બેટ પર પેલેસ્ટાઈનો ધ્વજ લગાવવા બદલ આઝમખાન પર ફટકારેલ દંડ PCBએ માફ કર્યો

azamkhan

આઝમખાન પર મેચ ફીનાં 50 ટકા રકમ જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તાજેતરમાં રમાઈ રહેલા નેશનલ T20 કપની મેચમા દરમિયાન પાકિસ્તાની બેટ્સમેન આઝમ ખાનને તેના બેટ પર પેલેસ્ટાઈનનો ધ્વજ લગાવી પ્રદર્શન કરવા બદલ બેટ્સમેન આઝમ ખાનને દંડ ફટકારવાના નિર્ણય પર યુ-ટર્ન લીધો છે. જ્યારે આઝમ ખાનની ટીમ કરાચી વ્હાઇટ્સને રવિવારે નેશનલ સ્ટેડિયમમાં લાહોર બ્લૂઝ સામે રમી રહ્યા હતા ત્યારે તેમના બેટ પર પેલેસ્ટાઇનનો ધ્વજ હતો. આ પછી આઝમને મેચ ફીના 50 ટકા રકમ જેટલો દંડ ફટકારવામાં આવ્યો હતો. જો કે, PCBએ પાછળથી સમીક્ષા કરી અને મેચ અધિકારીઓ દ્વારા લાદવામાં આવેલ દંડને માફ કરવાનો નિર્ણય લીધો.

પાકિસ્તાનમાં રવિવારે લાહોર બ્લુ સામે રમાયેલી T20 ટુર્નામેન્ટની એક મેચમાં વિકેટકીપર અને બેટ્સમેન એવા આઝમ ખાન સમર્થન બતાવવા માટે પોતાના બેટ પર પેલેસ્ટાઈનના ધ્વજનું સ્ટીકર લગાવીને મેદાનમાં આવ્યો હતો. બેટ પર પેલેસ્ટાઈનનો ધ્વજ લગાવવા બદલ આઝમને લેવલ-1ના ગુનામાં દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેની પર મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. તેણે PCBની આચાર સંહિતાની કલમ 2.4નું ઉલ્લંઘન કર્યું હતું. પરંતુ હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ દંડ હટાવી દીધો છે.

આઝમ ખાન પર દંડ હટાવવા અંગે PCB તરફથી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, ‘મેચ અધિકારીઓએ આઝમ ખાન પર મેચ ફીસના 50 ટકાનો દંડ લગાવ્યો હતો, જેને PCB દ્વારા પાછો ખેંચી લેવામાં આવ્યો છે.’

પાકિસ્તાની મીડિયા અહેવાલો મુજબ આઝમ ખાને રવિવારે લાહોર સામે રમાયેલી મેચ પહેલા પાછલી 2 મેચોમાં પેલેસ્ટાઇનના ધ્વજનું સ્ટીકર પોતાના બેટ પર લગાવ્યું હતું પરંતુ મેચ અધિકારીઓએ તેને કોઈ ચેતવણી આપી ન હતી. ICC આચાર સંહિતા અનુસાર, “ખેલાડીઓ કોઈપણ પ્રકારના સંદેશ પ્રદર્શિત કરી શકતા નથી જે કોઈપણ રાજકીય, ધાર્મિક અથવા વંશીય પ્રવૃત્તિઓ વગેરેને સમર્થન આપતા હોય.”