આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને દિલ્હીમાં લોકસભાની 7 સીટમાંથી માત્ર 1 સીટ પર ચૂંટણી લડવાની ઓફર કરી

aap

આ ઓફરથી દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન તૂટી શકે છે

લોકસભા ચૂંટણી પહેલા જ વિપક્ષી ગઠબંધનમાં સતત ભાગલા પડી રહ્યા છે. આમ આદમી પાર્ટી હાલ દિલ્હીમાં સત્તા પર છે. લોકસભા ચૂંટણી પહેલા સીટ વહેંચણીના ફોર્મૂલાને અંતિમ રુપ આપવા માટે કોંગ્રેસ અને આપ વચ્ચે વાતચીત ચાલી રહી છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને સીટ વહેંચણીને લઈને ઓફર આપી છે. જેને લઈને દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)નું ગઠબંધન તૂટી શકે છે.

આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પાર્ટીને દિલ્હીની 7 લોકસભા સીટમાંથી માત્ર એક સીટની ઓફર કરી છે, જ્યારે બાકીની 6 સીટો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. આ ઓફરથી આગામી સામાન્ય ચૂંટણી માટે તણાવ વધી ગયો છે. પંજાબમાં AAP અને કોંગ્રેસ અલગ-અલગ ચૂંટણી લડશે. AAPએ ગોવામાં એક અને ગુજરાતમાં બે સંસદીય બેઠક પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.

આમ આદમી પાર્ટી (AAP)ની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની બેઠક બાદ AAP નેતા સંદીપ પાઠકે કહ્યું કે દિલ્હીમાં અમારી સરકાર છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ અમારી સરકાર છે. હવે તે પ્રમાણે જોઈએ તો દિલ્હીમાં અમારી પાસે 6 બેઠકો છે તેથી અમે 6 બેઠકો પર ચૂંટણી લડવા માંગીએ છીએ અને કોંગ્રેસને 1 બેઠક આપવા તૈયાર છીએ.

સીટ વહેંચણી પર વધુ જણાવતા આમ આદમી પાર્ટીના નેતા સંદીપ પાઠકે કહ્યું કે- યોગ્યતાના આધારે જોવા જઈએ તો કોંગ્રેસ દિલ્હીમાં એક પણ સીટની હકદાર નથી પરંતુ ગઠબંધનના ધર્મને ધ્યાનામાં રાખીને અમે તેમણે દિલ્હીમાં એક સીટની ઓફર કરી રહ્યાં છીએ. અમે કોંગ્રેસ પાર્ટીને 1 સીટ અને આપને 6 સીટ પર લડવાનો પ્રસ્તાવ આપીએ છીએ.

સંદીપ પાઠકે કહ્યું, અમે કોંગ્રેસ સાથે બે વખત બેઠકો કરી હતી, પરંતુ આ બેઠકનું કોઈ પરિણામ ન આવ્યું. આ બે સત્તાવાર બેઠકો ઉપરાંત છેલ્લા 1 મહિનામાં એક પણ બેઠક કે મીટિંગ ન મળી.પહેલા ન્યાય યાત્રાનું કારણ જણાવવામાં આવ્યું અને ત્યારપછી કંઈ કહેવામાં આવ્યું નહીં. તેમણે વધુમાં કહ્યું કે અમે આગામી બેઠકની રાહ જોઈ રહ્યાં છીએ. આ બેઠક ક્યારે થશે તે અંગે કોંગ્રેસના કોઈપણ નેતાને ખ્યાલ નથી. વધુમાં તેમણે કહ્યું કે અમે આસામ રાજ્યથી ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. અમારી પાર્ટીને આશા છે કે I.N.D.I.A ગઠબંધન તેનો સ્વીકાર કરશે.

આ સાથે AAPએ ગોવા અને ગુજરાત માટે પણ ઉમેદવારોની જાહેરાત કરી છે. સંદીપ પાઠકે કહ્યું કે સમય વિલંબને જોતા આજે વનજી કે જેઓ દક્ષિણ ગોવાના અમારા ધારાસભ્ય પણ છે તેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ સાથેના ગઠબંધનને ધ્યાનમાં રાખીને અમને 1 સીટ મળે છે. એટલા માટે અમે અમારા ઉમેદવાર જાહેર કરી રહ્યા છીએ.

સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, ગુજરાતના ભરૂચમાંથી ચૈતર વસાવા અને ભાવનગરમાંથી ઉમેશભાઈ મકવાણાને ઉમેદવાર જાહેર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં મહાગઠબંધનમાં અમારી 8 બેઠકો છે. અમને લાગે છે કે કોંગ્રેસ આના પર અમારું સમર્થન કરશે.” તેમણે કહ્યું કે અમે ગઠબંધન ધર્મનું પાલન કરવા માંગીએ છીએ, પરંતુ જે વિલંબ થઈ રહ્યો છે તે યોગ્ય નથી.

વધુમાં સંદીપ પાઠકે કહ્યું કે દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીને લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં એક સીટ પણ નથી મળી. MCD ચૂંટણીમાં કોંગ્રેસને 250માંથી 9 જ સીટ મળી હતી.ત્યારે હવે કોંગ્રેસ પાર્ટી પોતાની પકડ મજબૂત કરવાના પ્રયાસમાં છે.

મીડિયા રિપોર્ટ મુજબ શરુઆતી ચર્ચા દરમિયાન દિલ્હીમાં 4:3 સીટ વહેંચણીના ફોર્મૂલાની ભલામણ કરાઈ હતી જેમાં કોંગ્રેસ ચાર સીટ પર અને આપ ત્રણ સીટ પર ચૂંટણી લડશે. જો કે પાઠકના નિવેદનથી હવે તેવી શક્યતા વધી છે કે બંને પાર્ટીઓ એક પણ પરિણામ પર પહોંચવામાં સફળ નથી થઈ શક્યા. આમ આદમી પાર્ટી (AAP)ના આ પગલાને INDIA ગઠબંધન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. આ પહેલા મમતા બેનર્જીએ પણ એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ઈન્ડિયા એલાયન્સની રચના બાદ નીતિશ કુમાર અને જયંત ચૌધરીએ પોતાને કેમ્પથી અલગ કરી લીધા છે અને NDA સાથે હાથ મિલાવ્યા છે.