અયોધ્યામાં રામલલાનાં દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા, દર્શનનો સમય વધારવામાં આવી શકે છે

ramlalla-darshan

રામ મંદિરમાં ભકતોની ભારે ભીડને કારણે એન્ટ્રી રોકવામાં આવી, દર્શનનો સમય વધારવામાં આવી શકે
લખનૌ-અયોધ્યા હાઈવે બંધ; બારાબંકી પોલીસે અયોધ્યા જતા વાહનોને રોક્યા
એટીએસ અને આરએએફની ટીમને સુરક્ષા માટે મંદિરની અંદર ગોઠવવામાં આવી

22 જાન્યુઆરીએ રામનગરી અયોધ્યામાં ભગવાન શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ આજથી અયોધ્યામાં રામ ભક્તો માટે રામ મંદિર ખોલી દેવામાં આવ્યું છે. રામ લલ્લાના દર્શન કરવા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા મંદિરમાં અવ્યવસ્થા સર્જાઇ છે. પોલીસને મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં મુશ્કેલી પડી રહી છે. સવારે 10-11 વાગ્યાની આસપાસ ભીડ વધવાને કારણે રામ મંદિરના પ્રવેશદ્વાર પર ભક્તોનો પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી હતી. જેને લઈને પોલીસે શ્રદ્ધાળુઓને લઈને એડવાઈઝરી જારી કરી છે. ભક્તોની ભીડ બેકાબુ બનતા રામ મંદિરમાં બપોરે 2 વાગે સુધી પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી છે. દર્શનાર્થીઓની ભારે ભીડને ધ્યાને રાખી તંત્ર દ્વારા મંદિર એક કલાક વહેલું ખોલવાનો નિર્ણય કરાયો હોવાના અહેવાલ પણ સામે આવ્યા હતા.

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પછી 23 જાન્યુઆરીને મંગળવાર સવારથી શ્રદ્ધાળુઓ માટે કપાટ ખોલવામાં આવ્યા પછી રામ મંદિરમાં દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. સવારે 3 વાગ્યાથી જ લોકો લાઇનમાં ઉભેલા જોવા મળ્યા હતા. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલા દર્શન પછી એટલી ભીડ વધી ગઇ કે તેને મેનેજ કરવામાં અવ્યવસ્થા સર્જાઇ હતી. ભારે ભીડને કારણે પેરા મિલિટ્રી ફોર્સ તેમજ રેપિડ એક્શન ફોર્સને પણ સુરક્ષામાં ગોઠવવામાં આવી છે. તેમજ કંટ્રોલ રૂમમાંથી વધારાના પોલીસ દળને બોલાવવામાં આવ્યો હતો જેથી સ્થિતિને સંભાળી શકાય.બેરિકેટિંગ લગાવીને રસ્તાને બંધ કરવામાં આવ્યા છે માત્ર બહાર જવા દેવામાં આવે છે. રામ મંદિરની અંદર આવવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓની આડમાં કોઈ ગરબડ ન થાય તેમજ સુરક્ષા જળવાઈ રહે તે માટે એટીએસ અને આરએએફની ટીમને ચેકિંગ અને સુરક્ષા મામલે મંદિરની અંદર મોકલાયા છે.

રામ મંદિરની ચારેબાજુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ભીડમાં હાજર લોકો ગેટની સામે ‘જય શ્રી રામ’ના નારા લગાવીને મંદિરમાં પ્રવેશી કરી રહ્યા છે. જેના કારણે સુરક્ષા કર્મચારીઓ લાચાર દેખાઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓ સુરક્ષા કોર્ડન તોડીને મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છે. રામલલાના દર્શન માટે એકઠી થયેલી ભીડને નિયંત્રિત કરવા માટે શ્રી રામ જન્મભૂમિ મંદિરની બહાર સુરક્ષા કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. માહિતી મળી રહી છે કે, આજે સવારે 10 વાગ્યા સુધીમાં 1 લાખ 70 હજાર જેટલા શ્રદ્ધાળુઓ રામલલ્લાના દર્શન કરી ચૂક્યા છે.

શ્રદ્ધાળુઓની ભીડ એટલી હતી કે પોલીસ પણ મંદિરની અંદર જઇ શકી નહતી. શ્રદ્ધાળુઓને આ ખબર નહતી કે મંદિર પરિસરમાં શું લઇ જઇ શકાય અને શું ના લઇ જઇ શકાય. લૉકરની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ભીડને જોતા તે પણ ઓછી લાગી રહી છે. સ્થિતિને સંભાળવામાં ફોર્સ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે મંદિરમાં દર્શનનો સમય પણ વધારવામાં આવી શકે છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે પ્રથમ દિવસ છે જેને કારણે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

શ્રદ્ધાળુઓની ભીડને સંભાળવા માટે યૂપી પોલીસ સિવાય સીઆરપીએફ સહિત તમામ રિઝર્વ ફોર્સના પોલીસ જવાન હાજર છે. આજે સવારથી જ લખનૌ-અયોધ્યા હાઈવેને બંધ કરી દેવામાં આવ્યો છે. અયોધ્યાથી 60 કિલોમીટર દૂર બારાબંકીથી અયોધ્યા એક પણ વાહનને જવા દેવામાં આવી રહ્યો નથી. હજારો લોકો બારાબંકીથી લખનૌની વચ્ચે ફસાઈ ગયા છે. પોલીસ દ્વારા લોકોને ધૈર્ય રાખવાની અપીલ કરવામાં આવી છે. પોલીસે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે, અયોધ્યા ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધુ હોવાથી તેઓ અયોધ્યા ન જાય. મંદિર તરફના તમામ રૂટો બદલવામાં આવ્યા છે.

લખનૌ ઝોનના ADG પીયૂષ મોરડિયાએ અયોધ્યામાં રામલલ્લાના ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ પછી શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભક્તોની ભારે ભીડને લઈને કહ્યું કે,’અહીં મોટી સંખ્યામાં ભક્તો એકઠા થયા છે. કોઈ ભક્તને અસુવિધા ન થાય તે સુનિશ્ચિત કરવાની અમારી પ્રાથમિક ફરજ છે. હું ભક્તોને મંદિર પરિસરમાં મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવાની અપીલ કરું છું. ભક્તોને ધીરજ રાખવાની અપીલ.’

22 જાન્યુઆરીએ રામનગરી અયોધ્યામાં ભગવાન શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અયોધ્યા સહિત દેશ અને વિદેશમાંથી સાધુ, સંતો, રાજકારણો, ઉદ્યોગપતિ, અનેક મહાનુભાવો તેમજ ફિલ્મ જગતના કલાકારો તેમજ ભાવિક ભક્તો હાજર રહ્યા હતા તેમજ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યાં હતાં. પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ હાજર રહેલા લોકોએ મંદિરમાં જઈને રામલલાનાં દર્શન કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે આમંત્રિત મહેમાનોને જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સમાં એન્ટ્રી આપવામાં આવી હતી જ્યારે આજે સામાન્ય લોકોને મંદિરમાં પ્રવેશ શરુ કરાતા રાતથી જ લાંબી લાઈનો લાગી હતી.