ગીતા જયંતી પર શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: 2024 નવા શૈક્ષણિક સત્રથી અભ્યાસમાં આવરી લેવાશે
શિક્ષણ વિભાગ દ્વારા આજે પુસ્તકનું કરાયું વિમોચન, ગીતાના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તક તૈયાર
આજે સમગ્ર દેશમાં ગીતા જંયતિની ઉજવણી થઈ રહી છે ત્યારે ગીતા જયંતીના અવસરે ગુજરાતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. “ભગવદ્ ગીતા”ના મૂલ્યવાન ગ્રંથનું જ્ઞાન શાળાના બાળકોને મળે માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારની તમામ શાળાઓમાં ધોરણ 6 થી 8 માં “ભગવદ્ ગીતા” ભણાવવામા આવશે. જેના માટેનો અભ્યાસક્રમ આજે જાહેર કરવામાં આવ્યો છે.
સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ભણશે હવે ‘ભગવદ્ ગીતા’ના પાઠ
ગુજરાતમાં આજે તા. 22 ડિસેમ્બરના રોજ શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત, આજે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને પ્રફુલભાઈ પાનસેરિયાએ આ મુદે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે. શ્રીમદ “ભગવદ્ ગીતા”ના સિદ્ધાંતો અને મૂલ્યોને બાળકોના જીવનમાં ઉતારવા માટે “ભગવદ્ ગીતા”ને શાળાનાં અભ્યાસ ક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્રારા આજે “ભગવદ્ ગીતા”ના સંસ્કૃત શ્લોક, ગુજરાતી ભાષાંતર, સચિત્ર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. આગામી વર્ષ 2024 નવા શૈક્ષણિક સત્રથી તમામ સરકારી શાળાઓમાં ધોરણ 6થી8 માં આ પુસ્તક અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે. જેની કાયદેસર પરીક્ષા પણ લેવાશે.
ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધો.૯ અને ૧૦ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠયપુસ્તકમાં પ્રાકૃતિક ખેતી વિષયક પ્રકરણનો સમાવેશ કરાયો છે અને હવે આગામી શૈક્ષણિક વર્ષથી ધો.૧૧માં પણ પ્રાકૃતિક ખેતીના પ્રકરણનો સમાવેશ કરાશે, તેમ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું.
પ્રાકૃતિક ખેતી વિષે તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ જૈવિક કૃષિથી અલગ પ્રકારની છે, પ્રાકૃતિક કૃષિ એ ગાય આધારિત કૃષિ છે, જેમાં ભારતીય ઓલાદની દેશી ગાયના ગૌમૂત્ર, ગોબર ધન થકી જીવામૃત, ધનામૃત તૈયાર કરીને તેનો ઉપયોગ કરીને ઝીરો ખર્ચે ઉત્પાદન મેળવવામાં આવે છે, પ્રાકૃતિક કૃષિમાં રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓના ઉપયોગ વિના માત્ર ગાય આધારિત ખેતી કરવામાં આવે છે, જેમાં ઓછા ખર્ચે અનેક ફાયદા છે.
નોંધનીય છે કે, “ભગવદ્ ગીતા” એક એવો ગ્રંથ છે, જે દરેક યુગમાં એટલો જ ઉપયોગી અને સાત્વત છે. જીવન મૂલ્યોના પાઠ ભણાવતા આ ગ્રંથને અભ્યાસ ક્રમમાં સામેલ કરીને બાળકોમાં જીવનના મૂલ્યો અને કર્મના સિધ્ધાતને દ્રઢ કરવોનો ઉદેશ છે. બાળકના સર્વાગી વિકાસ માટે ગીતાનું આ પુસ્તક 2024 નવા શૈક્ષણિક સત્રથી શાળાઓમાં પૂરક પુસ્તક તરીકે મુકાશે.
પૂર્વ શિક્ષણમંત્રી જિતુભાઈ વાઘાણીએ પણ ગત 17 માર્ચે જાહેરાત કરી હતી કે “શ્રીમદ્ ભગવદ્ ગીતા”નો અભ્યાસક્રમમાં સમાવેશ કરાશે. શૈક્ષણિક વર્ષ 2022-23થી શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો સમાવેશ કરવાની વાત પણ જાહેરાતમાં કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને જ્ઞાન આધારિત શિક્ષણ મળે તેવી નીતિ અમલમાં મુકવામાં આવી હતી. જેથી શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને મૌખિક એન લેખિત મળેલા વારસો આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં “ભગવદ્ ગીતા”ના ભાગ 1,2 અને 3નું બાળકોને વિતરણ કરવામાં આવશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં શિક્ષણ વ્યવસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદર્શિત કરતા મૂળભૂત સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. આ પૈકી એક સિદ્ધાંત વિદ્યાર્થીઓમાં ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર, પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિ તથા જ્ઞાન પ્રણાલીઓ તેમજ પરંપરાએ પ્રત્યે ગર્વ અને જોડાણની લાગણી અનુભવે તેવો પ્રયાસ કરવા પર ભાર મૂકે છે. આ અનુસંધાને રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિનું જોડાણ થાયે તે જરૂરી છે.