સાપુતારા, ધોરડો, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં દારૂની છૂટ મુદ્દે ઋષિકેશ પટેલે આપી જાણકારી
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટનો નિર્ણય જાહેર થયા બાદ હવે સૌથી વધુ ચર્ચા એ વાતની છે કે શું અન્ય ઠેકાણે પણ દારૂબંધીમાં આ જ પ્રકારની છૂટછાટ અપાશે ત્યારે આ જ મુદ્દે રાજ્ય સરકાર તરફથી પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે સંકેત આપવાની સાથે સ્પષ્ટતા પણ કરી છે.
રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની મંજૂરી આપી છે, જેનો વિપક્ષ વિરોધ કરી રહ્યો છે. ગઈ કાલે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી. આ બેઠક પછી રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે,‘કચ્છના ધોરડો, ડાંગના સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં દારૂની છૂટ આપવા અંગે વિચાર-વિમર્શ થઈ રહ્યો છે.’ આ નિવેદન બાદ ફરી રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં છૂટછાટથી વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળશે તેવું કહેવાની સાથે સાથે સરકારના આ નિર્ણયને આવકાર મળી રહ્યો હોવાનો ઋષિકેશ પટેલે કહ્યું છે. એટલુ જ નહીં અન્ય પ્રવાસન સ્થળોએ આ પ્રકારની છૂટછાટ અપાશે કે નહીં અને અપાશે તો ક્યારે તેને લઈ સંકેત પણ આપ્યા છે. પત્રકારોના સવાલ પર સરકારના પ્રવકતા મંત્રીએ સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું કે, સમય પ્રમાણે સરકાર દારૂમાં છૂટ મુદ્દે નિર્ણય લઈ શકે છે.
મીડિયા સાથેના સંવાદમાં ઋષિકેશ પટેલને પ્રશ્ન કરાયો કે, ‘શું રાજ્ય સરકારે અન્ય જિલ્લાના મહત્ત્વના પ્રવાસન સ્થળોએ પણ દારૂની પરમિટ આપવી જોઈએ?’. તેના જવાબમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું હતું કે, ‘હાલ સરકાર માત્ર ગિફ્ટ સિટી મામલે નિર્ણય જાહેર કર્યો છે પરંતુ આગામી દિવસોમાં સરકાર આ અંગે વિચારણા કરશે. કચ્છ, સાપુતારા સહિત કેવડિયા અને અન્ય મહત્ત્વના પ્રવાસન સ્થળોએ સરકાર આવો નિર્ણય કરી શકે છે. જોકે હાલ આ મામલે કોઇ ચર્ચા નથી કરાઈ પણ રાજ્ય સરકાર ગુજરાતના વધુ મહત્ત્વના પ્રવાસન સ્થળો કે જ્યાં વિદેશીઓ સહિત અન્ય રાજ્યોના લોકો આવે છે ત્યાં દારૂ પીવાની મંજૂરી આપી શકે છે.
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ પર મુક્તિ આપવામાં આવી છે. જેના અંગે ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગિફ્ટ સિટીમાં CMના માર્ગદર્શનમાં એડવાઇઝરી જાહેર થશે. તેમજ તેના અનુસાર પગલાં ભરવામાં આવશે. જેમાં કાયદાનું પાલન થાય તેની પર પણ નજર રહેશે.
આ ઉપરાંત ઋષિકેશ પટેલે આગામી દિવસોમાં યોજવા જઈ રહેલા વાયબ્રન્ટ સમિટમાં ટેસ્લાના આગમન અંગે કહ્યું કે, ટેસ્લા માટે ગુજરાત ખૂબ આશાવાદી છે. એલન મસ્કનું પહેલું ડેસ્ટિનેશન છે, ગુજરાત. ગુજરાત એમના મનમાં બેસેલું છે. તેમણે ઉમેર્યું કે, જ્યારે જગ્યા શોધવાની વાત કરવામાં આવે ત્યારે ગુજરાત પ્રાથમિકતામાં આવે છે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાના રાજ્ય સરકારના આ નિર્ણયનો વિપક્ષ દ્વારા ખૂબ વિરોધ કરાઈ રહ્યો છે. આ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ગુજરાતમાં પાછલા બારણે દારૂબંધી દૂર કરવાનો નિર્ણય ઘાતક અને દુઃખદ છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી હું વ્યથિત છું. દારૂબંધીના કારણે જ ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. દારૂબંધીના કારણે રાત્રે બે-ત્રણ વાગ્યે દીકરી એકલી ઘરે જઈ શકે છે. તો ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું કે, દારૂડિયાને છૂટ આપવા અને બુટલેગરોને મોટો ધંધો થાય તે માટે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવી તે નિંદનીય છે. કોઈ માણસ ગુનો કરશે, કોઈને નુકસાન કરશે, નશામાં પકડાશે તો સમગ્ર ગુજરાતમાં એક જ વાત આવશે કે અમે ગિફ્ટી સિટીમાં દારૂ પીધો.