ધમકીભર્યા પત્રમાં એક યુવતિનો ફોન નંબર તેમજ જોયા ખાન અને જુબેર ખાનના નામનો ઉલ્લેખ
પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર
અયોધ્યાના શ્રી રામ મંદિરમાં દરરોજ હજારો ભક્તો દર્શન માટે ઉમટી રહ્યા છે. મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા નોંધપાત્ર રીતે મજબૂત કરવામાં આવી છે. VVIP થી લઈને સામાન્ય લોકો સુધી, લોકો ભગવાન રામની એક ઝલક મેળવવા માટે મંદિરમાં લાઈનમાં ઉભા છે. આ દરમિયાન અયોધ્યાના શ્રી રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઉપરાંત, લખનૌના બક્ષી કા તાલાબ (BKT) પોલીસ સ્ટેશનને પણ બોમ્બની ધમકી મળી છે. ત્યારથી પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર હાઈ એલર્ટ પર છે.
સીતાપુર રોડ પરની એક રેસ્ટોરન્ટમાં પોલીસને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જેના પગલે મંદિરમાં દેખરેખ અને સુરક્ષાના પગલાં વધારી દેવામાં આવ્યા છે. ધમકીભર્યો પત્ર મળ્યા બાદ પોલીસે ગુરુવારે મોડી રાત્રે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસને મળેલા આ પત્રમાં એક યુવતીના ફોન નંબર સાથે રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર અને સામાજિક સૌહાર્દ ભંગ કરવાની ધમકીઓ સહિત અનેક વાંધાજનક શબ્દો હતા. તેમજ પત્રમાં જોયા ખાન અને જુબેર ખાનના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
પોલીસે તપાસ કરવા માટે પત્રમાં લખેલ નંબર ડાયલ કરતા જાણવા મળ્યું કે આ પ્રકારનાં ધમકી ભર્યા પત્રો ઘણા દિવસોથી અલગ-અલગ સ્થળોએ ફેંકવામાં આવ્યા હતા. પત્રમાં નંબર જે યુવતીનો છે તેણે હજુ બે દિવસ પહેલા જ આ મામલે ફરિયાદ નોંધાવવા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે હવે મોડી રાત્રે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. અને આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસને મળેલા ધમકીભર્યા પત્રમાં જોયા ખાન અને જુબેર ખાનના નામનો ઉલ્લેખ છે. આ ઘટના બક્ષી કા તાલાબ પોલીસ સ્ટેશન અને પાલ રેસ્ટોરન્ટ વિસ્તારની છે.