તમે વોટ માટે જ કરી રહ્યા છે, વોટ તમે લઈ લેજો અમારે નથી જોઈતાઃ કેજરીવાલ
દિલ્હીના સીએમઅરવિંદ કેજરીવાલે કેન્દ્રની મોદી સરકાર પર કામકાજમાં અડચણ નાખવાનો આરોપ લગાવ્યો છે. કેજરીવાલે આજે દિલ્હી વિધાનસભામાં મોદી સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે દિલ્હીમાં 10 લાખ લોકોના પાણીના બિલ ખોટી રીતે આવ્યા છે. તેમની સરકાર આનું સોલ્યૂશન લાવવા યોજના લાવવા માગે છે, પરંતુ આની મંજૂરી નથી મળી રહી. જો ભાજપ એલજીને કહીને આને પાસ કરાવી દેશે તો હું તેની ક્રેડિટ તમને આપીશ અને લાલ કિલ્લા પર ઉભા રહીને કહીશ કે વોટ ભાજપને આપજો.
દિલ્હીમાં 10 લાખ લોકોના પાણીના બિલ ખોટી રીતે આવ્યા છે. તેમનુ કહેવુ છે કે , ’27 લાખ ગ્રાહકો છે અને તેમાંથી લગભગ સાડા દસ લાખ એટલે કે લગભગ 40 ટકા લોકો બિલ ચૂકવતા નથી કારણ કે તેમને લાગે છે કે બિલ ખોટા અને વધારે આવ્યા છે. કેજરીવાલે એમ પણ કહ્યું કે જ્યાં સુધી બીલ નક્કી ન થાય ત્યાં સુધી લોકોએ ચૂકવણી કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, તેમની સરકાર દિલ્હી જળ બોર્ડના ખોટા બિલોને માફ કરવા માટે તેમજ આ સમષ્યાનાં સોલ્યૂશન લાવવા માટે એક સ્કીમ લાવવા માંગે છે, પરંતુ કેન્દ્ર સરકારને આધીન ઓફિસર તેની મંજૂરી આપતા નથી. કેજરીવાલે ભાજપને અપીલ કરી કે તેઓ રાજ્યપાલને કહીને આ સ્કીમ પાસ કરાવી દે.
અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રામવીર સિંહ બિધુડીને વિનંતી કરી છે કે તેઓ રાજ્યપાલને પ્લાન મંજૂર કરવા કહે. કેજરીવાલે કહ્યું કે જો આવું થશે તો તેઓ દિલ્હીના લોકોને ભાજપને મત આપવાનું કહેશે. વધુમાં કેજરીવાલે કહ્યું, ‘મને ખુશી છે કે બિધુડી સાહેબે કહ્યું કે તેઓ આ યોજનાનો વિરોધ નથી કરી રહ્યા.
કેજરીવાલે કહ્યું કે રાજનીતિ બાજુ પર રાખો, હું તમને વિનંતી કરું છું, તે તમારા લેફ્ટનન્ટ ગવર્નર છે, તમામ ક્રેડિટ તમારી છે. હું લાલ કિલ્લાની ટોચ પર ઉભો રહીશ અને બૂમો પાડીશ કે ભાજપના લોકોને મત આપજો. તમે મત માટે જ આ બધુ કરી રહ્યા છો, બીજું કોઈ કારણ નથી. તો વોટ તમે લઈ લેજો, અમને વોટ નથી જોઈતા. અમને સેવા કરવાનો મોકો મળ્યો, અમે અમારા આગલા જન્મમાં કોઈ સારા કાર્યો કર્યા હશે, ત્યારે અમને આ તક મળી છે.
કેજરીવાલે કહ્યું કે- ગત વર્ષે 23 જૂને સ્કીમ પાસ કરાઈ હતી. 8 મહિના થઈ ગયા. આ સ્કીમને કેબિનેટમાં લાવવાની છે. કેબિનેટ પાસ કરશે તો સ્કીમ લાગુ થશે. તેના માટે ફાયનાન્સ સેક્રેટરીએ કૉમેન્ટ્સ આપવાના છે. પરંતુ તેમણે લખી નાખ્યું કે- હું કૉમેન્ટ નથી આપતો. જરા વિચારો આ અધિકારીની હિંમત, બિધૂડીજી કહી રહ્યાં હતા- મને શીખવી દો, બતાવો શું કરવું જોઈએ. કેજરીવાલે આરોપ લગાવતા કહ્યું કે દિલ્હી સરકારના કામકાજને રોકવા માટે અધિકારીઓને ધમકાવવામાં આવી રહ્યાં છે.