ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાનને 96 વર્ષની ઉંમરે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવશે
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને દેશના ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન એવું ભારતરત્ન આપવાની જાહેરાત કરી છે. 96 વર્ષની વયે તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. આ વાતની જાણકારી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પછી તેઓ ભાજપના બીજા નેતા છે, જેમને “ભારતરત્ન” આપવામાં આવશે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર અડવાણી સાથેની પોતાની બે તસવીર શેર કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા. મોદીએ લખ્યું- “મને જણાવતાં ખૂબ જ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. મેં તેમની સાથે વાત કરી છે અને તેમને અભિનંદન પાઠવ્યાં.”
“આપણા સમયના સૌથી સન્માનિત નેતાઓ પૈકી એક રહેલા અડવાણીજીનું ભારતના વિકાસમાં અવિસ્મરણીય યોગદાન છે. દેશના વિકાસમાં તેમના યોગદાનને કોઈ ભૂલી શકશે નહીં. તેમની સફર પાયાથી કામ કરવાથી માંડીને નાયબ વડા પ્રધાન સ્વરૂપે દેશની સેવા કર્યા સુધીની રહી છે. તેઓ દેશના ગૃહમંત્રી, માહિતી અને પ્રસારણમંત્રી પણ રહ્યા હતા. તેમની સંસદીય સફર અનુકરણીય અને સમૃદ્ધ દૃષ્ટિકોણવાળી રહી છે.”
પીએમ મોદીએ આગળ લખ્યું, ‘સાર્વજનિક જીવનમાં અડવાણીજીની દાયકાઓ સુધીની સેવા તેમની પારદર્શિતા અને અખંડિતતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા માટે જાણીતી છે જેણે રાજકીય નીતિશાસ્ત્રમાં એક અનુકરણીય ધોરણ સ્થાપિત કર્યું છે. તેમણે રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક પુનરૂત્થાન માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છે. તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા એ મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. હું હંમેશા તેને મારૂં સૌભાગ્ય ગણીશ કે મને તેમની સાથે વાતચીત કરવાની અને તેમની પાસેથી શીખવાની અગણિત તકો મળી.
નોંધનીય છે કે આ પહેલાં 23 જાન્યુઆરીએ બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન (મરણોત્તર) આપવાની જાહેરાત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 24 જાન્યુઆરીએ તેમની 100મી જન્મજયંતીના એક દિવસ પહેલાં આ જાહેરાત કરી હતી. કર્પૂરી ઠાકુર બે વખત બિહારના મુખ્યમંત્રી અને એક વખત નાયબ મુખ્યમંત્રી રહ્યા હતા. તેઓ પછાત વર્ગોનાં હિતોની હિમાયત કરવા માટે જાણીતા હતા.
અડવાણીને ભારત રત્ન એનાયત થવા પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, ‘દેશના વરિષ્ઠ નેતા અને અમારા માર્ગદર્શક આદરણીય લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન આપવાની જાહેરાત ખૂબ જ આનંદદાયક અને આનંદદાયક છે. આઝાદી પછી દેશના પુનર્નિર્માણમાં અડવાણીજીએ મહત્વની ભૂમિકા ભજવી છે. અડવાણીજી રાજકારણમાં શુદ્ધતાનું જીવંત ઉદાહરણ છે. અડવાણીજીને ‘ભારત રત્ન’ જાહેર કરવા બદલ હું વડા પ્રધાન મોદીનો આભાર માનું છું અને અડવાણીજીના સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરૂં છું.
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ અડવાણીજીને અભિનંદન પાઠવ્યા
એલ.કે.અડવાણીને આપવામાં આવેલ ભારત રત્ન બાબતે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ખુશી વ્યક્ત કરી હતી. વજુભાઈ વાળાએ કહ્યું કે, અડવાણીજીએ આખું જીવન રાષ્ટ્ર માટે સમર્પિત કર્યું છે. આજે 96 વર્ષની વયે પણ તેમનું જીવન રાષ્ટ્ર માટે સમર્પિત છે. આજે રામ મંદિર બનાવવા આવ્યું છે તે મંદિર માટે એલ.કે.અડવાણીએ જ સોમનાથથી યાત્રા કાઢી હતી.
અડવાણીને આપવામાં આવેલ ભારત રત્ન અંગે વજુભાઈ વાળાએ સૌરાષ્ટ્ર માટે ગૌરવની વાત હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું-ડેપ્યુટી પ્રધાનમંત્રી હોવા છતાં પણ તેમને ક્યારેય અભિમાન આવ્યું નહોતું. સરકાર પાસેથી એલ.કે.અડવાણીએ ક્યારેય અપક્ષા રાખી નથી. ભારત રત્ન આપવા બદલ અડવાણીજીને અભિનંદન.
લાલ કૃષ્ણ અડવાણી પાર્ટીના એકમાત્ર એવા નેતા છે જે ૧૯૮૦માં ભારતીય જનતા પાર્ટીની રચના થઈ ત્યારથી લઈને અત્યાર સુધી સૌથી વધુ સમય સુધી પાર્ટીના અધ્યક્ષ રહ્યા છે. પ્રથમ વખત તેઓ ૧૯૮૬ થી ૧૯૯૦ અને ત્યારબાદ ૧૯૯૩ સુધી અધ્યક્ષ રહ્યા હતા. ૧૯૯૮ અને પછી તેઓ ૨૦૦૪ થી ૨૦૦૫ સુધી પાર્ટીના અધ્યક્ષ રહ્યા.