મિમી ચક્રવર્તીએ 2012માં ફિલ્મ ચેમ્પિયનથી કરિયરની શરુઆત કરી હતી, મિમીની લોકપ્રિયતા જોતા 2019માં તેણે TMCની ઉમેદવાર બનાવવામાં આવી હતી.
લોકસભા ચૂંટણી પહેલા જ પશ્ચિમ બંગાળમાં TMCના સાંસદ મિમી ચક્રવર્તીએ પોતાના સંસદના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મિમી ચક્રવર્તીએ પાર્ટી પ્રમુખ મમતા બેનર્જીને રાજીનામું સોંપ્યું છે અને કહેવું છે કે તેઓ પોતાની સીટ પર TMCના સ્થાનિક નેતૃત્વથી નાખુશ છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, તેમણે તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. 2019ની લોકસભા ચૂંટણીમાં મિમી ચક્રવર્તીએ જાદવપુર બેઠક પરથી જીત મેળવી હતી.
મિમીએ કહ્યું કે- તે પોતાની સીટ પર TMCના સ્થાનિક નેતૃત્વથી નાખુશ છે. તેમણે પોતાનું રાજીનામું લોકસભા અધ્યક્ષને નથી સોંપ્યું, તેથી ટેક્નિકલ રીતે તેણે માત્ર પોતાના નિર્ણયની જાહેરાત કરી છે. તેણે ઔપચારિક રાજીનામું તરીકે ન ગણાવી શકાય.
મિમી ચક્રવર્તીએ કહ્યું, મેં મારા મુદ્દાઓને લઈને સીએમ મમતા બેનર્જી સાથે વાત કરી છે. મેં વર્ષ 2022માં પણ સંસદ સભ્ય પદ પરથી રાજીનામું તેમને સોંપ્યું હતું, પરંતુ તે સમયે તેમણે તેને ફગાવી દીધું હતું. મમતા બેનર્જી જે પણ કહેશે તેમ હું આગળનો નિર્ણય કરીશ.
મિમી ચક્રવર્તીએ કહ્યું, મેં જાદવપુર માટે સપનું જોયું હતું, પરંતુ મેં ઘણી સમસ્યાઓનો સામનો કર્યો, જ્યારે કોઈ ફિલ્મી પૃષ્ઠભૂમિમાંથી આવે છે ત્યારે તેને એવું કહીને બદનામ કરવું ખૂબ જ સરળ છે કે તે કામ કરતા નથી. તેણે કહ્યું, હું રાજનીતિની આંટીઘૂટી નથી સમજી. જ્યારે હું લોકો સુધી પહોંચી ત્યારે મને લાગ્યું કે ઘણા લોકોને તે ગમ્યું નહીં હોય અથવા કદાચ તેમાંથી કેટલાકને ગમ્યું હશે. તેણીએ કહ્યું, “રાજકારણ મારા માટે નથી. જો તમે કોઈની મદદ કરી રહ્યા હોવ તો તમારે રાજકારણમાં કોઈને પ્રમોટ કરવું પડશે. રાજકારણી હોવા ઉપરાંત, હું અભિનેત્રી તરીકે પણ કામ કરું છું. જો તમે રાજકારણ સાથે સંકળાયેલા હોવ તો તમારી આલોચના કરવામાં આવે છે જ્યારે તમે કામ કરો કે ન કરો.
તમને જણાવી દઈએ કે, મિમી ચક્રવર્તી બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. મિમી ચક્રવર્તીનો જન્મ 11 ફેબ્રુઆરી 1989ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો. મિમી ચક્રવર્તીએ 2012માં ફિલ્મ ચેમ્પિયનથી કરિયરની શરુઆત કરી હતી. તેણે બંગાળી ઈન્ડસ્ટ્રીમાં 25થી વધુ સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. મિમીની લોકપ્રિયતા જોતા 2019માં તેણે TMCની ઉમેદવાર બનાવવામાં આવી હતી.