#Modi Ka Parivaar: લોકસભા ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે ‘મોદી કા પરિવાર’

modikaparivar

લાલુ યાદવે પીએમ મોદી પર વ્યક્તિગત ટિપ્પણી કરી હતી, જેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે “આખો દેશ કહી રહ્યો છે કે હું મોદીનો પરિવાર.”

મોદી સમર્થકો તેમજ ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયા પર પોતાના નામની પાછળ ‘મોદી કા પરિવાર’ લગાવ્યુ, વર્ષ 2019માં ‘મેં ભી ચોકીદાર’ ટ્રેન્ડ થયું હતું

વર્ષ 2024ની લોકસભા ચૂંટણીને આડે હવે થોડોક જ સમય બાકી છે. લોકસભા ચૂંટણીને લઈને દરેક રાજકીય પક્ષ તૈયારીમાં લાગી ગયા છે. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી વખતે સોશિયલ મીડિયા પર ‘મેં ભી ચોકીદાર’નો ટ્રેન્ડ શરૂ થયો હતો. ત્યારે આ વખતે લોકસભા ચૂંટણી માટે ભાજપ સંપૂર્ણપણે ઈલેક્શન મોડમાં આવી ગયો છે. આ વખતની ચૂંટણી માટે સોશિયલ મીડિયા પર ‘મોદી કા પરિવાર’ ટ્રેન્ડ શરૂ થયો છે. ભાજપનાં દરેક દિગ્ગજ નેતાઓ તેમજ મોદી સમર્થકો સોશિયલ મીડિયા પર પોતાના નામની પાછળ ‘મોદી કા પરિવાર’ લગાવી રહ્યા છે.

લાલુ યાદવે કરેલ ટિપ્પણી
રવિવારે બિહારની રાજધાની પટણાનાં ગાંધી મેદાનમાં આયોજિત ‘જન વિશ્વાસ મહારેલી’ દરમિયાન બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવાર વિશે સવાલ ઉઠાવ્યા હતા. લાલુ યાદવે કહ્યું હતું કે, ‘આ દિવસોમાં નરેન્દ્ર મોદી પરિવારવાદનો ઉલ્લેખ કરી રહ્યા છે. તમારી પાસે પરિવાર નથી. તમે તો હિંદુ પણ નથી.’

પીએમ મોદીનો લાલુ યાદવને જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગણાના અદિલાબાદમાં એક જનસભા સંબોધતા લાલુ પ્રસાદ પર વળતો પલટવાર કરતા કહ્યું કે તેમણે મારા પરિવારને લઈને મારા પર નિશાન સાધ્યું છે. હવે આખો દેશ કહી રહ્યો છે કે હું મોદીનો પરિવાર છું. પીએમે આગળ કહ્યું, ‘140 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે. આ યુવાનો મારો પરિવાર છે. દેશની કરોડો દીકરીઓ, માતાઓ અને બહેનો મારો પરિવાર છે. દેશનો દરેક ગરીબ મારો પરિવાર છે. જેનું કોઈ નથી તે પણ મોદીના છે અને મોદી પણ તેમના છે. મારુ ભારત મારો પરિવાર છે. આ લાગણીના વિસ્તરણ સાથે, હું તમારા માટે જીવું છું, તમારા માટે લડી રહ્યો છું અને તમારા માટે લડતો રહીશ. આજે દેશ કહે છે કે હું મોદીનો પરિવાર છું, દેશ કહી રહ્યો છે કે હું મોદીનો પરિવાર છું.

પીએમે કહ્યું, ‘તેઓ કહે છે કે મોદીનો કોઈ પરિવાર નથી. પરંતું મેં એક સ્વપ્ન સાથે બાળપણમાં ઘર છોડ્યું. સપનું હતું, દેશવાસીઓ માટે જીવીશ. મારી દરેક ક્ષણ ફક્ત તમારા માટે જ રહેશે. મારું કોઈ અંગત સ્વપ્ન નહિ હોય. તમારું સ્વપ્ન, આ મારો સંકલ્પ હશે. તમારા બાળકોના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે હું મારું જીવન વિતાવીશ. દેશના કરોડો લોકો મને પોતાનો માને છે. મને તેના પરિવારના સભ્યની જેમ પ્રેમ કરે છે. 140 કરોડ દેશવાસીઓ, આ મારો પરિવાર છે.મારું જીવન એક ખુલ્લી કિતાબ જેવું છે, દેશ મારી દરેક પળની નોંધ રાખે છે’.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ અને તુષ્ટિકરણમાં ડૂબેલા I.N.D.I.A ગઠબંધનના નેતાઓ નર્વસ થઈ રહ્યા છે. હવે તેણે 2024ની ચૂંટણી માટે પોતાનો વાસ્તવિક ઢંઢેરો જાહેર કર્યો છે. જ્યારે હું તેમના પરિવારવાદ પર સવાલ ઉઠાવું છું ત્યારે આ લોકો હવે કહેવા લાગ્યા છે કે મોદીનો કોઈ પરિવાર નથી. પરિવારવાદી પાર્ટીનો ચહેરો અલગ હોઈ શકે છે પરંતુ ચરિત્ર એક જ હોય છે. બે ચોક્કસ વસ્તુ છે તેના ચરિત્રમાં એક જૂઠ અને બીજી લૂંટ.’ TRS BRS બન્યા પછી જાણે તેલંગાણામાં કંઈ બદલાયું નથી. આવી જ રીતે, કોંગ્રેસ દ્વારા બીઆરએસને બદલવાથી કંઈપણ બદલાવાનું નથી. આ એ જ લોકો છે. તેઓ કાલે મને એમ પણ કહી શકે છે કે તમે ક્યારેય જેલમાં ગયા નથી, તેથી તમે રાજકારણમાં પ્રવેશી શકતા નથી.

‘મોદી કા પરિવાર’ થયુ ટ્રેન્ડ
લાલુએ મોદી વિશે કરેલી ટિપ્પણીનો ભાજપ ભરપૂર ફાયદો ઉઠાવવા માંગે છે. પીએમ મોદીના જવાબ બાદ ભાજપે આ અંગે એક નવું અભિયાન શરૂ કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ અધ્યક્ષ જેપી નડ્ડાથી લઈને નીતિન ગડકરી સુધી ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ સોશિયલ મીડિયા પર પોતાના નામમાં ફેરફાર કરીને નામની પાછળ ‘મોદી કા પરિવાર’ લગાવી દીધું છે. 2019ની લોકસભાની ચૂંટણી પછી જે રીતે ભાજપના નેતાઓ પોતના નામ પાછળ “મેં ભી ચોકીદાર” લગાવતા હતા, તે રીતે હવે તેઓ નામની પાછળ ‘મોદી કા પરિવાર’ લગાવી રહ્યા છે.

બીજેપીના કયા નેતાઓએ ફેરફાર કર્યો?


અમિત શાહ, જેપી નડ્ડા, નીતિન ગડકરી, પિયુષ ગોયલ, અનુરાગ ઠાકુર, સંબિત પાત્રા, સુધાંશુ ત્રિવેદી, પી નદ્દા, શેહઝાદ પૂનાવાલા સહિત અનેક નેતાઓએ પોતાના નામની પાછળ ‘મોદી કા પરિવાર’ લગાવ્યું. ભાજપના અન્ય નેતાઓમાં મનસુખ માંડવિયા, ડોક્ટર વિરેન્દ્ર કુમાર, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, અનુરાગ ઠાકુર, પ્રવક્તા સંબિત પાત્રા, રાજ્ય સભાના સાંસદ સુધાંશુ ત્રિવેદી, કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ, ગિરિરાજ સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, સાંસદ મનોજ તિવારી, પ્રેમ સિંહ તવાંગ સહિત ઘણા નેતાઓએ સોશિયલ મીડિયા પર પોતાના નામની પાછળ મોદી કા પરિવાર લગાવી દીધું છે.

વર્ષ 2019માં ‘મૈં ભી ચોકીદાર’ ટ્રેન્ડ થયું હતું
લાલુ યાદવે આ નિવેદન આપીને રાહુલ ગાધી જેવી જ મોટી ભૂલ કરી દીધી છે, અગાઉ વર્ષ 2019માં લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ પણ આવું ભૂલ કરી દીધી હતી. રાહુલ ગાંધીએ ત્યારે ‘ચોકીદાર ચોર હૈ’ નો નારો આપ્યો હતો. જે બાદ ભાજપના નેતાઓએ કોંગ્રેસને નિશાન બનાવતા ‘મેં ભી ચોકીદાર’ અભિયાન શરૂ કર્યું હતું. આ વખતે પરિવારના નારા પર ‘મોદીનો પરિવાર’નો નારો જોવા મળે તો નવાઈ નહીં.