‘હું જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના લોકોને ખાતરી આપવા માગુ છું કે તમારા સપનાને સાકાર કરવાની અમારી પ્રતિબદ્ધતા અડીખમ છે’: પીએમ મોદી
જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 હઠાવવાના નિર્ણયની કાયદાકીય યોગ્યતા પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. જમ્મુ અને કાશ્મીરમાંથી બંધારણની કલમ 370ની જોગવાઈઓને રદ કરવાના કેન્દ્ર સરકારના 2019નો નિર્ણય યથાવત રાખ્યો છે અને કહ્યું છે કે કલમ 370 એક અસ્થાયી વ્યવસ્થા હતી. જમ્મુ અને કાશ્મીરની સાર્વભૌમત્વ ભારતમાં જોડાતાની સાથે જ ખતમ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્ય સાથે સંબંધિત કલમ 370 નાબૂદ કરવાના સરકારના નિર્ણયને યથાવત રાખવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકારતા કહ્યું કે આ નિર્ણય સાબિત કરે છે કે કેન્દ્ર સરકારનો નિર્ણય ‘સંપૂર્ણપણે ન્યાયી’ હતો અને ‘બંધારણીય’ હતો. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પર પીએમ નરેન્દ્ર મોદીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરતાં ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ લખ્યું છે કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઐતિહાસિક છે જેને લીધે સરકારના નિર્ણયને બંધારણીય સમર્થન મળ્યું છે. સુપ્રીમના નિર્ણયને ઐતિહાસિક અને આશાનું કિરણ અને ઉજ્જવળ ભવિષ્યનું વચન ગણાવ્યો છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર લખ્યું છે કે, આર્ટીકલ 370ની નાબૂદી પર આજનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઐતિહાસિક છે અને 5 ઓગસ્ટ 2019ના રોજ ભારતની સંસદ દ્વારા લેવામાં આવેલ નિર્ણયને સંવૈધાનિક રૂપે સ્થાયી રાખે છે. આ જમ્મુ કાશ્મીર અને લદાખમાં આપણી બહેનો અને ભાઈઓ માટે આશા, પ્રગતિ અને એકતાની શાનદાર જાહેરાત છે. કોર્ટે પોતાના ઊંડા જ્ઞાનથી એકતાના મૂળ સારને મજબૂત કરો છે, જેને આપણે ભારતીય હોવાને નાતે બાકી બધાથી ઉપર પ્રિય માણીએ છીએ.
જમ્મુ કાશ્મીરના લોકોના ઉજ્જવળ ભવિષ્યનો વાયદો કરતાં પીએમ મોદીએ કહ્યું કે, ‘હું જમ્મુ કાશ્મીર અને લદાખના લોકોને આશ્વાસન આપવા માંગુ છું કે તમારા સપના પૂરા કરવા માટે અમારી પ્રતિબદ્ધતા અતૂટ છે. અમે એ પણ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે પ્રગતિનો લાભ ન માત્ર તમારા સુધી પહોંચે, પરંતુ તેનો લાભ આપણાં સમાજના સૌથી નબળા અને હાંસિયામાં ધકેલાઇ ગયેલા વર્ગોને સુધી પણ પહોંચે જે આર્ટીકલ 370ને કારણે પીડિત હતા.
પોસ્ટના અંતમાં પીએમ મોદીએ કહ્યું કે આજનો નિર્ણય ન માત્ર કાનૂની ચુકાદો છે પરંતુ આશાનું કિરણ પણ છે જે ઉજ્જવળ ભવિષ્યનો વાયદો કરે છે અને મજબૂત, વધુ એકજુટ ભારતના નિર્માણના અમારા સામૂહિક સંકલ્પનું ઉદાહરણ છે.
ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પણ આ મામલે એક પોસ્ટ કરી પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે, ‘કલમ 370 અંગે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયનું ભારતીય જનતા પાર્ટી સ્વાગત કરે છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે કલમ 370 અને 35Aને દૂર કરવાના નિર્ણય, તેની પ્રક્રિયા અને ઉદ્દેશ્યને યથાવત રાખ્યો છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની સરકારે જમ્મુ અને કાશ્મીરને દેશની મુખ્ય વિચારધારામાં સામેલ કરવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે, તેના માટે હું અને અમારા કરોડો કાર્યકરો વડાપ્રધાનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.