સોમનાથ પછી બીજું સૌથી મોટું શિવધામ શ્રી વાળીનાથ મંદિર
વર્ષ 2011માં બળદેવગીરી મહારાજના હસ્તે મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું
વિસનગર તાલુકાના તરભ ગામે શ્રી વાળીનાથ નૂતન મંદિરમાં પ્રસ્થાપિત થનાર મહાશિવલિંગ તેમજ સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આવતીકાલે વડાપ્રધાન મોદી દ્વારા મંદિરનાં સુવર્ણ શિખરની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવશે.
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામમાં 900 વર્ષ પૂર્વે વિરમગીરી મહારાજે સ્થાપેલું રબારી સમાજના ગુરુ ગાદી વાળીનાથ મંદિર બનીને તૈયાર થઈ ચૂક્યું છે. વર્ષ 2011માં બળદેવગીરી મહારાજના હસ્તે ભૂમિપૂજન કરાયેલા આ મંદિરના આજથી એટલે કે 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
વિસનગર તાલુકાના તરભના આંગણે 16થી 22 ફેબ્રુઆરી દરમિયાન વાળીનાથ મંદિરે સુવર્ણ શિખરની પ્રાણ-પ્રતિષ્ઠાનો ભવ્ય અને દિવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આવતીકાલે એટલે કે, 22 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુવર્ણ શિખરની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવશે. અહીં ઠેર-ઠેરથી શિવભક્તો ઉમટી રહ્યા છે. જેમના માટે મંદિર અને સ્વયંસેવકો દ્વારા ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે.
વિસનગરના તરભ ખાતે વાળીનાથ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે શુક્રવારે નગરયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોની ભક્તિભાવથી ઊજવણી કરાઇ હતી. વહેલી સવારથી ભક્તો ઊમટી પડ્યા હતા. દિવસ દરમિયાન કુટિરહોમ, જલયાત્રા, નગરયાત્રા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સેંકડોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ગિરિબાપુની શિવ મહાપુરાણની પોથીયાત્રા યોજાઈ હતી. આ પોથી યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. પોથી યાત્રા બાદ ગિરી બાપુની શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો હતો. આ સમયે વાળીનાથ મંદિરના મહંત જયરામગીરી બાપુ સહિતના સંતો મહંતો કથા સ્થળ પર પહોંચ્યા હતા.હાલ રંગબેરંગી ફૂલોથી મંદિરનો શણગાર કરવામાં આવ્યો છે. રંગબેરંગી ફૂલોથીથી મંદિરમાં ઓમ, સાથિયો, નગારું, શિવલિંગની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.