પતંજલિની જાહેરાતો પર પ્રતિબંધ, સુપ્રીમ કોર્ટે પતંજલિ અને બાળકૃષ્ણને નોટિસ ફટકારી

patanjali

બીમારીઓની કાયમી સારવારની ભ્રામક જાહેરાતો પર કોર્ટે માંગ્યો જવાબ
કોર્ટે કહ્યું- આવી જાહેરાતો દ્વારા સમગ્ર દેશને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે, દેશવાસીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે અને સરકાર આંખ આડા કાન કરી રહી છે

સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાતો વિરુદ્ધ એક મોટું પગલું લીધું છે. સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાતના કેસમાં પતંજલિ આયુર્વેદ અને તેના એમડી આચાર્ય બાલકૃષ્ણને તિરસ્કારની નોટિસ ફટકારી છે. કોર્ટે બીમારીઓની સારવારને લઈને ભ્રામક જાહેરાતો પર જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે જાહેરાતોમાં છપાયેલ ફોટાના આધારે આ નોટિસ ફટકારી છે.

સુપ્રીમ કોર્ટે ફરી એકવાર પતંજલિ આયુર્વેદને ભ્રામક જાહેરાતો માટે ફટકાર લગાવી છે. પતંજલિ દ્વારા કરવામાં આવતી જાહેરાતો પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પ્રકારની જાહેરાતો દ્વારા સમગ્ર દેશને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે અને કેન્દ્ર સરકાર આંખ આડા કાન કેમ કરીને બેઠી છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. કોર્ટે કહ્યું કે સરકારે તાત્કાલિક પગલાં લેવા પડશે.

સુપ્રીમ કોર્ટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ની અરજી પર આ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પતંજલિ આયુર્વેદના ડાયરેક્ટરને કારણ દર્શક નોટિસ ફટકારીને સવાલ કર્યો છે કે તેમની સામે કોર્ટની અવમાનનાનો કેસ કેમ દાખલ કરવામાં ન આવે. કોર્ટે આ મામલે ત્રણ સપ્તાહમાં જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે બીમારીઓની સંપૂર્ણ સારવારનો દાવો કરતી પતંજલિની મેડિકલ પ્રોડક્ટ્સની જાહેરાત પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ ત્રણ અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે કે સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે પતંજલિની સ્વાસ્થ્ય સંબંધિત જાહેરાતો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. તેનો અર્થ એ છે કે કંપની ભવિષ્યમાં આવી જાહેરાતો ક્યારેય પ્રકાશિત કરી શકશે નહીં. કોર્ટે કહ્યું છે કે પતંજલિ આયુર્વેદની જાહેરાતોમાં કાયમી રાહત શબ્દ પોતે જ ભ્રામક અને કાયદાનું ઉલ્લંઘન છે. કોર્ટે કહ્યું કે આજથી તમે કોઈ ભ્રામક જાહેરાત પ્રિન્ટ કે ઈલેક્ટ્રોનિક મીડિયામાં નહીં આપો. સુપ્રીમ કોર્ટે કહ્યું, તમે એલોપેથી પર કેવી ટિપ્પણી કરી, જ્યારે અમે તેને નકારી હતી? તેના પર પતંજલિએ કોર્ટને કહ્યું કે અમે 50 કરોડ રૂપિયાની રિસર્ચ લેબ બનાવી છે. તેના પર કોર્ટે પતંજલિને કહ્યું છે કે તમે માત્ર સામાન્ય જાહેરાતો જ આપી શકો છો.

જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ એ અમાનુલ્લાની ખંડપીઠે પણ અગાઉના આદેશોનું પાલન ન કરવા બદલ રામદેવની કંપનીની ટીકા કરી હતી. બેન્ચે કહ્યું કે, “સરકાર આંખો બંધ કરીને બેઠી છે. આવી જાહેરાતો દ્વારા સમગ્ર દેશને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે. બે વર્ષથી તમે ડ્રગ્સ એક્ટ પર પ્રતિબંધની રાહ જોઈ રહ્યા છો. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. સરકારે તાત્કાલિક પગલાં લેવા પડશે. કોર્ટે કંપનીને તેની દવાઓની તમામ ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ જાહેરાતો તાત્કાલિક અસરથી ભ્રામક માહિતી આપતી બંધ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે બે લોકોને પક્ષકાર બનાવશે. જેમની તસ્વીરો જાહેરાત પર છે. તેમને નોટિસ આપવામાં આવશે. તેમને વ્યક્તિગત રીતે પોતાનો જવાબ દાખલ કરવાનો રહેશે. કોર્ટે કહ્યું કે અમે એ નથી જાણવા માંગતા કે કોણ શું છે? અમે પક્ષકાર બનાવીશું. કેન્દ્ર સરકારે પણ કહ્યું છે કે અમે કોઈપણ પ્રકારની ભ્રામક જાહેરાત સહન નહીં કરીએ, પછી તે કોઈપણ કેમ ન હોય.

“કોર્ટના ઠપકા પછી, પતંજલિ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિપિન સાંઘીએ ખાતરી આપી હતી કે કંપની ભવિષ્યમાં આવી કોઈ જાહેરાત પ્રકાશિત કરશે નહીં. તે એ પણ સુનિશ્ચિત કરશે કે પ્રેસમાં આકસ્મિક નિવેદનો ન કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે પતંજલિને જવાબ દાખલ કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે.

નોંધનીય છે કે ગયા વર્ષે નવેમ્બરમાં પણ કોર્ટે પતંજલિ આયુર્વેદને તેની દવાઓ વિશેની જાહેરાતોમાં ‘ખોટા’ અને ‘ભ્રામક’ દાવા કરવા સામે ચેતવણી આપી હતી. કોર્ટે પતંજલિને ચેતવણી આપી હતી કે જો તે તેની પ્રોડક્ટથી રોગોના ઈલાજના ખોટા દાવા કરશે તો તેના પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. IMAએ તેની અરજીમાં દાવો કર્યો હતો કે પતંજલિ ખોટા દાવાઓ સાથે જાહેરાતો ચલાવે છે. આટલું જ નહીં, IMAએ આરોપ લગાવ્યો હતો કે પતંજલિ કોવિડ વેક્સીન વિશે ખોટી માહિતી ફેલાવી રહી છે.