બે વર્ષમાં ૧૧,૨૪૬ દીકરીઓને શિક્ષણ માટે ૧૨,૫૪૭ લાખથી વધુ શિષ્યવૃતિની સહાય ચૂકવાઇ: આદિજાતિ વિકાસ મંત્રી
આજ રોજ ગુજરાત વિધાનસભા ગૃહમાં આદિજાતિની કન્યાઓને ઉચ્ચ અભ્યાસ માટે સહાય અંગે પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આદિજાતિ સમાજની દીકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપી તેમને પ્રત્યેક ક્ષેત્રમાં આગળ લાવવાની દિશામાં ગુજરાત સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. વર્તમાન સમયમાં રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ સહિતની સહાય આપવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપે આદિજાતિ સમાજની દીકરીઓ તબીબી સહિત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આદિજાતિની કન્યાઓને ઉચ્ચ અભ્યાસ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ નિયત ટ્યુશન ફી સહિતની વિવિધ સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૨૨માં ૬૬૩૨ દીકરીઓને હાયર એજ્યુકેશન માટે રૂ.૭૨૦૮.૩૯ લાખની શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં આવી છે. તેવી જ રીતે વર્ષ-૨૦૨૩માં ૪૬૧૪ દીકરીઓને રૂ.૫૩૩૯.૨૪ લાખની શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં આવી છે. આમ, છેલ્લા બે વર્ષમાં આ યોજના હેઠળ ૧૧,૨૪૬ દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે ૧૨,૫૪૭ લાખથી વધુ રકમની શિષ્યવૃતિ સહાય ચૂકવવામાં આવી છે.