વર્લ્ડકપ 2023ના સમાપન સાથે જ દ્રવિડનું કાર્યકાળ પણ સમાપ્ત થઇ ગયું હતું
ધ વોલના વિઝન સાથે જ ભારતીય ક્રિકેટ ટીમ આગળ વધશે, બીસીસીઆઈએ કોન્ટ્રાક્ટ એક્સ્ટેન્શનની કરી જાહેરાત
રાહુલ દ્રવિડ અને સપોર્ટ ટીમનો કાર્યકાળ લંબાવ્યો, સપોર્ટ સ્ટાફમાં પણ કોઈ ફેરફાર નહીં થાય
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા લાંબા સમય બાદ મુખ્ય ક્રિકેટ કોચ તરીકે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાહુલ દ્રવિડને ફરી એકવાર ભારતીય ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો છે. વર્લ્ડકપ 2023ના સમાપન સાથે જ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ સમાપ્ત થઇ ગયો હતો. વર્લ્ડ કપ 2023 પછી એવું કહેવામાં આવી રહ્યું હતું કે બોર્ડ નવા કોચ અને નવા સપોર્ટ સ્ટાફની જાહેરાત કરી શકે છે. પરંતુ હવે બીસીસીઆઈએ રાહુલ દ્રવિડ એન્ડ કંપનીને રિટેન કરવાનો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈએ સિનિયર મેન્સ ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ સાથે સપોર્ટ સ્ટાફના કોન્ટ્રાક્ટ પણ લંબાવ્યો છે. હેડ કોચ અને સપોર્ટ સ્ટાફનું કાર્યકાળ કેટલા દિવસ માટે આગળ વધારવામાં આવ્યો છે તેના વિશે બીસીસીઆઈએ કોઈ માહિતી આપી નથી.
બીસીસીઆઈ તરફથી એમ પણ કહેવામાં આવ્યું કે, રાહુલ દ્રવિડે પોતાના કામથી ટીમ ઈન્ડિયાના પ્રદર્શનમાં સુધારો કર્યો છે. આ સિવાય બીસીસીઆઈએ NCAના હેડ કોચ અને ભારતીય ટીમના સ્ટેન્ડ-ઇન હેડ કોચ તરીકે વીવીએસ લક્ષ્મણની ભૂમિકાની પણ પ્રશંસા કરે છે. વીવીએસ લક્ષ્મણ NCAના હેડ તરીકે યુવા ખેલાડીઓને તૈયાર કરી રહ્યા છે. દ્રવિડની ગેરહાજરીમાં પણ લક્ષ્મણ ઘણી વખત ટીમ ઈન્ડિયા સાથે રહ્યો છે. આ સિવાય બંનેએ સાથે મળીને ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે કામ કર્યું છે. બીસીસીઆઈએ કહ્યું કે તે ભારતીય ટીમને ઘડવામાં રાહુલ દ્રવિડની ભૂમિકાને ઓળખે છે અને તેમની અસાધારણ વ્યાવસાયિકતાની પ્રશંસા કરે છે.
બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્નીએ કહ્યું કે રાહુલ દ્રવિડની દ્રષ્ટિ અને દૃઢ પ્રયાસો ટીમ ઈન્ડિયાની સફળતામાં મહત્વપૂર્ણ આધારસ્તંભ રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે તેમણે હંમેશા ઝીણવટભરી રીતે કામ કર્યું છે. તેમના કામની પ્રશંસા કરવામાં આવી છે. તેમની વ્યૂહરચનામાં ભારતીય ટીમનું પ્રદર્શન સારું રહ્યું છે. બિન્નીએ વધુમાં કહ્યું કે, મને ખુશી છે કે તેમણે મુખ્ય કોચ રહેવાની ઓફર સ્વીકારી છે અને તેઓ બીસીસીઆઈના નિર્ણયને સ્વીકાર્યો છે. તેમાં કોઈ શંકા નથી કે દ્રવિડના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયા વધુ સફળ થશે અને સારું પ્રદર્શન કરશે.
સચિવ જય શાહે આ એક્સ્ટેન્શન અંગે કહ્યું કે, ‘મેં તેમની નિમણૂક સમયે ઉલ્લેખ કર્યો હતો કે મુખ્ય કોચની ભૂમિકા સંભાળવા માટે રાહુલ દ્રવિડથી વધુ સારો વ્યક્તિ કોઈ નથી અને દ્રવિડે તે સાબિત કર્યું. ભારત હવે તમામ ફોર્મેટમાં એક મજબૂત ટીમ છે અને ત્રણેય ફોર્મેટમાં અમારું ટોચનું રેન્કિંગ આનું ઉદાહરણ છે. વર્લ્ડ કપ અભિયાન અસાધારણથી ઓછું ન હતું. તેના માટે હેડ કોચ પ્રશંસાને પાત્ર છે.’
કોચ રાહુલ દ્રવિડે કહ્યું, ‘ટીમ ઈન્ડિયા સાથેના છેલ્લા 2 વર્ષ ખૂબ જ યાદગાર રહ્યા છે. સાથે મળીને અમે ઉતાર-ચઢાવ જોયા છે. અમે ડ્રેસિંગ રૂમમાં જે સંસ્કૃતિ સ્થાપિત કરી છે તેના પર મને ખરેખર ગર્વ છે. અમારી ટીમ પાસે જે કૌશલ્ય અને પ્રતિભા છે તે અસાધારણ છે. હું બીસીસીઆઈ અને પદાધિકારીઓનો મારામાં વિશ્વાસ રાખવા, મારા વિઝનને ટેકો આપવા અને આ સમયગાળા દરમિયાન મને ટેકો આપવા બદલ આભાર માનું છું. સમગ્ર જર્ની દરમિયાન, ગ્રૂપની અંદરનો સપોર્ટ સારો રહ્યો છે.’
દ્રવિડે આગળ કહ્યું કે, “હું બીસીસીઆઈ અને પદાધિકારીઓનો મારા પર વિશ્વાસ રાખવા, મારા વિઝનને સમર્થન આપવા અને આ સમયગાળા દરમિયાન સમર્થન આપવા બદલ આભાર માનું છું. આ ભૂમિકાની માંગ માટે ઘરથી દૂર ઘણો સમય જરૂરી છે, અને હું મારા પરિવારના બલિદાન અને સમર્થનની ઊંડી કદર કરું છું. પડદા પાછળ તેમની નિમિત્ત ભૂમિકા અમૂલ્ય રહી છે. વિશ્વ કપ પછી અમે નવા પડકારોને સ્વીકારીએ છીએ, તેમજ પોતાનું શ્રેષ્ઠ આપવા પ્રતિબદ્ધ રહીએ છીએ.”
વર્લ્ડકપ બાદ રાહુલ દ્રવિડ વિશે એવી અટકળો પણ ચાલી રહી હતી કે તે ટીમ ઈન્ડિયાના કોચિંગ પદ પરથી રાજીનામું આપી શકે છે. પરંતુ બીસીસીઆઈની રાહુલ દ્રવિડ સાથે મીટિંગ અને વાતચીત બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે કોચ અને સપોર્ટ સ્ટાફમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.