ભારે ભીડને કારણે બપોરે 2 વાગે સુધી પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી હતી
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે પ્રથમ દિવસ હોવાને કારણે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી.અયોધ્યામાં આજે લગભગ 2.5 લાખથી 3 લાખ ભક્તોએ રામ લલ્લાના દર્શન કર્યા છે અને એટલી જ સંખ્યામાં ભક્તો દર્શનની રાહ જોઈ રહ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર ભક્તોને સતત દર્શન આપવા માટે તમામ વ્યવસ્થા કરી રહ્યું છે અને સ્થિતિ પણ હવે નિયંત્રણમાં છે.
રામ લલ્લાના દર્શન કરવા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા મંદિરમાં અવ્યવસ્થા સર્જાઇ હતી. સવારે 10-11 વાગ્યાની આસપાસ ભક્તોની ભીડ બેકાબુ બનતા રામ મંદિરમાં બપોરે 2 વાગે સુધી પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી હતી. ભારે ભીડને કારણે પેરા મિલિટ્રી ફોર્સ તેમજ રેપિડ એક્શન ફોર્સને પણ સુરક્ષામાં ગોઠવવામાં આવી હતી. હવે સ્થિતિ પણ નિયંત્રણમાં છે.
આજે સવારથી જ લાખો લોકો રામલલાનાં દર્શન કરી ચૂક્યા છે. મળતી માહિતી મુજબ આજે સાંજનાં 5 વાગ્યા સુધીમાં લગભગ 2.5 લાખથી 3 લાખ ભક્તોએ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા છે અને એટલી જ સંખ્યામાં ભક્તો દર્શન માટે રાહ જોઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓ સતત દર્શન કરી શકે તે માટે સ્થાનિક પ્રશાસન તમામ વ્યવસ્થા કરી રહ્યું છે. સ્થિતિ નિયંત્રણમાં છે. આ માટે આઠ હજારથી વધુ સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
ભારે ભીડ વચ્ચે સીએમ યોગી આદિત્યનાથ 24 કલાકની અંદર બીજી વખત અયોધ્યા પહોંચ્યા છે. સીએમનું હેલિકોપ્ટર અયોધ્યાના રામ કથા પાર્ક હેલિપેડ પર લેન્ડ થયું હતું. સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ અયોધ્યા પહોંચી ગયા છે.
આજે મોટી સંખ્યામાં લોકો અયોધ્યા ઉમટી પડતા મંદિરમાં અવ્યવસ્થા સર્જાઇ હતી જેને લઈને પોલીસને પણ મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં ભારે મુશ્કેલી પડી હતી. આ દરમિયાન જિલ્લા પ્રશાસને અપીલ કરી છે કે, રામ ભક્તો હડબડાટમાં ન આવે. 10થી 15 દિવસ પછી અયોધ્યા આવો અને સરળતાથી રામલલાના દર્શન કરો. કમિશનર ગૌરવ દયાલ અને આઈજી રેન્જ પ્રવીણ કુમારે આ અંગે જણાવ્યું છે.
સુરક્ષાને ધ્યાને રાખી કમિશનર, આઈજી અને એડીજી સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને શ્રદ્ધાળુઓને શાંતિ જાળવવા તેમજ નાસભાગ ન કરવા અપીલ કરી રહ્યા છે. ડીજી પ્રશાંત કુમાર અને ગૃહ પ્રમુખ સચિવ સંજય પ્રસાદ પણ ત્યાં પહોંચી ગયા છે, તેઓ પણ ભીડને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.