મુંબઇથી 1400 કિમી દૂર અયોધ્યા રામ મંદિરમાં પહોંચીને કર્યા ભગવાન શ્રી રામલલ્લાનાં દર્શન
શબનમ શેખ મુંબઈથી 40 દિવસની યાત્રા બાદ મંગળવારે અયોધ્યા પહોંચી હતી, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. દરરોજ હજારો રામ ભક્તો રામલલ્લાનાં દર્શન કરવા અયોધ્યા પહોંચી રહ્યા છે. હિંદુઓ જ નહીં પરંતુ મુસ્લિમ સમુદાયના લોકો પણ અયોધ્યા પહોંચીને પ્રભુ શ્રી રામલલ્લાનાં દર્શન કરી રહ્યા છે. ત્યારે મુંબઈની રામભક્ત શબનમ શેખ પણ ભગવાન શ્રી રામલલ્લાનાં દર્શન કરવા પગપાળા ચાલીને અયોધ્યા પહોંચી છે.
અયોધ્યા રામ મંદિરમાં રામ લલ્લાના દર્શન કરવા દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો પધારી રહ્યા છે. આ દરમિયાન, મુંબઈની રહેવાસી 20 વર્ષીય શબનમ શેખ પણ પ્રભુ શ્રી રામના દર્શન માટે પગપાળા ચાલીને અયોધ્યા પહોંચી છે. જેની ઘણી જ ચર્ચા થઇ રહી છે. શબનમ શેખ પોતે મુસ્લિમ હોવા છતા ભગવાન શ્રી રામની ભક્ત છે. તેનું માનવું છે કે ભગવાન શ્રી રામના ભક્ત બનવા માટે હિંદુ હોવું જરૂરી નથી. શબનમ ખુલ્લેઆમ કહે છે કે તે રામ ભક્ત છે અને તેથી જ તે અયોધ્યા આવી છે.
21 ડિસેમ્બરે મહારાષ્ટ્રનાં મુંબઈથી શબનમ શેખ પગપાલા ચાલીને અયોધ્યા આવવા માટે નીકળી હતી. શબનમે ભગવાન શ્રી રામ લાલાના દર્શન કરવા માટે 1425 કિલોમીટરનું અંતર પગપાળા જ કાપ્યું હતું. જો કે આ પછી પણ તેના ચહેરા પર થાક દેખાતો નથી. તેનું કહેવું છે કે 40 દિવસની તપસ્યા પૂરી થઈ ગઈ છે. ભગવાન રામની નગરીમાં આવીને મારી યાત્રા પૂર્ણ થઈ. શબનમ શેખ અયોધ્યાના સિદ્ધપીઠ હનુમાનગઢીમાં પગ મૂકતા જ જય શ્રી રામના નારા સાથે સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
અયોધ્યા પહોંચ્યા બાદ શબનમે મીડિયાને કહ્યું હતું કે તેની યાત્રા બિલકુલ પડકારજનક નથી. તેણીએ કહ્યું કે, “જો હું પાકિસ્તાન અથવા અન્ય કોઈ ઈસ્લામિક દેશમાં રહેતી હોત, તો તે આમ કરવું ખૂબ મુશ્કેલ હતું પરંતુ હું ભારતમાં રહું છું. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ – આ ત્રણેય રાજ્યો પાર કરીને હું અયોધ્યા આવી છું. મુંબઈથી પગપાળા અયોધ્યા આવેલી શબનમ શેખ કહે છે, “ત્રણ રાજ્યોની પોલીસ અને સરકારે મને ખૂબ મદદ કરી અને સાથ આપ્યો છે.”
શબનમ શેખના હાથમાં ભગવો ધ્વજ છે, જેના પર હનુમાનજીની તસવીર બનેલી છે. તે કહે છે કે જ્યારે પિતાને સમાચાર મળ્યા ત્યારે તેઓ સંમત થયા, માતા થોડી ઉદાસ લાગી. બે બહેનોએ પહેલા તેને સાઈકલ પર મુસાફરી કરવાની સલાહ આપી પરંતુ તે પગપાળા જ નીકળી ગઈ અને જ્યારે તે અયોધ્યા પહોંચી ત્યારે તેનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું.
આપને જણાવી દઈએ કે શબનમ શેખ બી.કોમ.ની પ્રથમ વર્ષની વિદ્યાર્થીની છે. તેને ભગવાન રામમાં અપાર શ્રદ્ધા છે. તેમજ તે પોતાને સનાતની મુસ્લિમ ગણાવે છે. જ્યારે તેણીને ખબર પડી કે સમગ્ર દેશમાંથી લોકો શ્રી રામ લાલાના દર્શન કરવા અયોધ્યા જઈ રહ્યા છે, ત્યારે તે પણ રામલલ્લાના દર્શનનો સંકલ્પ લઇને મુંબઇથી પગપાળા નીકળી હતી.