ISROને મળી મોટી સફળતા, ગગનયાન મિશન પર આપી ખુશખબરી, ક્રાયોજેનિક એન્જિન હ્યુમન રેટિંગમાં પાસ

gaganyan

પહેલું માનવરહિત ગગનયાન મિશન (G1) વર્ષ 2024ના બીજા ક્વાર્ટરમાં પૂરું થઈ શકે છે
આ મિશન સફળ થશે તો ભારત માનવને અંતરિક્ષમાં મોકલનાર ચોથો દેશ બની જશે

ચંદ્રયાન 3 અને આદિત્ય એલ 1 મિશન બાદ ISROએ ગગનયાન મિશનની તૈયારીમાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. ઈસરોએ જાણકારી આપી છે કે બુધવારે ક્રાયોજેનિક એન્જિનનું ટેસ્ટિંગ પુરું થઈ ગયું છે. ખાસ વાત એ છે કે તેના થકી ISRO ભારતીય એસ્ટ્રોનૉટ્સ પર મોકલવાની તૈયારીઓ કરી રહ્યાં છે. નોંધનીય છે કે ઈસરો આ મિશન દ્વારા ભારતીય અવકાશયાત્રીઓને ભ્રમણકક્ષામાં મોકલવાની મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

ગગનયાન મિશન 2024ના બીજા ક્વાર્ટરમાં પૂર્ણ થશે
ISROએ જાણકારી આપી છે કે CE20 ક્રાયોજેનિક એન્જિન હવે ગગનયાન મિશન માટે હ્યૂમન રેટેડ છે. વધુમાં કહ્યું હતું કે, ‘કઠોર પરીક્ષણ પછી, એન્જિનની કાર્યક્ષમતા જાહેર કરવામાં આવી છે. કડક પરીક્ષણ બાદ એન્જિનની ક્ષમતાનો ખ્યાલ આવ્યો છે. ખાસ વાત એ છે કે આ એન્જિન LVM3 વાહનના ઉપરી સ્ટેજને તાકાત આપે છે. ISROનાં જણાવ્યા અનુસાર, પહેલું માનવરહિત ગગનયાન મિશન (G1) વર્ષ 2024ના બીજા ક્વાર્ટરમાં પૂરું થઈ શકે છે.

શું છે હ્યુમન રેટિંગ?
સરળ ભાષામાં સમજીએ તો અંતરિક્ષમાં મોકલવામાં કોઈ સ્પેસક્રાફ્ટ કે લૉન્ચ વ્હિકલ માણસોને લઈ જવા અને પાછા લાવવા માટે કેટલા સુરક્ષિત છે તેનું પરીક્ષણ કરાય છે. આ પરીક્ષણ પછી હ્યુમન રેટિંગ, મેન રેટિંગ કે ક્રૂ રેટિંગ સર્ટિફિકેટ અપાય છે.

ટેસ્ટ કઈ રીતે થયું?
માનવ રેટિંગ ધોરણો હેઠળ CE20 એન્જિનને યોગ્ય બનાવવા માટે ચાર એન્જિનોને અલગ અલગ સ્થિતિમાં 39 હોટ ફાયરિંગ ટેસ્ટ્સમાંથી પસાર થવું પડ્યું હતું અને આ પ્રક્રિયા 8 હજાર 810 સેકન્ડ સુધી ચાલી હતી. ખાસ વાત એ છે કે યોગ્યતા મેળવવા માટે એન્જિનને 6 હજાર 350 સેકન્ડ સુધી આ ટેસ્ટ્સમાંથી પસાર થવું જરુરી હોય છે.

ગગનયાન મિશન શું છે?
ગગનયાન મિશન અંતર્ગત ઈસરો ત્રણ સભ્યોના એક ક્રૂને ત્રણ દિવસના મિશન માટે 400 કિમીના ઓર્બિટમાં મોકલવાની તૈયારીઓ કરી રહ્યું છે. સાથે સાથે ભારતીય સમુદ્રી ક્ષેત્રમાં તેમની સુરક્ષિત લેન્ડિંગ પણ ISROના મિશનનો જ એક ભાગ છે. આ મિશનનું નામ સંસ્કૃત શબ્દ પર રાખવામાં આવ્યું છે, જેનો અર્થ “આકાશ સુધી લઈ જનાર વાહન” થાય છે.

તો ભારત માનવને અંતરિક્ષમાં મોકલનાર ચોથો દેશ બની જશે
મીડિયા રિપોર્ટસ મુજબ, ગગનયાન પ્રોજેક્ટમાં 9000 કરોડ રુપિયાનો ખર્ચ આવી શકે છે. જો સ્પેસ એજન્સી આ મિશનમાં સફળ થશે તો ભારત માનવને અંતરિક્ષમાં મોકલનાર ચોથો દેશ બની જશે. આ પહેલા સોવિયત સંઘ, અમેરિકા અને ચીન આ સિદ્ધિ મેળવી ચુક્યા છે.