ખેડામાં ત્રણ પીઆઈનો દારૂ પાર્ટીમાં મારામારી કરતો વીડિયો વાઈરલ, ત્રણેય પીઆઈ તાત્કાલિક સસ્પેન્ડ

PI-KHEDA

ખેડા જિલ્લામાં ખાખી વર્દી પર દાગ, ડીવાયએસપી સમગ્ર મામલે કરી રહ્યા છે તપાસ

ખેડા જિલ્લામાં ત્રણ પોલીસ ઈન્સપેક્ટરનો દારૂ પાર્ટીનો વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં દારૂ પાર્ટી દરમિયાન પોલીસકર્મીઓ એકબીજા સાથે કોઈ બાબતે વિવાદ થતા મારામારી કરતા નજરે પડે છે. વીડિયો વાઈરલ થતા ખેડાના એસપી રાજેશ ગઢીયાએ નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ અને વડતાલ પીઆઈની તાત્કાલિક ધોરણે બદલી કરીને તપાસના આદેશ આપ્યો હતો.

16 સેકન્ડના આ વીડિયોમાં ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પાંચ લોકો જોવા મળી રહ્યા છે, જેમા તેઓ દારૂની મહેફિલ વચ્ચે મારામારી કરતા જોવા મળે છે. દારૂની મહેફિલ દરમિયાન મારામારી કરી રહેલો વીડિયો વાયરલ થતા ઉચ્ચકક્ષાના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. વીડિયોમાં જે ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટ જોવા મળી રહ્યા છે તે લીવ રિઝર્વમાં મુકાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલ બી. ચૌહાણ તથા યશવંત આર. ચૌહાણ અને વડતાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર કે. પરમાર છે. વીડિયો વાયરલ થયા બાદ ત્રણેય પોલીસકર્મીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જીલ્લા પોલીસ અધિક્ષકે ત્રણેયને સસ્પેન્ડ કર્યા છે. આ મામલે ખેડાના એસપી રાજેશ ગઠિયાએ જણાવ્યું હતું કે, આ ઘટનાની તપાસ નડિયાદના ડીએસપી વિમલ વાજપેયીને સોંપવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર હાલ હરપાલ બી. ચૌહાણની નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનથી લીવ રિઝર્વમાં બદલી કરાઈ છે, યશવંત આર. ચૌહાણની નડિયાદ પશ્ચિમ પોલીસમાંથી લીવ રિઝર્વમાં બદલી કરાઈ છે અને વડતાલ પોલીસ સ્ટેશનના આર કે. પરમારને નડિયાદ ટાઉનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

અહેવાલ અનુસાર વીડિયો થોડા દિવસ અગાઉનો હોવાનું કહેવાય છે, જોકે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકોએ પણ પોલીસ સામે રોષ દાખવ્યો હતો.

નોંધનીય છે કે કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે તાજેતરમાં અમદાવાદમાં દારૂ પીને કારમાં આરામ કરતા પોલીસકર્મીની ઘટના સામે આવી હતી. આ પહેલા શુક્રવારે 23 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં પણ એક પોલીસકર્મી દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. રાજકોટના કાલાવડ રોડ પર એક પોલીસકર્મીએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત થતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા, જ્યા ખબર પડી કે જે પોલીસકર્મીએ આ અકસ્માત સર્જ્યો છે તે નશાની હાલતમાં છે. પોલીસકર્મીને નશાની હાલતમાં જોઇ ત્યા હાજર એક શખ્સે આ ઘટનાનો એક વીડિયો બનાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.