ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપ હવે શુભમન ગિલ હાથમાં, ગિલે વર્ષ 2018માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું

shubman-gill

પહેલી જ સીઝનમાં હાર્દિક પંડ્યાએ ગુજરાતને ચેમ્પિયન બનાવ્યું હતું, હાર્દિક હવે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માં “ગુજરાત ટાઈટન્સ” ટીમના નવા કપ્તાન તરીકે શુભમન ગિલની પસંદગી થઈ છે, ગુજરાત ટાઈટન્સનાં કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાતા હવે તેની જગ્યા હવે ગિલ સંભાળશે. ગુજરાત ટાઇટન્સે IPL 2024 માટે શુભમન ગિલને તેમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. ગુજરાત ફ્રેન્ચાઇઝીએ સોમવારે આની સત્તાવાર જાહેરાત કરી હતી. આ ફેરફાર ગુજરાત ટાઈટન્સનાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ટીમ છોડવાના નિર્ણયને કારણે થયો છે.

ટીમના યુવા ઓપનર શુભમન ગિલે સુકાનીપદ વિશે કહ્યું, ‘હું ખૂબ જ ખુશ છું અને ગર્વ અનુભવું છું. મારામાં વિશ્વાસ કરવા બદલ હું ફ્રેન્ચાઇઝીનો આભાર માનવા માંગુ છું. અમારી બે સિઝન શાનદાર રહી છે અને હું ટીમનું નેતૃત્વ કરવા અને શાનદાર ક્રિકેટ રમવા માટે ઉત્સાહિત છું.

હાર્દિક આગામી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા જોવા મળશે. MIએ પણ આજે સોશિયલ મીડિયા પર તેની સત્તાવાર જાહેરાત કરી હતી. આ દરમિયાન MIએ કેમેરોન ગ્રીનને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) સાથે ટ્રેડ કર્યો છે.

ગુજરાત ટાઇટન્સ ટીમ 2022ની સીઝનમાં પ્રથમ વખત IPLમાં પ્રવેશી હતી. હાર્દિકની કપ્તાનીમાં ટીમે પ્રથમ સીઝનમાં જ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. ગુજરાતની ટીમ 2023ની સીઝનમાં પણ ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં તેને ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આટલી સફળતા છતાં ગુજરાતની ટીમ અને પંડ્યાની વિદાય ચાહકો તથા ક્રિકેટ નિષ્ણાતોને આશ્ચર્યમાં મૂકી રહી છે.

હાર્દિક પંડ્યાએ 2015માં મુંબઈ ઈન્ડિયન્સ સાથે તેની આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેની હાજરીમાં મુંબઈએ 4 આઈપીએલ ટાઈટલ જીત્યાં હતાં. હાર્દિક 2021 સુધી મુંબઈ ઈન્ડિયન્સમાં રહ્યો હતો. આ પછી તે ઈજાગ્રસ્ત થયો અને જ્યારે તે પાછો ફર્યો ત્યારે તે બોલિંગ કરતો નહોતો. મુંબઈએ તેને 2022માં રિલીઝ કર્યો હતો. ત્યારથી તે બે સીઝન માટે ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હતો.

ગુજરાત ટાઇટન્સના ક્રિકેટ ડિરેક્ટર વિક્રમ સોલંકીએ કહ્યું, ‘શુભમન ગિલે છેલ્લા બે વર્ષમાં ઘણી વૃદ્ધિ દર્શાવી છે. અમે તેને માત્ર બેટ્સમેન તરીકે જ નહીં પરંતુ એક નેતા તરીકે પણ પરિપક્વ જોયો છે. તેણે 2022 અને 2023 માં મેદાન પર ટીમ માટે ઘણું કર્યું છે.

ગિલ IPL 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. ગિલે 7 મેચમાં 59.33ની એવરેજથી 890 રન બનાવ્યા હતા. 24 વર્ષીય ગિલે વર્ષ 2018માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યારસુધી 91 મેચમાં કુલ 2790 રન બનાવ્યા છે.

શું મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિકને કેપ્ટન બનાવશે?
IPLની છેલ્લી બે સીઝનમાં હાર્દિકે પોતાની કેપ્ટનશિપની ક્ષમતા સાબિત કરી છે. એવું માનવામાં આવે છે કે મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિકને ટીમનો કેપ્ટન બનાવી શકે છે. જોકે રોહિત શર્મા પાસેથી સુકાનીપદ છીનવી લેવાનો નિર્ણય આસાન નહીં હોય. રોહિત પાંચ વખત મુંબઈને ચેમ્પિયન બનાવી ચૂક્યો છે. હાલમાં પૂરા થયેલા વન-ડે વર્લ્ડ કપમાં પણ તેની કેપ્ટનશિપનાં ખૂબ વખાણ થયાં છે.