હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર ધોધમાર વરસાદ પડ્યો, અનેક વિસ્તારોમાં કરા પડ્યા
કમોસમી વરસાદથી ધરતીપુત્રોની ચિંતા વધી, ખેતરમાં ઉભા જીરું, ઘઉં, અજમો, સુવા સહીતના પાકોને નુકશાનની ભીતિ
હવામાન વિભાગ દ્વારા ગઈકાલે 48 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી માવઠાની આગાહી પ્રમાણે, આજે 2 માર્ચની વહેલી સવારથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં રાજકોટ, દ્વારકા, જામનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, અમદાવાદ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે.
અમદાવાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના વસ્ત્રાપુર, બોપલ, શેલા, સાણંદ, એસજી હાઈવે, ઈસકોન, ગોતા, વૈષ્ણોદેવી સર્કલ, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વેજલપુરથી લઈ થલતેજ, પકવાન સહિતના વિસ્તારમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. શાહીબાગ અને બાપુનગરમાં કરાં સાથે વરસાદ પડ્યો હતો. ગાંધીનગરમાં પણ બપોર બાદથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેના કારણે વિવિધ રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. સાણંદ શહેરમાં પણ ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો છે.
રાજકોટમાં બપોરે 12 વાગ્યા આસપાસ અચાનક ઠંડો પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રસ્તાઓ પર પાણી વહેતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાટણમાં પણ પવન સાથે વરસાદ વરસ્યો છે. રાજકોટ શહેરમાં ભારે પવન અને વરસાદ વરસતા લગ્ન મંડપ ધરાશાયી થયો હતો.
આજે પડેલા કમોસમી વરસાદે ધરતીપુત્રોની ચિંતા વધારી દીધી છે. ખેતરમાં ઉભા જીરું, ઘઉં, અજમો, સુવા સહીતના પાકોને નુકશાનની ભીતિ છે.
મધ્ય ગુજરાતના ખેડા, આણંદ,વડોદરા, છોટા ઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. પંચમહાલ, દાહોદ,મહીસાગર જિલ્લામાં પણ હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.