શરાબ કૌભાંડ મામલે 2 ડિસેમ્બરે નોટિસ મોકલી હતી પરંતુ તેઓ ED સમક્ષ હાજર થયા ન હતા
દિલ્હી લીકર સ્કેમ પોલીસીને લઇને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને EDએ પૂછપરછ માટે બીજી વાર સમન્સ મોકલ્યું છે તેમજ 21 ડિસેમ્બરે પૂછપરછ માટે હાજર થવાનું કહ્યું છે. આ પહેલા કેજરીવાલની પૂછપરછ માટે EDએ 2 ડિસેમ્બરે નોટિસ મોકલી હતી. આ પહેલા કેજરીવાલની પૂછપરછ માટે EDએ 2 ડિસેમ્બરે નોટિસ મોકલી હતી. પરંતુ અરવિંદ કેજરીવાલે નોટિસ ગેરકાયદે બતાવીને નોટિસ પરત લેવાની માગ કરી હતી. તે સાથે જ તેઓ ED સમક્ષ હાજર થયા ન હતા.
આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓ દારૂ કૌભાંડ કેસમાં જેલના સળિયા પાછળ છે. આ નેતાઓમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા તેમજ પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ પણ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ બંને નેતાઓને કોર્ટમાંથી પણ રાહત મળી શકી નથી. આ કેસમાં અત્યાર સુધીમાં 22થી વધુની ધરપકડ કરવામાં આવી છે જ્યારે 3 આરોપીઓ સરકારી સાક્ષી બન્યા છે. EDની પૂછપરછમાં બૂચીબાબુ અને આરોપ અરુણ પિલ્લઈએ ખુલાસો કર્યો કે તેઓ એક્સાઈઝ પોલિસીને લઈને કેજરીવાલ અને સિસોદિયાની સાથે મળીને કામ કર્યું હતું. સાથે જ આરોપી વિજય નાયરે વીડિયો કોલની મદદથી કેજરીવાલ અને પકડાયેલા આરોપી સમીર મહેન્દ્રૂ વચ્ચે પણ વાત કરી હતી. આ દરમિયાન કેજરીવાલે સમીરને કહ્યું હતું કે- વિજય તેમનો માણસ છે અને તેના પર તેણે વિશ્વાસ રાખવો જોઈએ. આમ જોતા અન્ય આરોપીઓની પૂછપરછના આધારે ED કેજરીવાલને સવાલ-જવાબ કરવા માંગે છે.
અરવિંદ કેજરીવાલને સમન્સ એવા સમયે મોકલાવ્યું છે, જ્યારે તેઓ વિપશ્યના કેન્દ્ર જવાના છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના અનુસાર, શનિવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 10 દિવસ વિપશ્યના ધ્યાન કાર્યક્રમમાં સામેલ થશે. અધિકારીઓએ કહ્યું કે, કેજરીવાલ દિલ્હી વિધાનસભાના શિયાળુ સત્ર સમાપ્ત થયાના એક દિવસ બાદ 19 ડિસેમ્બરે રાષ્ટ્રીય રાજધાનીથી રવાના થશે. મુખ્યમંત્રી લાંબા સમયથી વિપશ્યનાનો અભ્યાસ કરી રહ્યા છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં બેંગલુરુ અને જયપુર સહિત કેટલાક સ્થળો પર જઈ ચૂક્યા છે.
કેજરીવાલને સમન્સ પાઠવતા આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે કહ્યું કે, આ કેસ સમગ્ર રીતે નકલી કેસ છે. આ કેસમાં કંઈ પણ નથી. વડાપ્રધાન મોદીને કોઈ પણ સવાલ કરે છે તો તેની ધરપકડ કરાવે છે. વડાપ્રધાન મોદી અરવિંદ કેજરીવાલથી નફરત કરે છે અને સૌથી વધુ ડરે છે. તેમની સામે કોઈ સરેન્ડર કરે છે તો તેને ક્લીન ચિટ આપી દે છે. અરવિંદ કેજરીવાલ વિપશ્યનામાં જવાના છે અને વકીલ નોટિસ વાંચી રહ્યા છે. આગળ જોઈએ શું થાય છે.
કેજરીવાલને કેમ બોલાવવામાં આવ્યા?
દિલ્હીના CM કેજરીવાલને EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત સમન મોકલ્યું છે. EDની ચાર્જશીટમાં અનેક વખત કેજરીવાલનું નામ લેવાયું છે. આરોપ છે કે જ્યારે એક્સાઈઝ પોલિસી 2021-22 તૈયાર કરવામાં આવી રહી હતી ત્યારે અનેક આરોપી કેજરીવાલના સંપર્કમાં હતા. EDએ એક ચાર્જશીટમાં દાવો કર્યો કે એજન્સીએ ભારત રાષ્ટ્ર સમિતિની નેતા કે. કવિતાના એકાઉન્ટન્ટ બુચીબાબૂનું નિવેદન નોંધાવ્યું હતું, તેમાં તેમણે જણાવ્યું હતું કે કે.કવિતા, કેજરીવાલ અને મનીષ સિસોદિયાની વચ્ચે રાજનીતિક સમજ હતી. આ દરમિયાન કવિતાએ માર્ચ 2021માં વિજય નાયર સાથે પણ મુલાકાત કરી હતી. આ મામલે વધુ એક આરોપી દિનેશ અરોડાએ પણ EDને જણાવ્યું કે તેમણે કેજરીવાલ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. EDનું કહેવું છે કે વાઈએસઆર કોંગ્રેસના સાંસદ મંગુટા શ્રીનિવાસુલુ રેડ્ડી અને કેજરીવાલ વચ્ચે અનેક મીટિંગ્સ થઈ હતી. મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હીના શરાબ વ્યવસાયમાં રેડ્ડીની એન્ટ્રીનું સ્વાગત કર્યું હતું.
શું હતી નવી શરાબ નીતિ?
22 માર્ચ 2021નાં રોજ મનીષ સિસોદિયાએ નવી શરાબ નીતિની જાહેરાત કરી હતી. 17 નવેમ્બર, 2021નાં રોજ નવી શરાબ નીતિ એટલે કે એક્સાઈઝ પોલિસી 2021-22 લાગુ કરી દીધી હતી. નવી શરાબ નીતિ આવ્યા બાદ સરકાર શરાબના વેપારમાંથી બહાર થઈ ગઈ હતી અને તમામ શરાબની દુકાનો ખાનગી હાથોમાં જતી રહી હતી. નવી નીતિ લાવવાની પાછળ સરકારનો તર્ક હતો કે તેનાથી માફિયા રાજ ખતમ થશે અને સરકારની રેવેન્યૂમાં વધારો થશે. જો કે નવી નીતિ શરુઆતથી વિવાદોમાં રહી. જ્યારે બબાલ વધી ત્યારે 28 જુલાઈ, 2022નાં રોજ સરકારે નવી શરાબ નીતિ રદ કરી ફરી જૂની પોલિસી લાગુ કરી દીધી હતી.
ગત નોટિસ પર આપે શું કહ્યું હતું?
લિકર પોલિસી કેસ મામલે પોતાના નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહીને આપ રાજકીય ષડયંત્ર બતાવી રહી છે. આપનું કહેવું છે કે, ભાજપ રાજકીય બદલા માટે પાર્ટીને ખતમ કરવા માંગે છે. ગત વખત જ્યારે મુખ્યમંત્રી કેજરીવાલને ઈડીએ નોટિસ મોકલી તો આપએ કહ્યું હતું કે, જેલ મોકલવાનું ષડયંત્ર છે. અમે જેલથી જ દિલ્હીમાં સરકાર ચલાવીશું. તેના માટે પાર્ટી કેમ્પેઈન પણ શરું કર્યું.