ગુપ્ત માહિતી લીક કરવા બદલ પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનને 10 વર્ષની જેલની સજા

khan kurishi

પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીને પણ સાઇફર કેસમાં 10 વર્ષની કેદની સજા ફટકારાઈ

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. પાકિસ્તાનમાં આગામી સામાન્ય ચૂંટણી પહેલા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. સાઈફર કેસમાં પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાન અને પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીને ગુપ્ત માહિતી લીક કરવા બદલ 10-10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ઇમરાનખાનના વકીલ શોએબ શાહીને જણાવ્યું કે, મંગળવારે વિશેષ અદાલતના ન્યાયાધીશ અબુલ હસનત મુહમ્મદ ઝુલકરનૈને સાઈફર કેસમાં આ ચૂકાદો આપ્યો હતો.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન સત્તામાં હતા ત્યારે તેમણે પોતાના રાજકીય ફાયદા માટે રાજદ્વારી કેબલ(ટેપ)ને જાહેર કરી હતી.પાકિસ્તાનની એક અદાલતે ઈમરાનખાનને દેશના સત્તાવાર રહસ્ય અધિનિયમનું ઉલ્લંઘન કરવા બદલ કલમ 342 હેઠળ 10 વર્ષની જેલની સજા ફટકારી છે. પાકિસ્તાનનાં પૂર્વ વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીને પણ 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. બંનેને ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ રચવામાં આવેલી વિશેષ અદાલત દ્વારા ગોપનીય માહિતી લીક કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે ઈમરાન ખાન (71 વર્ષ) અને શાહ મહેમૂદ કુરેશી (67 વર્ષ) રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. ઇમરાન ખાન અને શાહ મહમૂદ કુરેશી વર્ચ્યુઅલ રીતે જેલમાંથી જ કોર્ટની સુનાવણીમાં હાજર રહ્યા હતા. કોર્ટનાં નિર્ણય બાદ ઈમરાન ખાનની પાર્ટી PTI આ નિર્ણયની આકરી ટીકા કરી છે. PTIએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેની કાનૂની ટીમ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારશે.

સાઇફર કેસ શું છે?
ઈમરાન ખાન અને શાહ મહેમૂદ કુરેશી વિરુદ્ધ સાઇફર કેસ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો છે. ઈમરાન ખાન પર પાકિસ્તાનની ખુબ જ ગુપ્ત માહિતીનો અંગત ઉપયોગ કરવાનો આરોપ છે. સત્તામાંથી બેદખલ થયા બાદ ઈમરાન ખાને આરોપ લગાવ્યો હતો કે તેમને બેદખલ કરવા પાછળ અમેરિકાનો હાથ છે. આ માટે ઈમરાન ખાને કહ્યું કે વોશિંગ્ટન સ્થિત પાકિસ્તાન એમ્બેસીએ તેમને એક કેબલ (ટેપ કે ગુપ્ત જાણકારી) મોકલ્યો હતો. ઈમરાન ખાને પોતાના રાજકીય ફાયદા માટે એક વિવાદિત રાજનયિક વાતચીતને જાહેર કરી હતી જેને સાઇફર કહેવામાં આવી.

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા દેશના સૌથી મોટા શહેર કરાચીમાં તણાવ વધી રહ્યો છે. સોમવારે નાઝીમાનદમાં હિંસક અથડામણ થઈ હતી. અથડામણ દરમિયાન પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના કાર્યકરો સાથે ગોળીબારમાં મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ (MQM પાકિસ્તાન) કાર્યકરનું મોત થયું હતું અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. જ્યારે રવિવારે ક્લિફ્ટન વિસ્તારમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (PTI)ની ચૂંટણી રેલી દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના શેલ છોડ્યા અને કાર્યકરોને બળજબરીથી વિખેર્યા. આ દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 25 લોકો ઘાયલ થયા હતા.