કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂના ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના 10 ઠેકાણે ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડતા 200 કરોડ રુપિયાથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે બુધવારે 6 ડિસેમ્બરે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂના ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના 10 ઠેકાણે કાર્યવાહી કરી છે. પરિસરમાં દરોડા દરમિયાના 200 કરોડ રુપિયાથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલી નોટોની સંખ્યા એટલી વધારે હતી કે તેને ગણવા માટે મંગાવવામાં આવેલા મશીનો પણ તૂટી ગયા હતા. આ જપ્તી ઓડિશાના અનેક સ્થળોએથી કરવામાં આવી છે. રિપોટ્સ મુજબ હજુ પણ કાર્યવાહી યાલુ છે. તેવામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક્સ પર કરવામાં આવેલી એક ટ્વીટ ઘણી જ ચર્ચામાં છે, જેમાં વડાપ્રધાને ઓડિશા અને ઝારખંડના દરોડાનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કર્યા છે.
આ દરોડાના સમાચાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે-
દેશવાસીઓએ આ નોટોના ઢગલા જોવું જોઈએ અને પછી તેમના નેતાઓના પ્રામાણિક ‘ભાષણો’ સાંભળવા જોઈએ…
જનતા પાસેથી જે પણ લૂંટાયું છે તેનો એક-એક પૈસો પાછો આપવો પડશે, આ મોદીની ગેરંટી છે.
મળતી માહિતી મુજબ ઈનકમ ટેક્સ વિભાગે ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના અનેક ઠેકાણેથી આ જપ્તી કરી છે. ઈનકમ ટેક્સ વિભાગના અધિકારીઓએ બોલાંગીર જિલ્લાના સુદાપાડમાં દરોડા દરમિયાન રોકડથી ભરેલી 150થી વધુ બેગ જપ્ત કરી હતી. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે હાલ ધીરજ સાહૂના ઠેકાણે દરોડાની કાર્યવાહી હજી ચાલુ જ છે અને ત્યાંથી 150થી 300 કરોડની જપ્તી થશે તેવી આશા છે.
આ મામલે હજુ સુધી કોંગ્રેસ દ્વારા કોઈ જ નિવેદન સામે આવ્યું નથી.
આપને જણાવી દઈએ કે કોંગ્રેસ સાંસદ ધીરજ સાહૂનો ઓડિશામાં શરાબનો મોટો વેપાર છે. સાહૂ પર ટેક્સ ચોરીનો આરોપ છે. દરોડા બલદેવ સાહૂ એન્ડ ગ્રૂપ ઓફ કંપનીઝની ઓફિસમાં પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન 200 કરોડ રુપિયાથી વધુની રોકડ મળી આવતા આવકવેરા વિભાગના અધિકારીઓ પણ આશ્ચર્યમાં મૂકાયા હતા. સાંસદના ઠેકાણેથી એટલા મોટી પ્રમાણમાં રોકડ મળતા તેને લઈ જવા માટે ટ્રકનો સહારો લેવો પડ્યો હતો. ગુરુવારે શરૂ થયેલી નોટોની ગણતરી હજુ પણ ચાલુ છે.
રાજ્યમાં CBI, ઈડી, ઈન્કમટેક્સ વિભાગ સહિત અનેક તપાસ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધીરજ સાહુના ઘરમાંથી ઘણા મોટા કબાટ મળી આવ્યા છે, જેમાં 200 કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી આવી છે. તેમની મતગણતરી હજુ ચાલુ છે. રોકડનો ચોક્કસ આંકડો ગણતરી બાદ જ જાહેર કરવામાં આવશે.
હૈદરાબાદના ડીજી ઇન્વેસ્ટિગેશન સંજય બહાદુર પોતે ઓડિશા પહોંચી ગયા છે. ઓડિશાના ઘણા મોટા અધિકારીઓ કેમ્પ કરી રહ્યા છે. વિભાગીય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ રકમ દેશમાં કાયદેસર રીતે જપ્ત કરાયેલી રોકડની સૌથી મોટી રકમ હોવાનો અંદાજ છે.