માત્ર 12 જ દિવસમાં તૈયાર કરવામાં આવ્યા છે રામલલાનાં આભૂષણ
આભૂષણો બનાવવામાં 15 કિલો સોનું અને લગભગ 18 હજાર હીરા અને પન્નાનો ઉપયોગ કરવામાં આવ્યો છે
રામલલાનાં કપડાં પર શુદ્ધ સોનાની ઝરી અને તારાઓથી કામ કરવામાં આવ્યું છે, જેમાં વૈષ્ણવ શુભ ચિન્હો – શંખ, પદ્મ, ચક્ર અને મોર અંકિત કરવામાં આવ્યા છે
22 જાન્યુઆરીએ રામનગરી અયોધ્યામાં ભગવાન શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક વિધિ વિધાનથી યોજાયો જેમાં અયોધ્યા સહિત દેશ અને વિદેશમાંથી સાધુ, સંતો, રાજકારણો, ઉદ્યોગપતિ, અનેક મહાનુભાવો તેમજ ફિલ્મ જગતના કલાકારો તેમજ ભાવિક ભક્તો હાજર રહ્યા હતા. રામલલા બિરાજમાન થયાના અવસર પર દેશભરમાં લોકોએ દીવા પ્રજ્વલિત કર્યા અને ફટકડાં પણ ફોડ્યા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં રામલલાની નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં પોતાના દિવ્ય અને ભવ્ય સ્વરૂપ સાથે હવે રામલલ્લા બધાની સામે છે. રામલલ્લાને અનેક દિવ્ય આભૂષણો અને પૌરાણિક કથાઓમાં તેમના વર્ણન સ્વરૂપને આધારે વસ્ત્રોથી સુસજ્જિત કરવામાં આવ્યા છે. રામલલાના આભૂષણ આધ્યાત્મ રામાયણ, શ્રીમદ વાલ્મિકી રામાયણ, શ્રીરામચરિત માનસ તથા આલવન્દાર સ્ત્રોતના અધ્યયન અને તેમા વર્ણિત શ્રીરામની શાસ્ત્ર આધારિત સુંદરતા અનુસાર બનાવવામાં આવ્યા છે. ભગવાન રામના આભૂષણ બનાવવામાં 15 કિલો જેટલું સોનું અને 18 હજાર હીરા તથા પન્નાનો ઉપયોગ થયો છે.
ભગવાન રામના આભૂષણો બનાવવામાં 15 કિલો સોનું અને લગભગ 18 હજાર હીરા અને પન્નાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તિલક, મુકુટ, 4 હાર, કમરબંધ, બે જોડી પાયલ, વિજય માલા, બે વીંટી સહિત કુલ 14 આભૂષણ તૈયાર કરવામાં આવ્યા છે. આ આભૂષણ માત્ર 12 દિવસમાં બનાવવામાં આવ્યા છે.
લખનઉમાં બનાવાયા આભૂષણ
શ્રી રામ મંદિર ટ્રસ્ટ અનુસાર, શ્રી યતીન્દ્ર મિશ્રાની કલ્પના અને નિર્દેશન હેઠળ, આ જ્વેલરીનું નિર્માણ શ્રી અંકુર આનંદની સંસ્થા હરસહાયમલ શ્યામલાલ જ્વેલર્સ, લખનૌ દ્વારા કરવામાં આવ્યું છે. લગભગ 15 દિવસ પહેલા જ લખનઉના હરસહાયમલ શ્યામલાલ નામના નિષ્ણાતોને આ જવાબદારી સોંપાઈ હતી. આભૂષણ બનાવતી વખતે ભગવાન રામનું બાળ સ્વરૂપ છે, તે ધ્યાનમાં રખાયું હતું.
કપડા
ભગવાનને બનારસી કપડાની પીળી ધોતી અને લાલ રંગના પટુકા/અંગવસ્ત્રમમાં શણગારવામાં આવ્યા છે. આ કપડાં પર શુદ્ધ સોનાની ઝરી અને તારાઓથી કામ કરવામાં આવ્યું છે, જેમાં વૈષ્ણવ શુભ ચિન્હો – શંખ, પદ્મ, ચક્ર અને મોર અંકિત કરવામાં આવ્યા છે. આ કપડાં દિલ્હીના ટેક્સટાઈલ ડિઝાઈનર શ્રી મનીષ ત્રિપાઠીએ શ્રી અયોધ્યા ધામમાં રહીને બનાવ્યા છે.
મુગટ
ભગવાન રામ સૂર્યવંશી હોવાથી ભગવાન રામના મુગટમાં સૂર્યનું પ્રતીક બનાવાયું છે. આ ઉપરાંત મુગટના કેન્દ્રમાં શાહી શક્તિનું પ્રતીક નીલમણિ પણ છે. આ મુગટમાં ઉત્તર પ્રદેશના રાજ્ય પ્રતીક માછલી પણ છે અને રાષ્ટ્રીય પક્ષી મોરની પ્રતિકૃતિ પણ છે. એક કિલો અને 700 ગ્રામના આ મુગટમાં 75 કેરેટ હીરા, 175 કેરેટ ઝામ્બિયન એમરાલ્ડ પન્ના, 262 કેરેટ રૂબી, માણેક પણ લગાવવામાં આવ્યા છે, જે એકદમ શુદ્ધ છે. આ મુગટની પાછળનો ભાગ 22 કેરેટ સોનાનો છે અને તેનું વજન આશરે 500 ગ્રામ છે.
તિલક
ભગવાનનું તિલક 16 ગ્રામ સોનાનું છે. તેની મધ્યમાં ત્રણ કેરેટના હીરા અને તેની ફરતે 10 કેરેટના હીરા જડવામાં આવ્યા છે. આ ઉપરાંત તિલકની વચ્ચે બર્મીઝ રૂબી પણ લગાવવામાં આવ્યું છે.
પન્ના અને માણેકની વીંટી
ભગવાન રામને એક પન્નાની વિંટી પણ પહેરાવવામાં આવી છે. જેનું વજન 65 ગ્રામ છે. તેમાં ચાર કેરેટના હીરા અને 33 કેરેટ પન્ના છે. વીંટીની મધ્યમાં ઘેરા લીલા રંગનું ઝામ્બિયન પન્ના છે, જે ભગવાનનો વનવાસ, સંવાદિતા, બુદ્ધિમત્તા અને સૌહાર્દનું પ્રતીક છે. ભગવાનના જમણા હાથમાં 26 ગ્રામ સોના અને માણેકની વીંટી છે, જેમાં માણેકની સાથે હીરા પણ જડેલા છે.
હાર
ભગવાન રામના ગળામાં લગભગ 500 ગ્રામનો સોનાનો હાર છે. તેમાં લગભગ 150 કેરેટ રૂબી અને 380 કેરેટ પન્નાનો ઉપયોગ કરાયો છે. આ સિવાય હારનાં મધ્યમાં સૂર્યવંશનું ચિહ્ન છે જેને પન્ના, માણેક અને હીરાના ફૂલથી બનાવવામાં આવ્યું છે.
પંચલડા
ભગવાન રામને પંચલડા પ્રકારનો એક બીજો પણ હાર પહેરાવાયો છે, જેમાં પાંચ સેર હોય છે. તેનું વજન 660 ગ્રામ છે અને તેમાં લગભગ 80 હીરા અને 550 કેરેટ પન્ના લગાવવામાં આવેલ છે. પંચલડાની પાંચ સેર પાંચ તત્ત્વોનું પ્રતિનિધિત્વ કરે છે.
વિજયમાલા
ભગવાન રામના ગળામાં સૌથી મોટો હાર વિજયમાળા છે. તેનું વજન લગભગ 2 કિલો છે. જે 22 કેરેટ સોનાથી બનેલો છે. ભગવાન રામની વિજયમાળામાં હિન્દુ ધર્મના પ્રતિકોને દર્શાવવામાં આવ્યા છે. પંચ પવિત્ર પુષ્પ કમલ, કુંડ, પારિજાત, ચંપા અને તુલસી જે પંચભૂત તથા ભગવાન રામના પ્રકૃતિ પ્રેમને દેખાડે છે. તેમને હારની વચ્ચે બનાવવામાં આવ્યા છે. આ સાથે શંખી ચક્રને પણ હારમાં દર્શાવવામાં આવ્યું છે. હારની લંબાઈ એવી રાખવામાં આવી છે કે તે ભગવાન રામના ચરણ સ્પર્શી રહ્યો છે જે તેમના ચરણોમાં ભક્તિ અને માનવ કલ્યાણને દેખાડે છે.
કમરબંધ
ભગવાન રામ બાળ સ્વરુપ હોવાથી તેમની કમરને સુશોભિત કરવા 750 ગ્રામ સોનાનો એક કમરબંધ બનાવવામાં આવ્યો છે, જે 70 કેરેટ હીરા, 850 કેરેટ માણેક અને પન્નાથી જડેલો છે. પૌરાણિક કાળથી જ કમરબંધ રાજસી કુંવરનું આભૂષણ રહ્યું છે જે રાજસી વૈભવને દેખાડે છે.
બાજુબંધ અને કંગન
રામલલાના નાનકડા હાથ માટે 22 કેરેટ સોનાના 400 ગ્રામના બાજુબંધ પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 850 ગ્રામના બે કંગન પણ પહેરાવાયા છે, જેમાં 100 હીરા અને 320 માણેક જડેલા છે.
ચરણ પાદુકા
ભગવાનના પગ માટે 400 ગ્રામ સોનું, 55 કેરેટ હીરા અને 50 કેરેટ પન્નાથી જડેલી પાદુકા પણ બનાવાઈ છે.
ધનુષ્ય
આ મૂર્તિમાં ભગવાનનું ધનુર્ધારી બાળસ્વરૂપ દર્શાવાયું છે. તેથી તેમને 24 કેરેટના એક કિલો સોનાથી બનેલું ધનુષ્ય અપાયું છે.
ચાંદીના રમકડાં
રામ મંદિરના રામલલા ભગવાનનું બાળ સ્વરૂપ હોવાથી તેમના માટે રમકડાં પણ રખાયા છે, જેમાં ચાંદીના હાથી, ઘોડા, ઊંટ અને ઘૂઘરો ડિઝાઈન કરાયો છે.
આ ઉપરાંત ભગવાનના વસ્ત્રમાં બનારસી પીળી ધોતી અને લાલ રંગનું અંગવસ્ત્રમ છે. તે બનાવવામાં શુદ્ધ સોનાની જરી અને તારનો ઉપયોગ કરાયો છે. આ વસ્ત્રો પર વૈષ્ણવ શુભ ચિહ્નો શંખ, પદ્મ, ચક્ર અને મોર અંકિત છે.