લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદમાં એકસાથે 1472 પોલીસ કર્મચારીઓની બદલી

police

બદલી થયેલ પોલીસ કર્મચારીઓએ સાત દિવસમાં બદલીના સ્થળે હાજર થવાનો હુકમ
એક જ પોલીસ સ્ટેશનમાં 6 વર્ષ કે તેથી વઘુ સમયથી ફરજ બજાવતા કોન્સ્ટેબલોની બદલી કરાઈ

લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદ શહેર પોલીસમાં મોટાપાયે બદલી કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા 1472 પોલીસ કર્મચારીઓની બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. બદલી કરાયેલ તમામ પોલીસ કર્મીઓને 7 દિવસમાં તમામને બદલી વાળી જગ્યા પર હાજર થઈને પોલીસ કમિશનર કચેરીએ જાણ કરવાનો આદેશ કર્યો છે. મોટાભાગે એવા પોલીસ કર્મીઓની બદલી થઇ છે જે 6 વર્ષથી એક જ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હોય.

અમદાવાદમાં લાંબા સમયથી આંતરિક બદલી થઈ રહી ન હતી, જેથી ચૂંટણી પહેલા જ કમિશનર દ્વારા બદલીના આદેશ આપતા પોલીસ બેડામાં ચર્ચા શરૂ થઈ છે. ગાંધીનગરના દરોડા બાદ પોલીસ કમિશ્નરે ગઈકાલે જ એક પરિપત્ર કરી પોલીસ અધિકારીઓને પોતાના વિસ્તારમાં દારૂ અને જુગારની બદીને કાબૂમાં લેવા માટે આદેશ કર્યો હતો. ગાંધીનગરથી એસએમસીના દરોડાના ગણતરીના કલાકોમાં જ પોલીસ કમિશ્નરે સાગમટે પોલીસ કર્મચારીઓની બદલી કરી દઈ તવાઈ બોલાવી છે.

શહેર પોલીસ કમિશનરે જી.એસ મલિકે કરેલા હુકમ પ્રમાણે શહેરમાં એક જ પોલીસ સ્ટેશનમાં 6 વર્ષ કે તેથી વઘુ સમયથી ફરજ બજાવતા બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ મળીને કુલ 1472 કર્મીઓની બદલી કરાઈ છે. કમિશનરે જાહેર કરેલ હુકમ પત્રકમાં એવું પણ કહેવાયું છે કે, સંબંધિત અધિકારીએ કોઈપણ જાતનો ઊલટ પત્રવ્યવહાર કર્યા સિવાય બદલી થયેલા કર્મચારીઓએ સાત દિવસમાં બદલીના સ્થળે હાજર થઈને પોલીસ કમિશનર કચેરીએ જાણ કરવાની રહેશે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી,એસ,મલિકે અગાઉ 9 નવેમ્બર 2023ના રોજ પણ એક સાથે 1124 પોલીસ કર્મીઓની બદલી કરી હતી.ત્યારે 7 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી. PSI, PI બાદ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASIની મોટાપાયે બદલી કરવામાં આવી છે અને આવનારા સમયમાં હજી વધુ બદલી કરવામાં આવશે તે નક્કી છે.