દરરોજ 2 લાખ જેટલા ભક્તો ભગવાન શ્રી રામલલ્લાનાં દર્શન કરવા અયોધ્યા આવી રહ્યા છે
અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ભક્તોનો અપાર પ્રેમ અને ભક્તિ દેખાઈ રહી છે. જ્યારથી અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનું ભૂમિપૂજન થયું માત્ર ત્યારથી જ રામલલાને કરોડો રૂપયાનું દાન મળ્યું છે. દેશ અને દુનિયાના રામભક્તોએ રામલલા માટે અપાર પ્રેમ વરસાવ્યો છે.
અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ લલ્લાના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો અયોધ્યા આવી રહ્યા છે અને ભગવાન શ્રી રામલલ્લાના દર્શન કરી રહ્યા છે. રામભક્તો રામલ્લાનાં દર્શન કરવાની સાથે સાથે ભાવિક ભક્તો દિલ ખોલીને દાન પણ કરી રહ્યા છે.
જાણકારી મુજબ અયોધ્યામાં એક અઠવાડિયામાં લગભગ 18 થી 19 લાખ લોકોએ રામલલ્લાનાં દર્શન કર્યા છે. રામ મંદિરમાં રામલલાની સન્મુખ પહોંચતા જ શ્રદ્ધાળુ ભાઈ બહેનો અને વડીલો ભાવવિભોર બની રડતા પણ જોવા મળે છે.એક દિવસની વાત કરીએ તો દરરોજ 2 લાખથી વધુ ભક્તો ભગવાન શ્રી રામલલ્લાનાં દર્શન કરી રહ્યા છે. હજુ પણ મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે અને શ્રી રામલલ્લાનાં દર્શન કરી રહ્યા છે. રોજે રોજ ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ કહ્યું કે મંદિર ખુલ્યા બાદ તો રામલલા પ્રત્યે ભક્તોનો પ્રેમ વધુ તીવ્ર બની ગયો છે. રામલલાના દર્શન માટે દરરોજ લાખો ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. મંદિર ખૂલ્યું એ પહેલાં જ્યાં દરરોજ સરેરાશ 20-30 હજાર ભક્તો આવતા હતા, હવે આ સંખ્યા વધીને 2 લાખથી વધુ થઈ ગઈ છે. રામલલા માટે આવેલી દાનની મોટી રકમ ઓનલાઈન માધ્યમથી આવી છે. આ ઉપરાંત ભક્તોએ ચેક, રોકડ અને સોના-ચાંદીના રૂપમાં પણ દાન આપ્યું છે.
અયોધ્યામાં રામલલ્લાનાં દર્શન કરવાની સાથે સાથે ભાવિક ભક્તો મોટા પ્રમાણમાં દાન પણ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો રામ મંદિરમાં દાન આપી રહ્યા છે. દાન માટે મંદિરમાં 6 કાઉન્ટર અને 4 દાન પેટી લગાવવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયામાં રામ મંદિરમાં સોના-ચાંદીની જ્વેલરી, ચેક સહિત મોટા પ્રમાણમાં રોકડ રૂપિયાનાં દાનની આવક થઈ છે. એક અંદાજ મુજબ શ્રદ્ધાળુઓ દરરોજ લગભગ 3 લાખ રુપિયાનું દાન આપી રહ્યા છે. આ દાન ભક્તોના પ્રેમ અને આસ્થાનું અનોખું ઉદાહરણ છે. રામલલા પ્રત્યે ભક્તોનો પ્રેમ અને ભક્તિ આ દાન પરથી જાણી શકાય છે.
રામમંદિર ખુલ્યાનાં પ્રથમ ચાર દિવસમાં જ 7 કરોડ 8 લાખ રૂપિયાનું દાન ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું. સત્તાવાર આંકડાઓ અનુસાર , રામલલાના દર્શનના પ્રથમ દિવસે ₹2 કરોડ 90 લાખ, 24 જાન્યુઆરીએ ₹2 કરોડ 43 લાખ, 25 જાન્યુઆરીએ 8 લાખ 50 હજાર રૂપિયા અને 26 જાન્યુઆરીએ ₹1 કરોડ 15 લાખ રુપયાનું દાન કરવામાં આવ્યું હતું.
ભક્તોનું માનવું છે કે રામલલાના મંદિરના નિર્માણથી દેશમાં અમન, શાંતિ અને સમૃદ્ધિ આવશે. તેથી તેઓ તેમની ક્ષમતા મુજબ દાન કરી રહ્યા છે. રામલલાના દાનમાંથી મળેલી રકમનો ઉપયોગ મંદિરના નિર્માણ, મંદિરની આસપાસના વિકાસ કાર્યો અને મંદિરની જાળવણી માટે કરવામાં આવશે. રામલલાના ભક્તોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ભગવાન રામ ભારતના લોકોના હૃદયમાં વસે છે.
એક અઠવાડિયામાં રામમંદિરે આવેલ શ્રદ્ધાળુઓની સંખ્યા
23 જાન્યુઆરી – 5 લાખ
24 જાન્યુઆરી – 2.5 લાખ
25 જાન્યુઆરી – 2 લાખ
26 જાન્યુઆરી – 3.5 લાખ
27 જાન્યુઆરી – 2.5 લાખ
28 જાન્યુઆરી – 3.25 લાખ
અત્યાર સુધીમાં રામ મંદિરમાં દાનમાં આવેલ રકમ
22 જાન્યુઆરી – 2 લાખના ચેક, 6 લાખ કેશ
23 જાન્યુઆરી – 2 કરોડ 90 લાખ
24 જાન્યુઆરી – 2 કરોડ 43 લાખ
25 જાન્યુઆરી – 8 લાખ 50 હજાર
26 જાન્યુઆરી – 1 કરોડ 15 લાખ
27 જાન્યુઆરી – 13 લાખના ચેક, 8 લાખ કેશ
28 જાન્યુઆરી – 12 લાખના ચેક અને કેશ
29 જાન્યુઆરી – 7 લાખના ચેક, 5 લાખ કેશ