વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરી

Bharat Sankalp Yatra

ઇચ્છા શક્તિથી મોટો બદલાવ આવી શકે છે, 2047 સુધી વિકસિત ભારત બનાવવાનો લક્ષ્ય છેઃ વડાપ્રધાન મોદી
લાભાર્થીઓને યુપીઆઇ પેમેન્ટને વધુ પ્રાધાન્ય આપવા જણાવ્યું, ‘ભણેલા લોકો ખેતીમાં આવે તે ગર્વની વાત’
તમામ મહિલાઓની એક જ જાતિ છે, અમુક લોકો ભાગલા પાડે છે : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઑ, સાંસદો તથા ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા. દેશભરમાંથી હજારો લાભાર્થીઓ, 2000 વિકાસ ભારત સંકલ્પ યાત્રા વાહનો, હજારો કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને સામાન્ય સેવા કેન્દ્રો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા.

વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને પીએમ સ્વનિધિ યોજના સહિતના તમામ યોજનાઓનો લાભ કેવી રીતે મળ્યો તેમજ તેમના જીવનમાં શું બદલાવ આવ્યો તે વિશે વાતચીત કરી હતી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ તમારા સેવકનો પોતાના પરિવાર સુધી પહોંચવાનો પ્રયાસ છે. હું ગાડી દ્વારા તમારા ગામમાં તમારી પાસે આવી રહ્યો છું. હું એટલે આવી રહ્યો છે જેથી તમારો સાથી બની શકું. જેથી તમારી આશા અને અપેક્ષાઓને સમજી શકું. તમારી આશાઓને પૂર્ણ કરવા માટે હું મારી સરકારની તમામ શક્તિ લગાવી દઇશ.

વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમ દરમિયાન ભરૂચના ખેડૂત અલ્પેશભાઇ સાથે વાતચીત કરી હતી. તેમણે વડાપ્રધાનને જણાવ્યુ હતું કે મુંબઇથી નોકરી છોડીને ખેતી કરવા ગામ આવ્યો હતો. નાનો હતો ત્યારે એક લાખની રકમ સાંભળી પણ નહોતી. તેમણે જણાવ્યું કે ભણેલા લોકો ખેતીમાં આવે તે ખૂબ ગર્વની વાત છે. સાથે જ કહ્યુ કે મોદીની ગેરંટીવાળી ગાડી ગામે ગામ જઇ રહી છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ભરૂચના ખેડૂતની દીકરી સાથે પણ વાત કરી હતી.

વધુમાં તેમણે જણાવ્યું કે 2047 સુધી વિકસિત ભારત બનાવવાનો લક્ષ્ય છે. ઇચ્છાશક્તિથી મોટો બદલાવ આવી શકે છે. લોકો વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડાઇ રહ્યા છે. આપણે સાથે મળીને દેશને આગળ લઇ જવાનો છે. દેશ આગળ જશે તો આપણ સૌ આગળ વધીશું તેમ જણાવ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ લાભાર્થીઓને યુપીઆઇ પેમેન્ટને વધુ પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે તમામ મહિલાઓએ એક થઇને રહેવાનું છે. અમુક લોકો મહિલાઓ વચ્ચે પણ તિરાડ ઉભી કરે છે. મહિલાઓમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે. મહિલાઓ એકસાથે મળીને મુશ્કેલીઓને ઉકેલશે. સાથે જ કહ્યું કે મહિલાઓની એક જ જાતિ છે. અને તે છે મહિલા. ગેસ સિલિન્ડર આવી જતા મહિલાઓનો સમય બચે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે મારા માટે તો દેશના ગરીબો જ VIP છે. હાલમાં જ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે જે દર્શાવે છે કે લોકોની મોદીની ગેરંટી પર ભરોસો છે. જે લોકોએ મારી ગેરંટી પર ભરોસો કર્યો છે, તે સૌનો હું આભારી છું. અમુક રાજકીય પાર્ટીઓ હજુ એ વાતને નથી સમજી રહી કે ખોટા વાયદાઓ કરી લેવાથી તમને કશું નહીં મળે.