દ્વારકામાં દરિયાની અંદરનો નજારો, દરિયાઇ જીવ સૃષ્ટિને ખૂબજ નજીકથી નિહાળી શકશે, સબમરીન પ્રૉજેક્ટને શરૂ કરવામાં આવશે
પ્રવાસન માટે સબમરીનનો ઉપયોગ એ દેશનો પ્રથમ પ્રયોગ હશે
ગુજરાતમાં આવેલ દ્વારકાધિશની નગરી દ્વારકાને સિગ્નેચર બ્રિજ બાદ વધુ એક સોપાન મળવા જઇ રહ્યું છે. દ્વારકાધિશની નગરીમાં આવતા પ્રવાસીઓ ભગવાન શ્રી કૃષ્ણની દરિયામાં ડુબેલી દ્વારકા નગરીના પણ હવે દર્શન થઇ શકશે. આ માટે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ માહિતી મળી છે કે, દ્વારકા નગરી જે હાલમાં દરિયામાં ડુબી ચૂકી છે, જેના દર્શન કરવા માટે હવે સબમરીન પ્રૉજેક્ટને શરૂ કરાશે, આ માટે ગુજરાત સરકાર સાથે એક કંપનીએ એમઓયૂ સાઇન કર્યા છે, આની ઓફિશિયલ જાહેરાત આગામી વાઇબ્રન્ટ સમિટમાં કરવામાં આવશે. સબમરીનના પ્રોજેક્ટ માટે આ કંપની દ્વારા અંદાજે 150 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટને પીપીપી મોડલ તરીકે અમલમાં મુકવામાં આવશે. આ પ્રોજેક્ટને શરૂ થતાં 6 થી 7 મહિના જેટલો સમય લાગી શકે છે.
દ્વારકાને મળનારા આ નવા પ્રવાસન સ્પોટ અંગે પ્રવાસનમંત્રીએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે મઝગાંવ ડોક શિપયાર્ડ સાથે રાજ્ય સરકાર દ્વારા એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ દ્વારકા કોરિડોરના એક ભાગ સમાન છે. આ સબમરીન માટે બેટ દ્વારકા પાસે એક જેટીનું નિર્માણ કરવામાં આવી શકે છે. દર્શનાર્થીઓ અરબી સમુદ્રમાં 300 ફૂટ નીચે જઇને સબમરીનમાં જઈને દર્શન થશે. સબમરીનમાં મેડિકલ કિટ સહિતની તમામ સુવિધા આપવામાં આવશે. ખાસ વાત છે કે, દિવાળી સુધીમાં ડૂબેલી દ્વારકાના દર્શનની સેવા શરૂ થવાનો અંદાજ છે. ડૂબેલી દ્વારકાના દર્શન માટે બેથી અઢી કલાકનો દરિયાની અંદરનો પ્રવાસ રહેશે. આ એક ટ્રીપમાં 24 દર્શનાર્થી અને 6 ક્રૂ મેમ્બર સફર કરી શકશે. પ્રવાસન માટે સબમરીનનો ઉપયોગ દ્વારકામાં દેશનો પ્રથમ પ્રયોગ હશે.
સબમરીન થકી પ્રવાસીઓ દ્વારકાના દરિયાનો અંદરનો નજારો, દરિયાઇ જીવ સૃષ્ટિને ખૂબજ નજીકથી નિહાળી શકશે. સબમરીનમાં વીડિયો કોન્ફરન્સિંગ, દૂરસંચાર વ્યવસ્થા હશે. માહિતી પ્રમાણે દરિયામાં 100 મીટર સુધી નીચે આ પન્ડુગી જઇ શકશે. બેઠક વ્યવસ્થામાં બે રો હશે. જેમાં એક રોમાં 12 લોકોનું સિટીંગ એરેજમેન્ટ હશે અને દરેક સીટ પર વિન્ડો હશે. એટલે કે પ્રવાસીઓ સબમરીનમાંથી બન્ને તરફ દરિયાઇ સુંદરતાનો આનંદ માણી શકશે.
ગુજરાત પાસે 1600 કિ.મી.નો દરિયા કિનારો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આ દરિયાઇ વિસ્તારને એક પ્રવાસન સ્થળ, બિઝનેસ હબ તરીકે વિકસાવવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. જેમાં સોમનાથ અને દ્વારકા આધ્યાત્મિક, ધાર્મિક અને પ્રવાસન સ્થળ તરીકે માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત અને વિશ્વમાં જાણીતું છે. સરકાર દ્વારા સતત એવા પ્રોજેક્ટને અહીં આકાર આપવામાં આવી રહ્યો છેકે, વધુમાં વધુ પ્રવાસીઓ આ દિવ્ય સ્થળની ભવ્યતાને માણી શકે.
કેન્દ્રીય મંત્રાલય દ્વારા ઐતિહાસિક મંદિરોનું વિકાસ કાર્ય શરૂ કરવામાં આવ્યુ છે, જેમાં નવી ઓળખ કરાયેલાં સ્થાનોમાં તમિલનાડુનાં 8 મંદિરો, મહારાષ્ટ્ર અને બિહારનાં 3-3 મંદિરોનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ હેઠળ ભારતની પ્રાચીન અને ઐતિહાસિક ધરોહરને સાચવવાનું કામ કરી રહી છે, હવે આ કડીમાં પ્રસાદ યોજના અંતર્ગત મહેસાણાના એક મંદિરનો પણ જીર્ણોધ્ધાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે હાલમાં જ દેશના કેટલાક ઐતિહાસિક મંદિરોની એક યાદી તૈયાર કરી છે, જેનો વિકાસ કરવામાં આવનારો છે.