કર્ણાટકમાં ‘હનુમાન ધ્વજ’ ઉતારાતા પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઝડપ, કલમ 144 લાગુ કરાઈ

Hanuman Dhwaj

ઝંડો ઉતારવાના આદેશના વિરોધમાં ગ્રામજનોએ પોતાની દુકાનો પણ બંધ કરી દીધી હતી
ગ્રામપંચાયતની મંજૂરી બાદ ઝંડો લગાવાયો હતો, તો કોંગ્રેસની સરકાર કેમ તેને હટાવવા માંગે છે
હનુમાન ઝંડો હટાવાશે તો રાજ્યભરમાં આંદોલન કરવાની ભાજપની ચિમકી

કર્ણાટકના માંડ્યા જિલ્લાના કેરાગોડુ ગામમાં 108 ફૂટ ઊંચા પોલ પર સ્થાપિત ‘હનુમાન ધ્વજ’ને વહીવટીતંત્ર દ્વારા હટાવવાને લઈને રાજકીય વિવાદ છેડાઈ ગયો છે. હનુમાન ધ્વજ ઉતારવા મામલે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ટક્કર થઈ છે. જેને પગલે ગામમાં 144ની કલમ લાગુ કરાઈ છે. હાલ રાજ્યના ઘણા જિલ્લાઓમાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે. ભાજપે રાજ્યભરમાં આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે, તો કોંગ્રેસે પણ ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે.

કેરાગોડુમાં થોડા દિવસો પહેલા કેટલાક યુવકોએ 108 ફુટ ઊંચા થાંભલા પર હનુમાનજીનો ઝંડો લગાવ્યો હતો. યુવકોના જણાવ્યા મુજબ આ માટે તેમને મંજુરી પણ મળી હતી, તેમ છતાં યુવકોના બીજા ગ્રૂપે નારાજ થઈ ફરિયાદ નોંધાવી હતી. અધિકારીઓએ ગામમાં આવી હનુમાનજીના ઝંડાને હટાવવાનો આદેશ કર્યો હતો. આ બાબતની જાણ થતાં જ ગ્રામજનો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વિરોધ શરૂ કરી દીધો હતો. ત્યારબાદ ગ્રામજનો અને પોલીસ વચ્ચે પણ ટક્કર થઈ હતી. આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. હાલ સુરક્ષાને ધ્યાને રાખી ગામમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે.

અધિકારીઓએ ગ્રામજનોને ઝંડો હટાવવાની વાત કરતા જ ભારે હોબાળો શરૂ થયો અને સ્થિતિ વધુ વણસી હતી. ઝંડો ઉતારવાના આદેશના વિરોધમાં ગ્રામજનોએ પોતાની દુકાનો પણ બંધ કરી દીધી હતી. ગ્રામ પંચાયતના અધિકારીઓ રવિવારે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઝંડો ઉતરાવવા ઈચ્છતા હતા, પરંતુ ગામના ઘણા લોકો અધિકારીઓ વિરુદ્ધ ઉતરી આવ્યા અને ‘જતા રહો’ના સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા.

મળતા અહેવાલો મુજબ કેરાગોડુ ગામના લોકોએ ઝંડા માટે ફંડ એકઠું કર્યું હતું. આ ઉપરાંત 12 ગામના લોકોએ અને BJP-JDSએ પણ યોગદાન આપ્યું હતું. ભાજપે ઘટના અંગે પોલીસ કાર્યવાહી કરવાની માંગ સાથે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે અને કોંગ્રેસના નિર્ણયને હિન્દુ વિરોધી કહ્યો છે. ભાજપ નેતા આર.અશોકે કહ્યું કે, ગ્રામપંચાયતની મંજૂરી બાદ ઝંડો લગાવાયો હતો, તો કોંગ્રેસની સરકાર તેને હટાવવા કેમ માંગે છે.

કર્ણાટક બીજેપી અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રનું કહેવું છે કે કેરાગોડુ ગામમાં ‘હનુમાન ધ્વજ’ ફરકાવવાનો નિર્ણય ગ્રામ પંચાયત બોર્ડનો હતો, પરંતુ રાજ્ય સરકારે પોલીસ ફોર્સ દ્વારા તેને નીચે ઉતારવાની હિંમત બતાવી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ માટે કોંગ્રેસ સરકાર જવાબદાર છે.

આ વિવાદ વચ્ચે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં અધિકારીઓની કાર્યવાહીને યોગ્ય ગણાવી હતી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, CM સિદ્ધારમૈયાએ કહ્યું કે આટલા ઊંચા ધ્રુવ પર ‘હનુમાન ધ્વજ’ની જગ્યાએ ‘રાષ્ટ્રધ્વજ’ લહેરાવવો જોઈતો હતો. તેમણે કહ્યું કે રાષ્ટ્રધ્વજની જગ્યાએ ‘ભગવો ધ્વજ’ લહેરાવવો યોગ્ય નથી. આ નિવેદનના કારણે મામલો વધુ ગરમાયો હતો. કર્ણાટકમાં અશાંત વાતાવરણ અને હંગામા માટે ભાજપે કોંગ્રેસને જવાબદાર ગણાવી છે.

ગ્રામજનોનું કહેવું છે કે, આ ઝંડો અમારી આસ્થાનો સવાલ છે, પરંતુ કેટલાક લોકો રાજકારણ રમી રહ્યા છે. ગ્રામજનો ઉપરાંત ભાજપ, જેડીએસ અને બજરંગ દળના લોકો પણ આમાં ઉતરી આવ્યા છે. ઘટનાને પગલે રાજકીય માહોલ પણ ગરમાયો છે. ઘટના અંગે પોલીસે હનુમાનજીનો ઝંડો હટાવવાની વાત કહી હતી. પોલીસના જણાવ્યા મુજબ હનુમાનજીનો ઝંડો હટાવી રાષ્ટ્રીય ધ્વજ લગાવવો જોઈએ.

ભાજપે ચીમકી આપી છે કે, જો ઝંડો હટાવાશે તો રાજ્યભરમાં આંદોલન કરવામાં આવશે. ભાજપના કેટલાક કાર્યકર્તાઓ સોમવારે બેંગલુરના મૈસુર બેંગ સર્કલ પાસે વિરોધ કરી રહ્યા હતા, આ દરમિયાન પોલીસે ઘણા કાર્યકર્તાઓને કસ્ટડીમાં લીધા છે. તો બીજીતરફ કોંગ્રેસ કાર્યકર્તાએ ભાજપ પર લોકોને ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. સુરક્ષાને ધ્યાને રાખી હાલ પોલીસે રાજ્યના ઘણા જિલ્લાઓમાં પોલીસ બંદોબસ્ત તહેનાત કરી દીધો છે.