T20Iમાં સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર બીજો ભારતીય
સૂર્યકુમાર યાદવ પહેલા વિરાટ કોહલીએ T20Iમાં ભારત માટે સૌથી ઝડપી 2000 રન પૂરા કર્યા હતા
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર T20 સિરીઝ રમી રહી છે. સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ થયા બાદ બીજી ટી20 મેચ ગકેબરહાના સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાઈ રહી છે. જેમાં પ્રથમ બેટિંગ કરીને સૂર્યાએ 36 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ T20માં સૌથી ઝડપી 2000 રન બનાવનાર “મેન ઇન બ્લુ”નો બીજો ખેલાડી બન્યો હતો. આ સિવાય તે ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો હતો.
સૂર્યકુમાર યાદવ પહેલા વિરાટ કોહલીએ T20Iમાં ભારત માટે સૌથી ઝડપી 2000 રન પૂરા કર્યા હતા. T20Iમાં સૌથી ઝડપી 2000 રન બનાવનારની યાદીમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ ટોપ પર(નંબર 1) છે. બાબર આઝમે 52 ઇનિંગ્સમાં સૌથી ઝડપી 2000 રન પૂરા કર્યા હતા. આ યાદીમાં બાબર આઝમ બાદ પાકિસ્તાનનો વિકેટકીપર તેમજ બેટ્સમેન મોહમ્મદ રિઝવાન છે, તેણે પણ 52 ઇનિંગ્સ રમીને 2000 રન પૂરા કર્યા હતા. ત્યારબાદ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી 56 ઈનિંગ્સમાં 2000 રન બનાવી બીજા ક્રમે છે. સૂર્યકુમાર યાદવ પણ 56 ઈનિંગ્સમાં 2000 રન બનાવી સંયુક્ત રીતે બીજા ક્રમે પહોંચ્યા છે. જ્યારે કેએલ રાહુલ ત્રીજા ક્રમે છે, રાહુલે 58 ઈનિંગ્સમાં 2000 રન બનાવ્યા છે.
સૂર્યાએ કેએલ રાહુલને હરાવ્યો છે. સૂર્યાએ 56 T20 ઇનિંગ્સમાં 2000 રન પૂરા કર્યા, જ્યારે કેએલ રાહુલે 58 ઇનિંગ્સમાં આ આંકડો સ્પર્શ કર્યો. જ્યારે વિરાટ કોહલીએ T20Iમાં 56 ઇનિંગ્સ રમીને 2000 રન પૂરા કર્યા, જે સૂર્યકુમાર યાદવની બરાબર છે.
T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ 107 ઈનિંગ્સમાં 4008 રન બનાવ્યા છે. રોહિત શર્મા 140 ઈનિંગ્સમાં 3853 રન ફટકારી T20Iમાં ભારત માટે બીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. કેએલ રાહુલે 68 ઈનિંગ્સમાં 2256 રન બનાવી ત્રીજા ક્રમે અને સૂર્યકુમાર યાદવ 56 ઈનિંગ્સમાં 2000 રન ફટકારી ચોથા ક્રમે પહોંચી ગયો છે.