“અમે આ નાગરિકોને મુક્ત કરવા અને ઘરે પાછા આવવા માટે કતાર રાજ્યના અમીરના નિર્ણયની પ્રશંસા કરીએ છીએઃ ભારતીય વિદેશ મંત્રાલય”
ઓક્ટોબર 2022 થી આઠ ભારતીય નાગરિકોને કતારમાં કેદ કરવામાં આવ્યા હતા અને તેમના પર સબમરીન પ્રોગ્રામની કથિત રીતે જાસૂસી કરવાનો આરોપ હતો
કતારની અદાલતે જાસૂસીના કેસમાં પહેલા ફાંસીની સજા અને ત્યારબાદ આજીવન કેદની સજા સંભળાવી હતી
ભારતને મોટી રાજદ્વારી જીત મળી છે. કતારે આઠ ભારતીય ભૂતપૂર્વ નૌસૈનિકોને મુક્ત કર્યા છે. તે જાસૂસીના આરોપોનો સામનો કરી રહ્યા હતા. તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. ભારતની વિનંતી પર કતારે તેમની સજા પહેલાથી જ ઘટાડી દીધી હતી અને તેને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. હવે વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓને મુક્ત કરવામાં આવ્યા છે અને આમાંથી સાત ભૂતપૂર્વ નૌસૈનિકો પણ ભારત પરત ફર્યા છે.
વિદેશ મંત્રાલય (MEA) એ સોમવારે એક સત્તાવાર નિવેદન દ્વારા માહિતી આપી હતી કે, આઠ ભૂતપૂર્વ નૌકાદળ અધિકારીઓમાંથી સાત લોકો ભારત પરત ફર્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે “ભારત સરકાર કતારમાં અટકાયત લેવામાં આવેલા દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા આઠ ભારતીય નાગરિકોની મુક્તિના નિર્ણયનું સ્વાગત કરે છે. તે આઠમાંથી સાત ભારત પરત ફર્યા છે. અમે આ નાગરિકોની મુક્તિ અને ઘર વાપસીને સક્ષમ કરવાના કતારના અમીરના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.
ઉલ્લેખનિય છે કે કતારની જાસૂસી સંસ્થાના સ્ટેટ સિક્યોરિટી બ્યુરોએ 30 ઓગસ્ટ, 2022ના રોજ અલદહરા ગ્લોબલ ટેક્નોલોજીસ અને કન્સલ્ટન્સી સર્વિસિસ સાથે કામ કરનારા 8 પૂર્વ ભારતીય નેવી ઓફિસરની ભ્રષ્ટાચાર અને જાસૂસી કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી હતી. આ તમામ પૂર્વ નેવી ઓફિસરોને તેમની ધરપકડના લગભગ 14 મહિના પછી 26 ઓક્ટોબર 2023ના રોજ મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. 28 ડિસેમ્બર, 2023 ના રોજ, તેની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી. કતારે ક્યારેય બંધક બનાવેલ પૂર્વ નેવી ઓફિસર પર લગાવેલા આ આરોપો જાહેર કર્યા નથી.
ભારતીય દૂતાવાસને સપ્ટેમ્બર 2022માં ભારતીય નેવી ઓફિસરની ધરપકડ અંગે પહેલીવાર જાણ કરવામાં આવી હતી. તેમની ઓળખ કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવાર, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાગેશ તરીકે થઈ હતી.
30 ઓક્ટોબરે આ જવાનોના પરિવારોએ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી અને તેમને સુરક્ષિત ભારત પાછા ફરવાની વિનંતી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદેશ મંત્રાલય (MEA) એ ખાતરી આપી હતી કે, તે તમામ રાજદ્વારી માધ્યમો દ્વારા તેમને પાછા લાવવા માટે કાનૂની સહાયની વ્યવસ્થા કરશે. ભારતે કતારને મનાવવા માટે તુર્કીની મદદ લેવાનો પ્રયાસ કર્યો હતો. કતારના શાહી પરિવાર સાથે તુર્કીનાં સારા સંબંધો છે, તેથી ભારત સરકારે મધ્યસ્થી માટે તેમનો સંપર્ક કર્યો. ભારત સરકારે અમેરિકા સાથે પણ વાત કરી, કારણ કે વ્યૂહાત્મક રીતે અમેરિકાની કતાર પર વધુ મજબૂત પકડ છે.
8 પૂર્વ નેવી ઓફિસર જેમને કતારે મુક્ત કર્યા તેમના વિષે જાણકારીઃ
- કેપ્ટન નવતેજ સિંહ ગિલઃ હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, કેપ્ટન નવતેજ સિંહ ગિલ ચંદીગઢના છે. તેના પિતા નિવૃત્ત આર્મી ઓફિસર છે. તેઓ દેશની પ્રખ્યાત ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટન, તમિલનાડુમાં પ્રશિક્ષક રહી ચૂક્યા છે. તેમને સર્વશ્રેષ્ઠ કેડેટ હોવા બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ આપવામાં આવ્યો છે.
- કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી: નેવીના ટોચના અધિકારી રહી ચૂક્યા છે. તેઓ નેવિગેશનમાં નિષ્ણાત છે. યુદ્ધજહાજ આઈએનએસ ‘મગર’ને કમાન્ડ કરતા હતા. દહરા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર નિવૃત્ત કમાન્ડર પૂર્ણેન્દુ તિવારીને ભારત અને કતાર વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવામાં તેમની સેવાઓ માટે વર્ષ 2019માં પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ મળ્યો હતો. આ પુરસ્કાર મેળવનાર સશસ્ત્ર દળોમાંથી તે એકમાત્ર વ્યક્તિ છે.
- કમાન્ડર સુગુનાકર પકલાઃ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર અનુસાર, 54 વર્ષીય સુગુનાકર પકાલા વિશાખાપટ્ટનમના રહેવાસી છે. નૌકાદળ અધિકારી તરીકેનો તેમનો કાર્યકાળ શાનદાર રહ્યો છે. તેઓ 18 વર્ષની ઉંમરે નેવીમાં જોડાયા હતા. તેઓ નવેમ્બર 2013માં ભારતીય નૌકાદળમાંથી નિવૃત્ત થયા હતા. આ પછી તે કતારની કંપની અલ દહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલ્ટન્સીમાં જોડાયા હતા.
- કમાન્ડર સંજીવ ગુપ્તા ગનરી સ્પેશિયાલિસ્ટ તરીકે ઓળખાય છે. કમાન્ડર એ એક પદ છે જે કોઈ ટુકડીના ઓપરેશનના હેડ હોય છે.
- કમાન્ડર અમિત નાગપાલ નેવીમાં કોમ્યુનિકેશન અને ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ્સમાં નિષ્ણાત છે.
- કેપ્ટન સૌરભ વશિષ્ઠ એક શાર્પ ટેકનિકલ ઓફિસર તરીકે ઓળખાય છે. તેણે ઘણા મુશ્કેલ ઓપરેશન કર્યા છે.
- કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા તેમની નેવિગેશનલ કુશળતા માટે ઓળખાય છે.
- નાવિક રાગેશે નૌકાદળમાં મેન્ટેનેન્સ અને મદદરૂપ તરીકે કામ કરતા હતા.