધીન હેઠળ છે. જો કે, સોલ્ટ લેક સેક્ટર V થી સિયાલદહ સુધીનો વિસ્તાર પહેલેથી ઉપયોગમાં છે.
  • મેટ્રો ઓટોમેટિક ટ્રેન ઓપરેશન (ATO) સિસ્ટમથી ચાલશે. મતલબ કે મેટ્રો ડ્રાઈવર દ્વારા એક બટન દબાવ્યા બાદ ટ્રેન આપોઆપ આગલા સ્ટેશન પર પહોંચી જશે.
  • ઈસ્ટ-વેસ્ટ મેટ્રોના કુલ 16.6 કિલોમીટરમાંથી 10.8 કિલોમીટરનો હિસ્સો ભૂગર્ભમાં બનાવાયો છે, જેમાં હુગલી નદીની નીચેની ટનલ પણ સામેલ છે. બાકીનો ભાગ જમીન ઉપર છે.
  • કોલકાતા મેટ્રોનો હેતુ જૂન અથવા જુલાઈની આસપાસ સોલ્ટ લેક સેક્ટર V અને હાવડા મેદાન વચ્ચેના સમગ્ર પૂર્વ-પશ્ચિમ માર્ગ પર વ્યવસાયિક કામગીરી શરૂ કરવાનો છે.
  • અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાણીની અંદરની મેટ્રોમાં લોકોને 5G ઇન્ટરનેટની સુવિધા પણ મળશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ટનલમાં પાણીનું એક ટીપું પણ પ્રવેશી શકશે નહીં.


મેટ્રો રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી કૌશિક મિત્રાએ જણાવ્યું હતું કે હાવડા અને કોલકાતા પશ્ચિમ બંગાળના બે સદીઓ જૂના ઐતિહાસિક શહેરો છે અને આ ટનલ હુગલી નદીની નીચેથી આ બંને શહેરોને જોડશે.