પૈસા લઈને ગૃહમાં સવાલ પૂછવાના કેસમાં TMC સાંસદ મહુઆ મોઇત્રા લોકસભામાંથી સસ્પેન્ડ, મહુઆ પાસે હવે કયા ઓપ્શન ?

mahua-moitra

મહુઆ મોઈત્રા પર 2 આરોપો… એક – 2019-23 દરમિયાન મહુઆના લોગીનથી સંસદમાં 61 પ્રશ્ન પુછાયા… બીજો – સંસદનો સંવેદનશીલ લોગઈન-પાસવર્ડ અન્ય શખસને આપ્યો

પૈસા લઈને ગૃહમાં સવાલ પૂછવાના કેસમાં આરોપોના સામનો કરી રહેલી તૃણમૂલ કોંગ્રેસની સાંસદ મહુઆ મોઈત્રાએ આજે લોકસભામાંથી સાંસદ પદ ગુમાવવાનો વારો આવ્યો છે. કેશ ફોર ક્વેરી કેસમાં સંડોવાયેલાં TMC સાંસદ મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ સમાપ્ત થઈ ગયું છે. આજે લોકસભામાં મહુઆ મોઈત્રાનો મામલો ગુજ્યો હતો, જેમાં એથિક્સ સમિતિના અહેવાલના આધારે લોકસભા સ્પીકર ઓમ બીરલાએ ધ્વનિમતથી પ્રસ્તાવ પાસ કરી મોઈત્રાની સાંસદ તરીકેનું સભ્યપદ બરખાસ્ત કરી દીધું છે. એથિક્સ કમિટીના રિપોર્ટ બાદ તેમની સદસ્યતા રદ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પછી મતદાન થયું. જોકે મહુઆ મોઇત્રાને સસ્પેન્ડ કરવા માટે ગૃહમાં મતદાન શરૂ થતાં જ વિપક્ષે આનો બહિષ્કાર કર્યો હતો. વિપક્ષ આ નિર્ણયને લોકશાહીની હત્યા કહી રહ્યા છે, તો ભાજપ આરોપ લગાવી રહી છે કે, સાંસદ મહુઆ મોઈત્રાએ વિશેષાધિકારનો ભંગ કર્યો.

મતદાન બાદ લોકસભા સ્પીકરે મહુઆ મોઇત્રા વિરુદ્ધ હકાલપટ્ટીનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. લોકસભામાંથી તેમની હકાલપટ્ટી બાદ મહુઆએ કહ્યું હતું કે લોકસભાની એથિક્સ કમિટીએ મને ઝુકાવવા માટે બનાવેલા પોતાના રિપોર્ટમાં દરેક નિયમ તોડ્યા છે. આ પહેલાં પણ ચર્ચા દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મહુઆ મોઇત્રાને ગૃહમાં બોલવા દીધા ન હતા. તેમણે કહ્યું હતું કે તેમને પેનલની બેઠકમાં બોલવાનો મોકો મળ્યો હતો.

મહુઆ મોઈત્રા પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગર મતવિસ્તારના ટીએમસી સાંસદ હતા. આ દરમિયાન તેમના પર 2 આરોપો લાગ્યા હતા. 2019-23 દરમિયાન મહુઆના લોગીનથી સંસદમાં 61 પ્રશ્ન પુછાયા હોવાનો પ્રથમ આરોપ છે, જ્યારે સંસદનો સંવેદનશીલ લોગઈન-પાસવર્ડ અન્ય શખસને આપ્યો હોવાનો મોઈત્રા પર બીજો આરોપ છે.

શુક્રવારે 8 ડિસેમ્બરે લોકસભામાં રજૂ કરાયેલા એથિક્સ કમિટીના અહેવાલમાં તેમણે મહુઆનું સંસદસભ્યપદ રદ કરવાની ભલામણ કરી હતી અને કાયદાકીય તપાસની માગ કરી હતી. જોકે TMCએ માગ કરી હતી કે 500 પાનાંનો રિપોર્ટ વાંચવા માટે 48 કલાકનો સમય આપવામાં આવે.

સવારે 11 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થઈ હતી, પરંતુ ચાર મિનિટ પછી બપોરે 12 વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. 12 વાગ્યે એથિક્સ કમિટીના ચેરમેન વિજય સોનકરે રિપોર્ટ રજૂ કર્યો. આ મુદ્દે લોકસભામાં ત્રણ વખત હોબાળો થયો હતો. કાર્યવાહી બે વખત સ્થગિત કરવામાં આવી હતી. મહુઆની હકાલપટ્ટી માટે ત્રીજી વખત બપોરે 2 વાગ્યે મતદાન થયું હતું.

રિપોર્ટ આવ્યા બાદ કોણે શું કહ્યું…

  • કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું- આજે તમામ પાર્ટીઓએ મહુઆ વિરુદ્ધ વોટિંગ માટે વ્હિપ જારી કર્યો છે, તેથી અમે માગણી કરીએ છીએ કે ગૃહને સ્થગિત કરવામાં આવે અને તમામ વ્હિપ્સ પાછા ખેંચવામાં આવે.
  • મનીષ તિવારીની દલીલો પર લોકસભા અધ્યક્ષે પૂછ્યું કે તમે સંસદમાં ચર્ચા કરો છો કે કોર્ટમાં. આવું ન કરો, કારણ કે ન તો આ કોર્ટ છે અને ન તો હું ન્યાયાધીશ છું.
  • બીજેપી સાંસદ હિના ગાવિતે જણાવ્યું હતું કે એથિક્સ પેનલે મહુઆ મોઇત્રાને તેમના સોગંદનામાના આધારે પ્રશ્નો પૂછ્યા હતા, વ્યક્તિગત પ્રશ્નો પૂછીને કોઈ ચીરહરણ નથી કર્યું.
  • ભાજપના પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે મહુઆ મોઇત્રાને ગૃહમાં બોલવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
  • બંગાળના CMએ કહ્યું કે આજે લોકતંત્રની બાયપાસ સર્જરી થઈ ગઈ છે. મહુઆ પરિસ્થિતિઓની શિકાર બની છે.

મહુઆ પાસે હવે કયા ઓપ્શન ?

મહુઆ મોઈત્રાનું સાંસદ પદ રદ થયા બાદ હવે મોઈત્રા શું કરશે, તેમની પાસે કયા કયા ઓપ્શનો છે, તેની સૌ કોઈ ચર્ચાઓ કરી રહ્યું છે.

બંધારણના જાણકારોનું માનીએ તો મહુઆ પાસે હવે 5 ઓપ્શન બચ્યા છે. જોકે આ વિકલ્પોમાં મહુઆને કેટલી રાહત મળશે, તે કહેવું હાલ યોગ્ય નથી. સાંસદ અને વરિષ્ઠ સલાહકાર વિવેક તન્ખાના જણાવ્યા મુજબ મોઈત્રા 3 વિકલ્પોનો ઉપયોગ કરી શકે છે.

(1) મહુઆ નિર્ણય પર સમીક્ષા કરવા માટે સંસદને વિનંતી કરી શકે છે, જોકે આ મામલે પુનઃ વિચાર કરવો કે નહીં, તે સંસદના વિવેક પર નિર્ભર રહેશે.

(2) મૂળભૂત અધિકારો અને કુદરતી ન્યાયના ઉલ્લંઘન મર્યાદિત મુદ્દા પર સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે.

(3) નિર્ણયનો સ્વિકાર કરે અને 4 મહિનામાં ફરી ચૂંટણી લડે.

મહુઆ આ 2 વિકલ્પોનો પણ કરી શકે છે ઉપયોગ

(1) એથિક્સ કમિટીના અધિકારને પડકાર આપવો : મહુઆ તેમની સામે કરાયેલી કાર્યવાહી અનિયમિત અથવા દ્રેષ અથવા અગાઉથી આયોજિત કરાઈ હોવાનું કહી અથિક્સ કમિટીએ પોતાના આદેશનું ઉલ્લંઘન કર્યું હોવાનો તર્ક આપી શકે છે. ઉપરાંત તેઓ એવો પણ તર્ક આપી શકે છએ કે, આ મામલાને એથિક્સ કમિટીએ નહીં પણ વિશેષાધિકાર સમિતીએ જોવો જોઈએ…

(2) તેમના પર ચાલી રહેલા માનહાનિના દાવા દ્વારા રાહત : મહુવા દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો દાવો ચાલી રહ્યો હોવાથી મહુવા તેનો ઉલ્લેખ કરી રાહત માંગી શકે છે. જો મહુઆ મોઈત્રા ઘણા વ્યક્તિઓ વિરુદ્ધ માનહાનિ કેસમાં એવું સાબિત કરે કે, તેમની વિરુદ્ધ લગાવાયેલ આરોપો નિંદનિય, બનાવટી અથવા તેમની પ્રતિષ્ઠાને હાની પહોંચાડનારા છે, તો તેઓ એથિક્સ કમિટીના નિર્ણયને પલટાવવાની આશા રાખી શકે છે.