‘વિજય દિવસ’ પર PM મોદીએ 1971ના યુદ્ધના બહાદુર જવાનોને આપી શ્રદ્ધાંજલી કહ્યુ ભારત તેમના સાહસને સલામ કરે છે

vijay diwas

પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં ‘વિજય દિવસ’ પર ભારતીય નાયકોને શ્રદ્ધાંજલી આપી વડાપ્રધાને ‘X’ પર પોસ્ટમાં કહ્યું, “બહાદુરી અને સમર્પણ રાષ્ટ્ર માટે ખૂબ જ ગર્વની વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં ‘વિજય દિવસ’ પર ભારતીય નાયકોને શ્રદ્ધાંજલી આપી હતી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “તેમની બહાદુરી અને સમર્પણ રાષ્ટ્ર માટે ખૂબ જ ગર્વનો વાત છે. તેમના બલિદાન અને અતૂટ ભાવના હંમેશા લોકોના હૃદયમાં અને આપણા દેશના ઇતિહાસમાં નોંધવામાં આવશે.” તેમણે કહ્યું કે ભારત આ નાયકોની હિંમત અને સાહસને સલામ કરે છે અને તેમની અદમ્ય ભાવનાને યાદ કરે છે. વડાપ્રધાને કહ્યું, “આજે ‘ વિજય દિવસ’ પર અમે તમામ બહાદુર નાયકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરીયે છીએ જેમણે 1971 માં ભારતની નિષ્ઠાપૂર્વક સેવા કરી, જેના કારણે નિર્ણાયક વિજય થયો.”

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ X પર એક પોસ્ટમાં ‘વિજય દિવસ’ના અવસર પર “અપ્રતિમ હિંમત” દર્શાવવા અને “ઐતિહાસિક વિજય” હાંસલ કરવા માટે સશસ્ત્ર દળોના જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. “1971ના યુદ્ધ દરમિયાન આપણા સશસ્ત્ર દળોએ આપેલા નિઃસ્વાર્થ બલિદાનને રાષ્ટ્ર કૃતજ્ઞતા સાથે યાદ કરે છે. વિજય દિવસ પર, હું એવા બહાદુરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે અપ્રતિમ હિંમત દર્શાવી અને ઐતિહાસિક જીત હાંસલ કરી.

વિજય દિવસ પર નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, નૌકાદળના વડા આર. હરિ કુમાર અને વાયુસેનાના વાઇસ ચીફ એર માર્શલ અમર પ્રીત સિંહ આ પ્રસંગે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પી.

વિજય દિવસ પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શ્રદ્ધાંજલિ અર્પી

નોંધનીય છે કે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાને 16 ડિસેમ્બરે ઢાકામાં ભારતને આત્મસમર્પણના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા. તે યુદ્ધમાં ભારતીય સેનાની બહાદુરી સામે પાકિસ્તાનના 93 હજારથી વધુ સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું. ભારતમાં દર વર્ષે 16મી ડિસેમ્બરની એ જ તારીખને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

વિજય દિવસ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ (બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ)માં પાકિસ્તાની સેના પર ભારતીય સશસ્ત્ર દળો ઈન્ડિયન આર્મીની જીતની યાદમાં ઉજવવામાં આવે છે.

કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. ‘X’ પર એક પોસ્ટમાં, મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “અમે અમારા સશસ્ત્ર દળો અને મુક્તિ બહિનીના અદમ્ય સાહસ, બહાદુરી અને સંકલ્પને નમન કરીએ છીએ.” “1971 માં આજે વિશ્વની ભૂગોળ બદલાઈ ગઈ છે, કારણ કે આપણા બહાદુર ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનને હરાવીને બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું હતું. ઈન્દિરા ગાંધીના ગતિશીલ અને નિર્ણાયક નેતૃત્વ હેઠળ માનવતા માટે આ એક મહત્વપૂર્ણ પ્રસંગ હતો. અમે અમારા સશસ્ત્ર દળો અને મુક્તિ બહિનીના અદમ્ય સાહસ, બહાદુરી અને સંકલ્પને નમન કરીએ છીએ, ”કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું.