વાહન વ્યવહાર વિભાગમાં 11 હજાર કર્મચારીઓની ભરતી કરવામાં આવશેઃ હર્ષ સંઘવી

gsrtc

ચાલુ વર્ષનાં અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે
ટેક્નિકલ અભ્યાસ, ITI અભ્યાસ પૂર્ણ કરીને તૈયાર કરી રહેલ ઉમેદવારો માટે સુવર્ણતક
ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સહિતનાં કર્મચારીઓની ભરતી કરાશે

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વધુ એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વાહન વ્યવહાર વિભાગમાં 11 હજારથી વધુ કર્મચારીઓની ભરતી કરાશે. આ માટેની ભરતી પ્રક્રિયા વર્ષ 2024નાં અંત સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

આજે વાહન વ્યવહાર મંત્રીએ વિધાનસભા ગૃહમાં અનેક મોટી જાહેરાતો કરી. રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંધવીએ આ અંગે વિધાનસભામાં જણાવ્યું હતું કે, ‘વર્ષ 2024નાં અંત સુધીમાં ગુજરાત સરકારનાં વાહન વ્યવહાર વિભાગમાં ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સહિતનાં કર્મચારીઓ સહિત 11 હજાર કરતા વધારે કર્મચારીઓની ભરતી કરાશે. તેમજ ચાલુ વર્ષનાં અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે.’ વાહન વ્યવહાર વિભાગમાં ખાસ કરીને ટેક્નિકલ અભ્યાસ, ITI અભ્યાસ પૂર્ણ કરીને સરકારી નોકરીની તૈયારી કરી રહેલ ઉમેદવારો માટે સુવર્ણતક છે.

એસ.ટી. નિગમ નુકશાનમાંથી નફામાં આવ્યું છે.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘એસ.ટી. નિગમ નુકશાનમાંથી નફામાં આવ્યું છે. જે નફો હવે મુસાફરોને વધુ ઉપયોગી સેવા આપવામાં વાપરવામાં આવશે. એસ.ટી.ની બસ સુધી હવે વધારે હાઈટેક બનશે. GSRTC ની તમામ બસોમા આગામી 3 મહિના મા ક્યુઆર મશીન થી ટીકીટ ખરીદી શકાશે. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે. જ્યાં એસટીમાં મુસાફરોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. અગાઉ એસટીમાં 25 લાખ મુસાફરો હતા જે વધીને હવે 27 લાખ મુસાફરો એસટીમાં મુસાફરી કરી રહ્યા છે.’ એસ.ટી.નિગમના મૃત્યુ પામેલા કર્મચારીઓના આશ્રિતો માટે પણ સરકાર કામગીરી કરી રહી છે.

આગામી સમયમાં 8000 નવા રૂટ શરૂ કરાશે
ગુજરાત વિઘાનસભામાં વિભાગ અંગે પૂછાયેલાં સવાલના જવાબમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી છે. ખાસ કરીને હર્ષ સંઘવીએ એવી પણ જાહેરાત કરી છેકે, આગામી સમયમાં ગુજરાતભરમાં લગભગ 8 હજાર કરતા પણ વધારે એસ.ટી.બસના નવા રૂટ શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં પ્રાયોગિક ધોરણે નજીકના સમયમાં જ 2 હજાર રૂટ શરૂ કરી દેવામાં આવશે.

ગુજરાતમાં ટુંક ટાઈમમાં એસ.ટી.ની ડબલ ડેકર બસો શરૂ કરાશે
વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, આગામી સમયમાં ડબલ ડેકર બસ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત સમગ્ર રાજ્યમાં દોડતી કરવામાં આવશે. સમગ્ર ગુજરાત રાજ્યમાં એસ.ટી.ની ડબલ ડેકર બસો દોડતી થશે.