TMC સાંસદ મહુઆ મોઈત્રાએ લોકસભાની સદસ્યતા રદ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

mahua-moitra

પૈસા લઈને ગૃહમાં સવાલ પૂછવાના કેસમાં TMC સાંસદ મહુઆ મોઇત્રાની લોકસભાની સદસ્યતા રદ કરી દેવામાં આવી હતી

મહુઆએ અરજી દાખલ કરીને પોતાના વિરુદ્ધ એથિક્સ કમિટીની ભલામણ અને ત્યારબાદ લોકસભામાંથી પ્રસ્તાવ પસાર થયો તેને ખોટો ગણાવ્યો

પૈસા લઈને ગૃહમાં સવાલ પૂછવાના કેસમાં તૃણમૂલ કોંગ્રેસની સાંસદ મહુઆ મોઈત્રાની લોકસભાની સદસ્યતા રદ કરવાના નિર્ણયને તેમણે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. કેશ ફોર ક્વેરી એટલે કે, પૈસા લઈને સવાલ પૂછવાના મામલે મહુઆ વિરુદ્ધ કાર્યવાહી કરતા લોકસભાની તેમની સદસ્યતા રદ કરી દેવામાં આવી છે. મહુઆ મોઈત્રાએ પોતાના પર લાગેલા આરોપોનો ઈનકાર કર્યો છે.

મહુઆએ અરજી દાખલ કરીને પોતાના વિરુદ્ધ એથિક્સ કમિટીની ભલામણ અને ત્યારબાદ લોકસભામાંથી પ્રસ્તાવ પસાર થયો તેને ખોટો ગણાવ્યો છે.

મહુઆએ એથિક્સ કમિટીના નિર્ણય બાદ કહ્યું કે કમિટીને તેમની સદસ્યતા રદ કરવાનો કોઈ અધિકાર નથી. તેણે એમ પણ કહ્યું હતું કે, તેણે બિઝનેસમેન હિરાનંદાની પાસેથી કેશ લીધા હોવાના તેમની પાસે કોઈ પુરાવા નથી. આ આરોપ સૌથી પહેલા બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ લગાવ્યો હતો જેના પર કાર્યવાહી કરતા મહુઆની સદસ્યતા રદ કરી દેવામાં આવી. મહુઆએ એમ પણ કહ્યું કે, તેમને હિરાનંદાની અને તેના પૂર્વ પાર્ટનર જય અનંત દેહદરાય સાથે સવાલ-જવાબની પણ તક ન મળી.

લોકસભાની એથિક્સ કમિટીને તેની તપાસમાં જાણવા મળ્યું કે, મહુઆ મોઈત્રાએ બિઝનેસમેન દર્શન હિરાનંદાનીને સંસદીય લોગિન આઈડી-પાસવર્ડ આપ્યો હતો. તેમના દ્વારા આવું કરવાના કારણે દેશની રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો પહોંચ્યો હતો. એથિક્સ કમિટીને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે, લોગિન આઈડી-પાસવર્ડ આપવાના બદલામાં મહુઆને હિરાનંદાની દ્વારા કેશ અને ગીફ્ટ પણ મળ્યા હતા. એથિક્સ કમિટીને પોતાના રિપોર્ટમાં જાણવા મળ્યુ કે, મહુઆનું વર્તન અનૈતિક અને અશોભનીય રહ્યું છે. આ બાબતોને ધ્યાનમાં રાખતા એથિક્સ કમિટીએ મહુઆનું સંસદનું સભ્યપદ રદ કર્યું હતું.