એક જ દિવસમાં કોંગ્રેસને બીજો મોટો ફટકો, અર્જુન મોઢવાડિયાનાં કોંગ્રેસને રામ રામ, ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાય તેવી શક્યતા

arjunModhwadiya

કોંગ્રેસના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી આજે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે. અર્જૂન મોઢવાડિયા હવે આગામી ગણતરીના દિવસોમાં જ અર્જૂન મોઢવાડિયા ભાજપમાં જોડાશે. લોકસભાની આગામી ચૂંટણીની સાથેસાથે યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણીમાં અર્જૂન મોઢવાડિયા ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.

એકજ દિવસમાં કોંગ્રેસને બીજો મોટો ફટકો પડ્યો છે. રાજુલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસને રામ રામ કરી દીધા છે. અર્જુન મોઢવાડિયા આજે બપોરે વિધાનસભા પહોંચ્યા હતા અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોપી દીધું છે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર બાદ હવે કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ રાજીનામું ધરી દેતા રાજકારણમાં હડકંપ મચ્યો છે. આજે સવારે અંબરીશ ડેરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું ત્યારથી રાજકીય ચર્ચાઓ ચાલી રહી હતી કે અર્જુન મોઢવાડિયા પણ રાજીનામું આપી શકે છે. જોકે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ મીડિયાને જણાવ્યું હતું કે, અર્જુન મોઢવાડિયા અમારા સંપર્કમાં છે અને ક્યાંય જવાના નથી. તેવામાં અર્જુન મોઢવાડિયા સાંજે વિધાનસભા પહોંચ્યા હતા અને અધ્યક્ષ શંકર ચૌધરીને મળીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને કોંગ્રેસ પક્ષમાંથી પણ રાજીનામું આપ્યું છે. આગામી સમયમાં તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા પણ રહેલી છે.

રાજીનામાં બાદ અર્જુન મોઢવાડિયાની પ્રથમ પ્રતિક્રિયા

કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયા સોશિયલ મીડિયા એક્સ પરથી કોંગ્રેસનો સિમ્બોલ પણ હટાવી દીધો છે. મોઢવાડિયાએ કહ્યું છે કે, ‘મેં કોઈના દબાણમાં નહીં પણ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. ઘણાં સમયથી હું કોંગ્રેસમાં ગુંગળાઈ રહ્યો હતો. રામ મંદિર વિવાદનો ઉકેલ બંધારણીય રીતે આવ્યો હોવા છતાં કોંગ્રેસે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો, જે અયોગ્ય હતું. હવે મારે નહીં કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે.’

અર્જુન મોઢવાડિયાનાં રાજીનામા બાદ વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 14 થઈ ગયું છે. ગુજરાત કોંગ્રેસમાં એક સાંધો તો તેર તૂટે જેવી સ્થિતિ છે. કોંગ્રેસમાંથી મોઢવાડિયાએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા હવે પોરબંદરની પેટા ચૂંટણી પણ યોજાશે.

રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરનું કોંગ્રેસમાંથી રાજીનામું
રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર ભાજપમાં જોડાશે તેવી અટકળો ગઇકાલે ચાલી હતી. આ અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાયું છે. અંબરીશ ડેરે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને આવતીકાલે તેઓ ભાજપમાં જોડાવાના છે. પાટીલ સાથે મુલાકાત બાદ કૉંગ્રેસના અમરીશ ડેરે રાજીનામુ આપ્યું છે. આ સાથે અમરીશ ડેર આવતી કાલે વિધિવત રિતે ભાજપમાં આવતી કાલે કમલમમાં સી. આર. પાટીલના હસ્તે ડેર કેસરિયો ધારણ કરશે. રાજીનામું આપ્યા બાદ તેમણે જણાવ્યું છેકે, જ્યાં લાગણી હોય ત્યાં સોદા ન હોય. ભાજપમાં જોડાવા માટે કોઇ સોદો કર્યો નથી.