કોંગ્રેસનો અયોધ્યા ન જવાનો વિવાદઃ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનો રાહુલ ગાંધીએ કર્યો ઈન્કાર

rahul-gandhi

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આરએસએસ અને ભાજપનો રાજકીય કાર્યક્રમ છે તેથી અમે નથી જવાનાઃ રાહુલ ગાંધી

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ યોજાવના છે. આ કાર્યક્રમમાં સામેલ થવા દેશ-વિદેશના દિગ્ગજ અને પ્રતિષ્ઠિત મહાનુભાવોને આમંત્રણ અપાયું છે, ઉપરાંત વિપક્ષના નેતાઓને પણ આમંત્રણ પાઠવાયું છે, જોકે કોંગ્રેસ, ટીએમસી, સમાજવાદી પાર્ટી સહિતના કેટલાક પક્ષોએ સમારોહમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો છે, ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા અંગે મોટું નિવેદન આપ્યું છે.

રાહુલ ગાંધી હાલ ભારત જોડો ન્યાય યાત્રા પર છે. મણિપુરથી શરુ થયેલી રાહુલ ગાંધીની યાત્રા હાલ નાગાલેન્ડમાં છે. રાહુલ ગાંધીએ આજે નાગાલેન્ડના કોહિમા શહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ અંગે કહ્યું કે, RSS અને BJPએ અયોધ્યાના કાર્યક્રમને સંપૂર્ણ વડાપ્રધાન મોદીનો રાજકીય કાર્યક્રમ બનાવી દીધો છે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરી દીધું છે. તેમણે કહ્યું કે- તેઓ રામ મંદિરના સમારંભમાં નહીં જાય. જેની પાછળનું કારણ જણાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે- 22 જાન્યુઆરીની ઈવેન્ટ રાજનીતિક કાર્યક્રમ છે. અમે તમામ ધર્મોના લોકો સાથે છીએ. મારે ધર્મના નામે કોઈ ફાયદો નથી ઉઠાવવો. જોકે અમારી પાર્ટી અને ગઠબંધનમાંથી જે લોકો પણ ત્યાં જવા ઈચ્છે છે, જઈ શકે છે પરંતુ અમે રાજનીતિક ઈવેન્ટમાં નહીં જઈએ.

રાહુલ ગાંધીએ ઈશારા-ઈશારામાં સ્પષ્ટ કહ્યું કે, ‘હું કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન અયોધ્યા નહી જાઉ. હું યાત્રાના રૂટ પર જ રહીશ. હાલ ન્યાય યાત્રાના રૂટમાં અયોધ્યા નથી.’

રાહુલ ગાંધીએ કહ્યું કે, આ સંઘ અને ભાજપનો પ્રોગ્રામ બની ગયો છે. હિન્દૂ ધર્મના મુખ્ય લોકોએ પણ રામ મંદિરના ઉદઘાટન કાર્યક્રમ અંગે સવાલ કર્યા છે કે, 22મીનો કાર્યક્રમ ચૂંટણી લક્ષી થઈ ગયો છે, તેથી કોંગ્રેસે ન જવાનો નિર્ણય કર્યો છે. અમે તમામ ધર્મોનું સન્માન કરીએ છીએ. આ ઉપરાંત રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો હતો કે ભારત ગઠબંધન ભાજપનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.