મોર્નિંગ વોકમાં નીકળેલા આધેડને અડફેટે લેતા સારવાર દરમ્યાન થયુ મોત
દુકાનના પગથિયે બેઠેલી યુવતીઓ પર કાર ચડાવી કારચાલક ફરાર
રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલા સહકાર મેઈન રોડ પરના ત્રિશુળ ચોક પાસે આજે સવારે કારચાલક યુવાને સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માતની હારમાળા સર્જી હતી. આ અકસ્માતમાં કારચાલકે મોર્નિંગ વોકમાં નીકળેલા એક આધેડને અડફેટ લેતા તેઓ 15 ફૂટ સુધી ઢસડયા હતા. ત્યારબાદ કાર એક દુકાન સાથે અથડાઈ હતી. તે સમયે દુકાનના પગથિયે બેસેલી યુવતીને પણ કારે હડફેટે લેધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને જે વીડિયો સામે આવ્યો છે તે એકદમ ભયંકર છે.
શ્વાસ થંભાવી દેતા ગંભીર અકસ્માતના વીડિયોમાં જોઈ શકાય છે કે GJ 03 MH 4905 નંબરની બલેનો કારનાં ચાલકે ફૂલ સ્પીડે કાર ચલાવતા સ્ટેયરિંગ પર કાબુ ગુમાવી દેતા રસ્તા પર પાર્ક કરેલા એક એક્ટીવાને ટક્કર માર્યા બાદ મોર્નિંગ વોકમાં નીકળેલા 50 વર્ષીય નલીનભાઈ નરોતમભાઈ સિધ્ધપુરાને હડફેટે લીધા હતા અને લગભગ 15 ફૂટ સુધી ઢસડયા હતા. ત્યાર બાદ પણ કાર ન અટકતા એક દુકાન સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ સમયે દુકાનનાં પગથિયે બેઠેલી ત્રણ યુવતિઓ પૈકી બે યુવતિઓ કાર જોઈને દૂર જતી રહી હતી પરંતુ એક યુવતિને અડફેટે લેતા તેને ઈજા થઈ હતી. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડ અને વિદ્યાર્થિનીને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન નલીનભાઈનું ગંભીર ઇજા થઈ હોવાથી મોત નીપજ્યું હતું. જોકે યુવતીને સામાન્ય ઈજા થઈ હતી. બનાવને પગલે લોકો એકઠા થઈ ગયા હતા અને કન્ટ્રોલમાં જાણ કરતાં ડીસીપી સજ્જનસિંહ પરમાર સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને બનાવના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી હતી. તેમજ કાર નંબર આધારે અકસ્માત સર્જનાર શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.