અર્જુન મોઢવાડિયાએ મોદી અને શાહની સરખામણી ગાંધીજી અને સરદાર પટેલ સાથે કરી

arjunModhwadiya

જે રીતે આઝાદી સમયે દેશના બે પુત્ર સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજી દેશનું નેતૃત્વ કરતા હતા. આવી જ રીતે આજના સમયે નરેન્દ્ર મોદી અને અમિત શાહ નામે બે ગુજરાતીઓ દેશનું નેતૃત્વ કરી રહ્યાં છે.

લોકસભા ચૂંટણી-2024 પહેલા કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા આજે ભાજપમાં જોડાઈ ચૂક્યાં છે. એક સમયે ભાજપની નીતિઓનો સરેઆમ વિરોધ કરનારા અર્જુન મોઢવાડિયાના સુર ભાજપનો ખેસ પહેરતા જ બદલાઈ ગયા. તેમણે આજે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા તેમજ પીએમ મોદી અને શાહને ગાંધીજી અને સરદાર પટેલ સાથે સરખાવ્યા હતા.

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં મોઢવાડિયાએ જણાવ્યું કે, હું કોંગ્રેસ સાથે 40 વર્ષથી સાથે જોડાયેલો હતો. કપરા સંજોગોમા કોંગ્રેસનુ નેતૃત્વ કર્યુ હતુ, 40 વર્ષના જાહેરજીવનમાં 20 વર્ષ કોંગ્રેસનુ નેતૃત્વ કર્યુ. સ્વાર્થ હોત તો તેજ સમયે ભાજપમા જોડાઇ ગયો હોત.

આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહ નામે બે ગુજરાતીઓ દેશનું નેતૃત્વ કરી રહ્યાં છે.
અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, દેશ આઝાદ થયો તે પછી મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, હજુ દેશને આર્થિક અને સામાજિક આઝાદી મળવાની બાકી છે. આઝાદીનાં આટલા વર્ષો પછી પણ આજે પણ ગાંધીજીનું આ સપનું પૂર્ણ નથી થયુ. આઝાદી સમયે દેશના બે પુત્ર સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજી જે રીતે દેશનું નેતૃત્વ કરતા હતા તેવી જ રીતે આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહ નામે બે ગુજરાતીઓ દેશનું નેતૃત્વ કરી રહ્યાં છે.

નરેન્દ્ર મોદીનું સપનું છે કે, આગામી વર્ષોમાં ભારતને વિકસિત દેશ બનાવવો છે
વધુમાં તેમણે જણાવ્યું કે નરેન્દ્ર મોદીનું સપનું છે કે, આગામી વર્ષોમાં ભારતને વિકસિત દેશ બનાવવો છે. વિકસિત ભારતના સંકલ્પ થકી જ દેશને આર્થિક અને સામાજિક આઝાદીનું ગાંધીજીનું સપનું પૂરુ થઈ શકે છે. નરેન્દ્ર મોદીની આગેવાનીમાં દેશના નાગરિકો એકજૂટ થઈ સામાજિક અને આર્થિક રીતે બદલાવ લાવવાનું કામ કરી રહ્યાં છે. હું પણ આજે તેમના આ કામમાં જોડાયો છું.

કોંગ્રેસમાં રહી જનતાના કામ કરી શકુ તેમ શક્ય ન હતુ.
આગળ જણાવતા તેઓએ કહ્યું કે ભાજપે ગુજરાતમા રેકોર્ડ બ્રેક 156 બેઠકો પ્રાપ્ત કરી છે. લોકસભામાં NDAની બહુમતી છે, એટલે કઇ ખૂટતુ હતુ અને ઉમેરવા આવ્યો તેમ નથી પરંતુ આર્થિક અને સામાજીક બદલાવ લાવવા કામ કરવા આવ્યો છું. કોંગ્રેસમાં રહી જનતાના કામ કરી શકુ તેમ શક્ય ન હતુ. તમામ નેતાઓએ કોંગ્રેસમાં બદલાવ લાવવાના પ્રયાસ કર્યા હતા, તે નિષ્ફળ ગયા છે.

ભાજપે કોઇ ડર નથી બતાવ્યો
તેમણે એમ પણ કહ્યું હતું કે મેં જે સપનું પોરબંદર અને ગુજરાત માટે જોયુ હતુ, તે સ્વપ્ન આજે ભાજપમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પરિવર્તન થતુ દેખાય છે. મારા સહિત કોંગ્રેસના તમામ આગેવાનો જેઓ ભાજપમાં જોડાયા છે તે કોઇને ભાજપે કોઇ ડર નથી બતાવ્યો. કોઇ લાલચના કારણે નહી, પણ બદલાવ લાવવાના હેતુથી આજે ભાજપમા જોડાઇ રહ્યા છીએ.