કોટન કેન્ડી(બુઢ્ઢીના બાલ)થી કેન્સર થવાનો ખતરો, તમિલનાડુ અને પુડ્ડીચેરીમાં પ્રતિબંધ,

cottoncandy

કોટન કેન્ડીમાંથી કેન્સર પેદા કરતું કેમિકલ “રોડામાઈન-બી” મળી આવ્યુ હતું

બાળકોથી લઈને મોટા લોકોને આકર્ષતી ગુલાબી રંગની રૂ જેવી મીઠી કોટન કેન્ડીથી કેન્સરનો ખતરો પેદા થઈ શકે છે. તેમાં આરોગ્ય માટે હાનિકારક કેમિકલ મળી આવતા તમિલનાડુ અને પુડુચેરીમાં કોટન કેન્ડી પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. આંધ્રપ્રદેશમાં પણ કોટન કેન્ડીના નમૂના લેવામાં આવ્યા છે અને કંઈ વાંધાજનક મળશે તો ત્યાં પણ પ્રતિબંધ મૂકવામાં આવશે.

તમિલનાડુ સરકારે કોટન કેન્ડીના વેચાણ અને ઉત્પાદન પર રોક લગાવી દીધી છે. તેનું કારણ એ છે કે તેને બનાવવા માટે રોડામાઈન-બી (Rhodamine-B ) કેમિકલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તમિલનાડુના સ્વાસ્થ્ય મંત્રી મા સુબ્રમણ્યમે જણાવ્યું કે કોટન કેન્ડીના સેમ્પલ ખાદ્ય સુરક્ષા વિભાગને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં કેન્સર પેદા કરનાર કેમિકલ રોડામાઈન-બીની હાજરી મળી આવી હતી. જેથી તમિલનાડુ સરકારના સ્વાસ્થ્ય મંત્રી સુબ્રમણ્યમે શનિવારે કોટન કેન્ડીના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ લાદ્યો છે.

વધુમાં સુબ્રમણ્યમે જણાવ્યું છે કે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 હેઠળ લગ્ન પ્રસંગો તેમજ અન્ય જાહેર સમારંભોમાં રોડામાઈ-બી ધરાવતા ખાદ્ય પદાર્થો તૈયાર કરવા, પેકેજિંગ કરવું, આયાત કરવું, વેચાણ કરવું અને પિરસવું તે દંડનીય અપરાધ છે.

પુડુચેરીમાં સરકારી ફૂડ લેબોરેટરીમાં પરીક્ષણ કરાયેલા સેમ્પલમાં ગુલાબી કેન્ડીમાં રોડમાઇન-બી હોવાનું જણાયું હતું, જ્યારે બ્લુ કેન્ડીમાં રોડમાઇન-બી અને અજાણ્યું કેમિકલ હતું. ખાદ્ય વિશ્લેષકોએ બંને નમૂનાઓને માનવ સ્વાસ્થ્ય માટે અસુરક્ષિત ગણાવ્યા. પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજને રાજ્યમાં કોટન કેન્ડી વેચતી દુકાનોનું નિરીક્ષણ કરવા અને રોડમાઈન-બી ધરાવતા ઉત્પાદનો જપ્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમજ કોટન કેન્ડીના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ઓક્ટોબર 2023માં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ શક્કરિયામાં રોડમાઇન-બીની ભેળસેળ પર એક વીડિયો જાહેર કર્યો હતો. રોડમાઇન-બીનો ઉપયોગ શક્કરિયાને ગુલાબી રંગ આપવા માટે થાય છે.

જાણો શું છે રોડામાઈન બી?
આ મામલામાં ખાદ્ય વિભાગના અધિકારીઓને કેસની સમીક્ષા કરવા અને ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. રોડોમાઈન-બીનો ઉપયોગ સામાન્ય રીતે કપડા ઉદ્યાગમાં કરવામાં આવે છે. આ કેમિકલ વ્યક્તિ માટે ઝેર સમાન છે. આ કેમિકલ વ્યક્તિના શરીરમાં જઈને ઓક્સીડેટિવ સ્ટ્રેસ પેદા કરી શકે છે. જ્યારે આ ખાદ્ય ઉત્પાદનોની સાથે મિક્સ કરવામાં આવે છે તો તેનાથી આવનાર સમયમાં કેન્સર અને ટ્યૂમર થવાનો ખતરો વધી શકે છે.