TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય મોકૂફ, આંદોલનને પગલે સરકારની પીછેહઠ

trb

મુખ્યમંત્રી સાથેની બેઠકમાં લેવાયો નિર્ણય, આ નિર્ણયથી આંદોલન પર ઉતરેલા જવાનો પરત ફરજ પર આવશે

અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા છ હજાર ઉપરાંત, જેટલા ટીઆરબી જવાનોને ફરજ પરથી છુટા કરાવાના ડીજીપીના હુકમને મામલો હવે ગંભીર સ્વરૂપ લઇ રહ્યો છે. જેમાં અમદાવાદ અને સુરતમાં ટિઆરબી જવાનોએ કલેક્ટરને આવેદન આપીને ડીજીપી તેમજ ગૃહ વિભાગ સામે આંદોલનના મંડાણ કર્યા છે. એવામાં હવે સરકાર તેમના નિર્ણયથી પીછેહઠ કરી છે.

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અને CMOના પ્રિન્સિપાલ સેક્ટ્રેટરી કે. કૈલાશનાથન હાજર રહ્યા હતા, જ્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી વર્ચ્યૂઅલી જોડાયા હતા. આ બેઠકમાં TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય હાલ પુરતો મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગૃહ વિભાગ સામે આંદોલનના પગલે હવે પ્રશાસન આ TRB જવાનોને છૂટા કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. કેટલાક દિવસથી ચાલતા આંદોલનનો અંત આવશે. આ નિર્ણયથી આંદોલન પર ઉતરેલા જવાનો ફરીથી ફરજ પર પરત ફરશે. જોકે સરકારે કહ્યું કે, જે જવાનો પર નિયમભંગના ચાર્જ છે તેમને ફરજ પર પરત નહીં લેવામાં આવે.

હકીકતમાં રાજ્યના DGPએ TRB જવાનોને છૂટા કરવાનો આદેશ કર્યો હતો. જેને લઈને રોષે ભરાયેલા TRB જવાનો સામુહિક રજા પર ઉતરી ગયા હતા. જેને કારણે અમદાવાદ શહેરમાં મોટાભાગના જંક્શનો પર પીક અવર્સમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

TRB જવાનો દ્વારા અનેક જિલ્લા કલેક્ટરોને આવેદન આપવામાં આવ્યા હતા. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે, DGP દ્વારા TRB જવાનોને છૂટા કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, તે અયોગ્ય છે. પોતાની જવાનીના 10 વર્ષ જેમણે ગુજરાત પબ્લિકની સેવામાં વાપરી દીધા હોય, તેવા લોકોને એક આદેશથી ફરજ મુક્ત કરવા યોગ્ય નથી. આ બાબતે યોગ્ય વિચાર કરવો જોઈએ. આ સાથે જ TRB જવાનોએ ચિમકી ઉચ્ચારી હતી કે, આવનારા દિવસોમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે, તો જલદ આંદોલન કરવામાં આવશે.

થોડા દિવસ પહેલા ડીજીપી વિકાસ સહાયે એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં ચોક્કસ સમયથી વધારે સમય માટે ટ્રાફિક વિભાગમાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા છ હજારથી વધારે ટીઆરબી જવાનોને તબક્કાવાર ફરજ પરથી છુટા કરીને તેમના સ્થાને નવી ભરતી કરવામાં આવે. ડીજીપીના આનિર્ણયના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જે અનુસંધાનમાં અમદાવાદ અને સુરતમાં આજે મોટાપ્રમાણમાં ટીઆરબી જવાનોએ એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરવાની સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને ડીજીપીના આ નિર્ણયને બદલવા માટે રજૂઆત કરી હતી. સાથેસાથે તેમણે ડીજીપી અને ગૃહ વિભાગને એવી પણ રજૂઆત કરી છે કે તેમને છુટ્ટા કરવાને બદલે અન્ય પોલીસ સ્ટેશન કે અન્ય વિસ્તારમાં બદલી કરવામાં આવે છે.

DGP દ્વારા ગુજરાતના 9 હજાર TRB જવાનો પૈકી 1100 જવાનોને 10 વર્ષ પૂરા થવા પર આગામી 30 નવેમ્બરે છૂટા કરવામાં આવવાના હતા. જ્યારે 3000 જવાનોને 31 ડિસેમ્બરે છૂટા કરવામાં આવશે, કારણ કે તેમણે ફરજમાં 5 વર્ષથી વધુ થઈ ગયા છે. આ સિવાય અન્ય 2300 TRB જવાનોને 3 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો હોવાથી તેમને 31 માર્ચ, 2024માં છૂટા કરવાનો હુકમ થયો હતો.