રાજૂલાથી પરિવાર સાથે આવેલી બાળકી પર દીપડાનો જીવલેણ હુમલો, લોકોમાં ભય ફેલાયો
જુનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ 23 નવેમ્બરથી થયો છે. આજે આ પરિક્રમાનો બીજો દિવસ છે. 36 કિલોમીટર લાંબી આ પરિક્રમાં શરુ થઈ ત્યારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરિક્રમામાં નાના બાળકોથી લઇને વડીલો મોટી સંખ્યામાં જોડાયા છે. દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ આ પરિક્રમામાં જોડાયા છે. લીલી પરિક્રમા દરમિયાન આજે એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં 11 વર્ષીય બાળકી પર દિપડાએ હુમલો કરતા બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ બનાવના પગલે પરિક્રમા કરવા આવેલા ભાવિકોમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમરેલી જિલ્લાનાં રાજુલાથી 11 વર્ષીય પાયલ સાખન પોતાના પરિવાર સાથે લીલી પરિક્રમા કરવા આવી હતી. પરિક્રમા દરમિયાન બોરદેવી નજીક બાવર કોટ વિસ્તારમાં એક દીપડાએ 11 વર્ષીય બાળકી પર હુમલો કર્યો હતો અને તેને ખેંચીને જંગલમાં લઇ ગયો હતો. બાળકી પર દીપડાએ હુમલો કર્યો હોવાની જાણ થતાં પરિવારજનો અને અન્ય પરિક્રમાર્થીઓ દ્વારા બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
બાળકી અને દીપડાની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ પરિક્રમાર્થીઓને બાળકી કે દીપડાનો પતો લાગ્યો ન હતો. લાંબા સમય સુધી શોધખોળ કરવા છતાં બાળકી ન મળતા આખરે પરિવારજનોએ જંગલ ખાતાને જાણ કરી હતી. વન વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને બાળકીની શોધખોળ આદરી હતી. જે દરમિયાન બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે અને આ હુમલાને પગલે પોલીસ અને વનવિભાગ સતર્ક થયું છે. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ દીપડાએ બાળકીને ઉઠાવીને 50 મીટર જંગલમાં ઢસેડી ગયો હતો. બાળકીને મૃતદેહ જોઇને પરિવારજનોના આક્રંદથી પરિક્રમા રૂટ ગુંજી ઉઠ્યો હતો. બાળકીના પરિવાર પર શોકનું મોજુ ફરી વળ્યું છે. પરિક્રમાર્થીઓમાં પણ રોષ અને ફફડાટ વ્યાપી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં અવાર નવાર દીપડા તેમજ સિંહના હુમલાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે ત્યારે હવે લીલી પ્રરિક્રમાં દીપડાના હુમલાની ઘટના સામે આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. પરિક્રમા કરવા માટે મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. પરિક્રમાનો રૂટ ગાઢ જંગલમાંથી પસાર થતો હોય વન વિભાગ દ્વારા પણ જંગલી પ્રાણીઓથી સાચવેત રહેવા અને વન વિભાગની ટીમનો તુરંત સંપર્ક કરવા જણાવવા આવી રહ્યું છે. આજે બીજા દિવસે પણ મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ ગરવા ગિરનાર પહોંચી રહ્યાં છે.