રોહિત શર્માની જગ્યાએ હવે હાર્દિક પંડ્યા બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન

hardik-pandya

મુંબઈ ઈન્ડિયન્સે રોહિતના યોગદાન બદલ માન્યો આભાર
સૌથી સફળ કેપ્ટન એવા રોહિત શર્મા વર્ષ 2013થી મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો કેપ્ટન હતા

મુંબઈ ઈન્ડિયન્સે આજે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. IPLની આગામી સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. હાર્દિક હાલમાં જ ગુજરાત ટાઈટન્સમાંથી ટ્રેડ થઈને મુંબઈ ઈન્ડિયન્સ આવ્યો હતો. 2015થી 2021 સુધી હાર્દિક મુંબઈનો જ ભાગ હતો. ફ્રેન્ચાઈઝીએ ટીમને 5 વખત ચેમ્પિયન બનાવનાર કેપ્ટન રોહિત શર્માને તેના પદ પરથી હટાવી દીધો છે. રોહિત શર્મા વર્ષ 2013થી એટલે કે છેલ્લા 10 વર્ષથી ટીમની કમાન સંભાળી રહ્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સે આજે આગામી 2024 સીઝન માટે સૌથી સફળ કેપ્ટન એવા રોહિત શર્માને કેપ્ટન પદેથી હટાવી દેવાયા છે. રોહિત શર્માની જગ્યાએ હવે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સંભાળશે. રોહિત શર્માના આ શાનદાર યોગદાન માટે મુંબઈ ઈન્ડિયન્સે તેનો આભાર માન્યો છે. જોકે, બીજી તરફ MI અને રોહિત શર્માના ફેન્સ નારાજ થતા જોવા મળી રહ્યા છે. ‘X’ પોસ્ટ પર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને કહી રહ્યા છે કે, ખુબ જ ખરાબ નિર્ણય.

મુંબઈ ઈન્ડિયન્સનાં હેડ કોચ મહેલા જયવર્ધને કહ્યું હતું કે “અમે રોહિત શર્માને તેમના અસાધારણ નેતૃત્વ માટે આભાર વ્યક્ત કરીએ છીએ. 2013 થી મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકેનો તેમનો કાર્યકાળ ખુબ સારો રહ્યો. તેમના નેતૃત્વએ માત્ર ટીમને અપ્રતિમ સફળતા જ નથી અપાવી પરંતુ ટીમને પણ મજબૂત કરી છે. IPLના ઈતિહાસના શ્રેષ્ઠ કેપ્ટનોમાંના તેમના માર્ગદર્શન હેઠળ MIની ટીમ અત્યાર સુધીની સૌથી સફળ અને પ્રિય ટીમોમાંની એક બની. અમે MIને વધુ મજબૂત કરવા માટે મેદાન પર અને મેદાનની બહાર તેમના માર્ગદર્શન અને અનુભવની રાહ જોઈશું.

વધુમાં તેમણે કહ્યું હતું કે આ ટીમ નિર્માણનો એક ભાગ છે. સારા ભવિષ્ય માટે સત્યને વળગી રહેવું તે મુંબઈ ઈન્ડિયનની ફિલસૂફી છે. મુંબઈ ઈન્ડિયન્સને હંમેશા સચિનથી લઈને હરભજન અને રિકીથી લઈને રોહિત સુધીના અસાધારણ નેતૃત્વનો આશીર્વાદ મળ્યો છે, જેમણે તાત્કાલિક સફળતામાં યોગદાન આપતી વખતે હંમેશા ભવિષ્ય માટે ટીમને મજબૂત કરવા પર નજર રાખી છે. આ ફિલસૂફીને ધ્યાનમાં રાખીને હાર્દિક પંડ્યા IPL 2024ની સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની કપ્તાની સંભાળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સીઝનમાં હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હતો. હાર્દિક પંડયા પણ કેપ્ટન તરીકે IPLનો ખિતાબ જીતી ચુક્યો છે. 2022માં ગુજરાત ટાઈટન્સે હાર્દિકની કેપ્ટનશિપમાં પહેલી વખત રમતા, ટાઈટલ પોતાના નામે કર્યું હતું. જોકે ત્યારબાદ હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સના સંપર્કમાં હતો. ODI World Cup 2023 પહેલા જ તેના અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે વાતચીત થઇ ગઈ હતી. ત્યારબાદ તે સત્તાવાર રીતે મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં સામેલ થઈ ચૂક્યો હતો. ત્યારબાદ એ પ્રશ્ન હતો કે શું મુંબઈ ઇન્ડિયન્સનું નેતૃત્વ રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યા કરશે કે પછી મુંબઈ ઇન્ડિયન્સે રોહિતને રિલીઝ કરવાનું વિચાર્યું છે ? જોકે, હવે જાહેર થઈ ચૂક્યું છે કે, મુંબઈની ટીમની કમાન હાર્દિક પંડ્યા સંભાળશે. મહત્વનું છે કે, રોહિત શર્માએ 5 વખત મુંબઈને ચેમ્પિયન બનાવ્યું છે.