પ્રસાદ તરીકે તમામ અતિથિઓને દેશી ઘીમાં બનેલા ખાસ મોતીચૂરના લાડુ પણ અપાશે
‘રામરજ’ની ભેટ પ્રાણ પ્રતિષ્ઠાને યાદગાર બનાવશે! વિશેષ મહેમાનો માટે ખાસ તૈયારીઓ કરાઇ
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે ઘણી ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં કાર્યક્રમમાં ઉપસ્થિત થનાર મહેમાનોના સ્વાગત માટેની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. સૂત્રો દ્વારા જાણવા મળેલ છે તે મુજબ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થનાર ખાસ મહેમાનોને ભેટમાં ‘રામરજ’ આપવામાં આવશે.
રામ જન્મભૂમિ ટ્રસ્ટે અભિષેક સમારોહમાં આવનાર તમામ મહેમાનોને યાદગાર ભેટ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થનાર ખાસ મહેમાનોને ભેટમાં રામ મંદિરના ખોદકામ દરમિયાન કાઢવામાં આવેલી માટી (રામરજ) આપવામાં આવશે .આ ઉપરાંત દેશી ઘીમાંથી બનાવેલ સ્પેશિયલ મોતીચુર લાડુ પણ તમામ મહેમાનોને પ્રસાદ તરીકે આપવામાં આવશે. રામજન્મભૂમિની માટીને ખાસ બોક્સમાં કાળજીપૂર્વક પેક કરવામાં આવશે. આ પવિત્ર માટીનો ઉપયોગ ઘરના બગીચામાં અથવા કુંડામાં કરી શકાય છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સભ્યો અનુસાર પીએમ મોદીને જૂટની બેગમાં 15 મીટરની રામમંદિરની તસવીર ભેટ કરાશે.
22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ટ્રસ્ટે દેશભરમાંથી 11000થી વધુ લોકોને આમંત્રિત કર્યા છે. આ કાર્યક્રમમાં લગભગ એક લાખ લોકો આવવાની આશા વ્યક્ત કરાઈ છે. જેને લઈને ખાસ સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરનારા અસામાજિક તત્વો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. દિલ્હી પોલીસથી લઈને ઘણી કેન્દ્રીય એજન્સીઓ પણ આ કાર્યને લઈને એલર્ટ પર છે.